કૉર્મેક, ઍલન મૅક્લિયૉડ : (જ. 23 ફેબ્રુઆરી 1924, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા; અ. 7 મે 1998, વિન્ચેસ્ટર, યુ.એસ.) : ફિઝિયૉલૉજી અને મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1979)ના વિજેતા. તેમણે કમ્પ્યૂટરની મદદથી લેવાતા સીએટી-સ્કૅન (computerised axial tomography scan) વિશે સંશોધન કર્યું હતું.
તેમની શરૂઆતની કેળવણી કેપટાઉન યુનિવર્સિટી(દક્ષિણ આફ્રિકા)માં થઈ હતી. તેમની લાંબી હૉસ્પિટલ-માંદગી (કેપટાઉન હૉસ્પિટલ) દરમિયાન તેમને બે ઍક્સિસમાં લેવાતા એક્સ-રેની મર્યાદાનો ખ્યાલ આવ્યો. તેઓ 1956માં યુ.એસ. ગયા. ત્યાંનું નાગરિકત્વ લીધું. મૅસેચૂસેટ્સ યુનિવર્સિટી યુ.એસ.માં તેઓ ફિઝિક્સના પ્રોફેસર નિમાયા. તેમણે સીએટી-સ્કૅન પર મૅથેમૅટિક્સલક્ષી સંશોધનલેખ 1963માં લખ્યો. શરૂઆતમાં તેના તરફ ખાસ ધ્યાન અપાયું નહિ. 1970માં ઈ.એમ.આઈ.ની બ્રિટિશ ફર્મે એક કૅટ-સ્કૅનર તેમની જ પદ્ધતિ પર બનાવ્યું. આધુનિક તબીબીમાં તેનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. તે પદ્ધતિ બિનઆક્રમક (non-invasive) નિદાન-તપાસ ગણાય છે.
હરિત દેરાસરી