કોકિલા : રમણલાલ વસંતલાલ દેસાઈની તે નામની ગુજરાતી નવલકથા (પ્રથમ આવૃત્તિ, પ્રકાશનવર્ષ ડિસેમ્બર 1928) પર આધારિત હિંદી સિનેકૃતિ. નિર્માણવર્ષ : ઈ. સ. 1938-39; નિર્માણસંસ્થા : સાગર મૂવીટોન, મુંબઈ; દિગ્દર્શન : ચીમનભાઈ દેસાઈ; અભિનયવૃન્દ : મોતીલાલ, સવિતાદેવી, શોભના સમર્થ, પેસી પટેલ, માયા બૅનરજી વગેરે. રજૂઆતવર્ષ ઈ.સ. 1940-41.
જગદીશ (મોતીલાલ) યુવાન, સન્નિષ્ઠ અને આદર્શવાદી સરકારી અમલદાર છે. તેની પત્ની કોકિલા (સવિતાદેવી) તેની સન્નિષ્ઠા અને તેના આદર્શોની પ્રેરણા છે. ઉપરી અમલદાર સાથેના વૈચારિક મતભેદને કારણે જગદીશ નોકરીમાંથી રાજીનામું આપી દે છે, તે સાથે સરકારી વૈભવશાળી આવાસમાંથી ભાડાના ઘરમાં સાદાઈનું જીવન સ્વીકારે છે. સામાજિક કાર્ય અને પત્રકારત્વને કારકિર્દી તરીકે અપનાવનાર જગદીશ અને તેની પ્રેરણામૂર્તિ કોકિલા વિજયાલક્ષ્મી (શોભના સમર્થ) અને તેના ધનિક પતિ શ્રીમંતના ઘરના આઉટહાઉસમાં જીવન વિતાવે છે. શ્રીમંતની પત્ની વિજયાલક્ષ્મી જગદીશની બૌદ્ધિક પ્રતિભા અને આદર્શોથી આકર્ષાઈ જગદીશ તથા કોકિલાના નજીકના પરિચયમાં આવે છે. વિજયાલક્ષ્મી સંવેદનશીલ અને સંસ્કારી છે. પરંતુ તેના શ્રીમંત પતિમાં આવા ગુણોની ઊણપ છે તેથી વિજયાલક્ષ્મી જગદીશ-કોકિલાના સામીપ્યમાં વિશેષ સંતોષ પામે છે. વિજયાલક્ષ્મી દ્વારા સધાતું જગદીશનું સામીપ્ય કોકિલામાં ગેરસમજ પેદા કરશે તેવી વિજયાલક્ષ્મીની દહેશત ખોટી ઠરે છે, કારણ કે કોકિલા અને જગદીશ બંનેની પતિ-પત્ની તરીકે એકબીજા પ્રત્યેની સમજ ઉચ્ચ આદર્શો પર આધારિત છે. નવલકથા તથા સિનેકૃતિ બંને નાયિકાપ્રધાન છે, તેથી સ્વાભાવિક રીતે જ અભિનેત્રી સવિતાદેવીની અભિનયપ્રતિભાને અહીં વિશેષ તક રહી છે. તેમણે પાત્રાલેખન અનુસાર પૂર્ણ રીતે ન્યાય આપવા પ્રયાસ કર્યો છે.
ભારતીય ચલચિત્રના સવાક્ (talkie) યુગના પ્રથમ દાયકામાં જ ગુજરાતના પ્રાદેશિક વાતાવરણ અને સંસ્કારને વ્યક્ત કરતી ગુજરાતી નવલકથાને રૂપેરી દેહ આપવા તથા તેને હિંદી પ્રેક્ષક સુધી પહોંચાડવા માટે તે સમયનાં તારક અભિનેતા-અભિનેત્રી મોતીલાલ, સવિતાદેવી, શોભના સમર્થ, માયા બૅનરજીની અભિનયપ્રતિભાને ઉપયોગમાં લેવાઈ હતી તે એક યાદગાર ઘટના છે. આ મહત્વની સિનેકૃતિ દુર્ભાગ્યવશાત્ પુણે ખાતેના રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલયમાં સચવાઈ કે સંગ્રહાઈ નથી, પરંતુ ર. વ. દેસાઈના પરિવાર પાસે આ સિનેકૃતિનાં કેટલાંક ર્દશ્યોના સ્ટિલ ફોટોગ્રાફ્સનું આલબમ સુ-સંગૃહીત છે.
ઉષાકાન્ત મહેતા
સુધાબહેન ર. દેસાઈ