કોઈલી : ઊડિયા કાવ્યપ્રકાર. પ્રાચીન ઊડિયા સાહિત્યમાં સંસ્કૃતના ‘સંદેશકાવ્ય’ અથવા ‘દૂતકાવ્ય’ની માફક કોઈલી કાવ્યપ્રકાર લોકપ્રિય હતો. કોઈલી એટલે કોયલ. આ પ્રકારની રચનાઓ ઘણુંખરું કોયલને ઉદ્દેશીને લખાય છે. ‘ક’થી ‘ક્ષ’ સુધીના ઊડિયા વર્ણાનુક્રમ અનુસાર તે રચાતી. સોળમી સદી પહેલાં તેની શરૂઆત થયેલી. માર્કંડ દાસ(પંદરમી સદી)કૃત ‘કેશવ કોઈલી’, બલરામ દાસ(સોળમી સદી)કૃત ‘કાન્ત કોઈલી’, જગન્નાથ દાસ(સોળમી સદી)કૃત ‘અઠ્ઠ કોઈલી,’ શંકર દાસની ‘બારમાસી કોઈલી’ અને લોકનાથ દાસની ‘જ્ઞાનોદય કોઈલી’ ઊડિયામાં ખૂબ પ્રચલિત છે. દીનબંધુરાજ હરિચન્દન (સત્તરમી સદી), ગોવિન્દ દાસ, દનેઈ દાસ, સદાનંદ બ્રહ્મ (અઢારમી સદી) હનુમાન રાયગુરુ (ઓગણીસમી સદી) વગેરેએ પણ કોઈલીનો કાવ્યપ્રકાર ખેડેલો છે. મુખ્યત્વે તેમાં જસોદા, કૌશલ્યા કે સીતાની એકલતાનું નિરૂપણ હોવાથી તેનો મુખ્ય ભાવ ઘણુંખરું કરુણ રહ્યો છે.
જાનકીવલ્લભ મોહન્તી