કૉસ્મૉસ : પૃથ્વીના હવામાનને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે સોવિયેટ રશિયાએ શરૂ કરેલી ઉપગ્રહોની શ્રેણી. તેમાં ધરતીથી ઊંચે છવાયેલાં વાદળો, તેમાંનાં બરફ પાણી અને બાષ્પની ઘનતા, તેમની ગતિ, ઊંચાઈ સાથે તાપમાન, આર્દ્રતા, વાયુદબાણ અને પવનનો વેગ વગેરેના દરરોજના માપનની જોગવાઈ હતી. એ પૈકીના કેટલાક ઉપગ્રહોની વિગતો નીચે મુજબ છે :

કૉસ્મૉસ–45 : પ્રારંભ : 13 સપ્ટેમ્બર 1964; ઊંચાઈ : 213થી 337 કિમી.; દીર્ઘવૃત્તીય ભ્રમણકક્ષા; નમનકોણ : 64.9° (પૃથ્વીના વિષુવવૃત્તને અનુલક્ષીને).

કૉસ્મૉસ–65 : પ્રારંભ : 17 એપ્રિલ 1965; ઊંચાઈ : 216થી 354 કિમી.; દીર્ઘવૃત્તીય ભ્રમણકક્ષા; નમનકોણ : 65°.

કૉસ્મૉસ

કૉસ્મૉસ–92 : પ્રારંભ : 16 ઑક્ટોબર 1965; ઊંચાઈ : 219થી 365 કિમી.; દીર્ઘવૃત્તીય ભ્રમણકક્ષા; નમનકોણ : 65°.

આ ત્રણેય ઉપગ્રહના ભ્રમણનો આવર્તકાળ આશરે 90 મિનિટ જેટલો હતો. હવામાન અંગેની માહિતી તથા સંશોધન માટે તેમાં ગોઠવેલાં સાધનોની પેટીઓ, પૃથ્વી પર પાછી મેળવવામાં આવી હતી.

કૉસ્મૉસ–149 : પ્રયાણ : 22 માર્ચ 1966; ભ્રમણબિંદુની લઘુતમ ઊંચાઈ : 256 કિમી. અને ગુરુતમ ઊંચાઈ 638 કિમી; દીર્ઘવૃત્તીય ભ્રમણકક્ષા; નમનકોણ : 48.4°.

અમેરિકાના નિમ્બસ ઉપગ્રહની જેમ પૃથ્વીનું નિરીક્ષણ કરીને તે વાયુશાસ્ત્રીઓને ઉપયોગી નીવડે તેવી માહિતી મોકલાવતો હતો. તેમાં હવામાનને લગતાં સામાન્ય ઉપકરણો ઉપરાંત ટેલિવિઝન-કૅમેરા તેમજ રાત્રિના સમયે વાદળોની તસવીરો લેવા માટે પારરક્ત (infra-red) વિકિરણ-માપક સાધન પણ હતાં. આ પછી કૉસ્મૉસ–122 નામનો પ્રાયોગિક ઉપગ્રહ 1966ના જૂનની 25 તારીખે છોડવામાં આવ્યો હતો જે વૃત્તીય કક્ષામાં 645 કિમી. ઊંચાઈએ અને 65° નમનકોણે ભ્રમણ કરતો હતો. વાતાવરણના નીચલા અને ઉપલા સ્તરના હવામાનની માહિતી પૃથ્વી પર મોકલતો હતો. આના જેવા બીજા બે કૉસ્મૉસ–144 અને 156 એકબીજાથી 95° અંતરે ભ્રમણ કરતા હતા, જેથી તેમાંના એકે કરેલા નિરીક્ષણ પછી બીજો છ કલાક પછી એ જ વિસ્તારનું નિરીક્ષણ કરી શકતો હતો.

કૉસ્મૉસ–900 : કૉસ્મૉસ-શ્રેણીના બીજા કેટલાક ઉપગ્રહો પૃથ્વીના આયનમંડળ વિસ્તારમાં અને તેથી પણ ઊંચે મોકલવામાં આવ્યા હતા. તે પૈકીનો એક આ ઉપગ્રહ 1977ના માર્ચની 30 તારીખે છોડવામાં આવ્યો હતો. તે જ વર્ષના ડિસેમ્બરની 30 તારીખ સુધી તે કાર્યરત રહ્યો હતો. આ સમય દરમિયાન કક્ષાબિંદુની લઘુતમ ઊંચાઈ 460થી ઘટીને 450 કિમી.; ગુરુતમ ઊંચાઈ 523થી ઘટીને 513 કિમી; નમનકોણ 83°થી ઘટીને 82.9° અને પ્રત્યેક ભ્રમણનો આવર્તકાળ 94.4થી ઘટીને 94.2 મિનિટ જેટલો નોંધાયો હતો. આ ઉપગ્રહમાં ઇલેક્ટ્રૉનની ઊર્જા અને તેનું તાપમાન, ઇલેક્ટ્રૉન-આયનોની સંખ્યાઘનતા, વિદ્યુતક્ષેત્રની તીવ્રતા, સાપેક્ષતાના ગુણવાળી ઊંચી ગતિના પ્રોટૉન તથા ઇલેક્ટ્રૉનનું સંખ્યાબળ-ગણક, જુદી જુદી ઊર્જાના વીજાણુઓની સંખ્યા, નિમ્ન ઊર્જાનાં આયનોનો પટવિસ્તાર, ધ્રુવીય પ્રકાશ-પટ્ટાઓ(aurora)ના રંગોની તરંગલંબાઈ તથા તેજસ્વિતા વગેરે માપવા માટેનાં સાધનો મૂકવામાં આવ્યાં હતાં.

કાંતિલાલ મોતીલાલ કોટડિયા