કૉર્યુસાઇ, ઇસોડા (Korusai, Isoda) (જ. આશરે 1765, જાપાન; અ. આશરે 1784, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ-ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઇ(Ukio-E)ના ચિત્રકાર. સમુરાઈ યોદ્ધા જ્ઞાતિમાં તેમનો જન્મ થયેલો. યોદ્ધા તરીકેની તાલીમનો ત્યાગ કરી તેમણે જાપાનની ‘કાનો’ ચિત્રશૈલીની તાલીમ લીધી. ત્યારબાદ તેમણે ઉકિયો-ઇ શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર સુઝુકી હારુનોબુ પાસે તાલીમ લીધી અને જાપાનની મહિલાઓના આલેખનમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી. તેમના દ્વારા આલેખિત મહિલાઓ કિમોનો ધારણ કરીને ઘરગથ્થુ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાય છે. ચહેરા પર કુમાશ અને શરીરમાં નજાકત આલેખવામાં કોર્યુસાઇને સફળતા મળી છે.

અમિતાભ મડિયા