કોર્વાર શિલ્પ : વાયવ્ય ન્યૂ ગિનીના આદિવાસીઓની પ્રણાલીગત શિલ્પકૃતિઓ. સીધા અને વળાંકયુક્ત ભૌમિતિક આકારો અને ભૌમિતિક રેખાઓનું પ્રભુત્વ આ શિલ્પોમાં જોવા મળે છે. અહીંના આદિવાસીઓના હલેસાના છેડા ઉપર, ટોપા અને મુકુટો ઉપર તેમજ રોજિંદા વપરાશની બીજી ચીજો ઉપર આવાં શિલ્પ કોતરેલાં જોવા મળે છે. નિતંબ નીચે પાની દાબીને ઉભડક હાલતમાં બેઠેલી માનવઆકૃતિઓ મોટેભાગે આ શિલ્પોમાં જોવા મળે છે, જેમણે પોતાના હાથ ઘૂંટણ ઉપર ટેકવેલા નજરે પડે છે. બાકી શરીરના પ્રમાણમાં માથું ખૂબ જ મોટું હોય છે. આંખો મણકા જેવી ઝીણી હોય છે. નાકનાં ફોયણાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પૂરાં ખૂલેલાં હોય છે. ઘણી વાર દાઢીને ગાલ પર ટેકવેલી કંડારવામાં આવે છે. ન્યૂ ગિનીના ગીલવિન્ક ચેનલ પ્રદેશના આદિવાસીઓ આ કલામાં વિશેષ નિપુણતા ધરાવે છે.

અમિતાભ મડિયા