કોએલો, ક્લૉદિયો (Coello, Claudio) (જ. 2 માર્ચ 1642, મૅડ્રિડ, સ્પેન; અ. 20 એપ્રિલ 1693, મૅડ્રિડ, સ્પેન) : સ્પેનનો છેલ્લો બરોક ચિત્રકાર. પોર્ટુગીઝ શિલ્પી ફૉસ્તીનો કોએલોના તેઓ પુત્ર હતા. સ્પૅનિશ ચિત્રકાર ફ્રાન્ચેસ્કો રિમી હેઠળ ક્લૉદિયો કોએલોએ તાલીમ લીધી. મૅડ્રિડના રાજમહેલમાં રહેલા રુબેન્સ, વાલાસ્ક્વૅથ, તિશ્યોં અને જુવાન કારેનો દા મિરાન્ડાનાં ચિત્રોનો તેમણે અભ્યાસ કર્યો. તેમાંથી વાલાસ્ક્વેથ અને જુવાન કારેનો દા મિરાન્ડાના પ્રભાવ હેઠળ તેઓ આવ્યા. ભીંતચિત્રકાર જૉસેફ ડોનોસો સાથે તેમણે ભાગીદારીમાં મૅડ્રિડના ચર્ચ અને મહેલોમાં ભીંતચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. આ રીતે તેમણે તોલેડો કેથીડ્રલ અને સારાગોસાના ઑગસ્ટિનિયન ચર્ચમાં ભીંતો ઉપર ચિત્રો ચીતર્યાં. 1671માં સ્પેનના રાજા ચાર્લ્સ બીજાએ તેની નિમણૂક એક દરબારી ચિત્રકાર તરીકે કરી; પરંતુ 1692માં ઇટાલિયન બરોક ચિત્રકાર લુઆ જિયોર્દાનોનું સ્પેનના રાજદરબારમાં સ્વાગત થતાં કોએલો ઉપેક્ષિત બન્યા અને હતાશ હાલતમાં મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી સ્પૅનિશ ચિત્રકલાની ઝડપી પડતી શરૂ થઈ.
કોએલોએ ચીતરેલાં આશરે પચાસ વ્યક્તિચિત્રોમાં મૉડલની લાક્ષણિકતાઓ તેના મનોગત અને સ્વભાવ સાથે જોવા મળે છે; જેમાં રાજા ચાલ્સ બીજાનું વ્યક્તિચિત્ર પણ સમાવેશ પામે છે, પણ કોએલોનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે : ‘એડોરેશન ઑવ્ ધ હોલી યુકેરિસ્ટ’. તેમાં પ્રગલ્ભ આધ્યાત્મિક વાતાવરણ તેમણે ખ્રિસ્તી ધાર્મિક વિષયના આલેખન વડે ઊભું કર્યું છે.
અમિતાભ મડિયા