કોઍસર્વેટ્સ (સહપુંજિતો) : રશિયન જીવવિજ્ઞાની ઓપેરિને આદિ-જીવોની ઉત્પત્તિ વિશે કરેલી પરિપોષિત પરિકલ્પના (heterotroph hypothesis). ઓપેરિને જીવસૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે સમુદ્રમાં ઉત્પન્ન થયેલા નિર્જીવ અણુ વિશે સૌપ્રથમ 1922માં બૉટેનિકલ સોસાયટીના અધિવેશનમાં રજૂઆત કરેલી. આ પરિકલ્પના મુજબ આદિજીવો અસ્તિત્વમાં આવ્યા તે પૂર્વે દરિયામાં સૌપ્રથમ સાદા કાર્બોહાઇડ્રેટ એમિનો ઍસિડ ન્યૂક્લિઇક ઍસિડ જેવા કાર્બનિક પદાર્થો ઉત્પન્ન થયા હતા. સમય જતાં એમિનો ઍસિડ અને ન્યૂક્લિઇક ઍસિડ જેવાનું ક્રમબદ્ધ યુગ્મન (ordered coupling) થયું. આ અણુઓના વિશિષ્ટ બંધારણ અને વિદ્યુતભારના વિતરણને અધીન રહીને તેમાંથી પ્રોટીન, ન્યૂક્લોટાઇડ જેવાની ક્રમબદ્ધ રચના શક્ય બની. કેટલાંક પ્રોટીન તો ઉત્સેચકના સ્વરૂપનાં હતાં. સમય જતાં આવા સંકીર્ણ સ્વરૂપના અણુઓની ફરતે ચરબીપદાર્થો(lipid)નું આવરણ બંધાયું. આવા અણુઓને ઓપેરિને સહપુંજિતો તરીકે ઓળખાવ્યા છે. આ સહપુંજિતો આજુબાજુના પદાર્થોની અંદર પ્રસરણ પામી શકે છે અથવા અંદરના પદાર્થો બહાર નીકળે છે. તેમનાં આકાર અને કદમાં સતત પરિવર્તન થતું રહે છે. તે સ્વતંત્રપણે સંકોચન અને શિથિલન પામી ધબકે છે. તેમની સપાટી ખૂબ આકર્ષણબળ ધરાવે છે. તેમાં રહેલાં ન્યૂક્લિઇક ઍસિડ અને પ્રોટીનમાંથી ઉત્સેચકો અને જનીનોનું સંશ્લેષણ થાય છે. પૃથ્વીના આદ્ય પર્યાવરણમાં ઉદભવેલા આ કોઍસર્વેટ્સમાંથી જીવસૃષ્ટિ સર્જાયેલી છે.
બળદેવભાઈ પટેલ