કૉર્પોરેટવાદ (corporativism) : રાજ્યને અધીન રહીને સમાજની વિવિધ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને નિગમ(corpo-ration)રૂપે સંયોજિત કરવાની હિમાયત કરતી વિચારધારા. રાજકુમાર ક્લેમેન્સ મેટરનિક(1773-1859)ના દરબારના તત્વજ્ઞ ઍદમ મ્યૂલર, ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રી ઓથમર સ્પાન અને ઇટાલીના ક્રિશ્ચન ડેમોક્રૅટિક પક્ષના નેતા ગિસેપી ટોનિઓલો આ વિચારધારાના મુખ્ય સમર્થકો ગણાય છે, પરંતુ વ્યવહારમાં તેનો અમલ કરવાનો જશ બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળાની ઇટાલીની ફાસિસ્ટ સરકારને ફાળે જાય છે.

આ વિચારધારા મુજબ કામદારો અને કર્મચારીઓને પોતપોતાનાં ક્ષેત્રનાં ઔદ્યોગિક અને વ્યવસાયલક્ષી નિગમો કે મંડળોમાં સંગઠિત કરવાનું અભિપ્રેત છે. આ નિગમો શાસનના અંગ તરીકે કાર્ય કરે અને તેમની હકૂમત હેઠળની પ્રવૃત્તિઓનું મહદંશે સંચાલન કરે તેવું અપેક્ષિત છે. આ વિચારધારાનો અણસાર સામંતશાહી શુદ્ધતાવાદી ઇંગ્લૅન્ડના ધર્મતંત્રવાદ(congregationalism)માં તથા ઇંગ્લૅન્ડની ઓગણીસમી સદીની વાણિજ્યવાદી વિચારસરણીમાં પ્રતિબિંબ થયેલો હોવા છતાં તેની સૈદ્ધાંતિક અભિવ્યક્તિ ફ્રેન્ચ રાજ્યક્રાન્તિ (1789-99) પછીના ગાળામાં થઈ હતી. તેનો સૌથી વધુ પ્રભાવ જર્મનીના પૂર્વ તરફના વિસ્તારો ઉપરાંત ઑસ્ટ્રિયામાં ફેલાયો હતો. આ વિચારધારાનો એક અગત્યનો હેતુ આધુનિક ઢબે ‘વર્ગ રાજ્ય’ (class state) ઊભું કરી તેની મારફત ઉત્પાદનવ્યવસ્થાનું નિયમન કરી જુદા જુદા વર્ગોનાં હિતો વચ્ચે સમન્વય સાધવાનો હતો. દરેક નિગમ સમાજજીવનના કોઈ એક વિશિષ્ટ પાસાનું સંયોજન કરે તેવો તેનો અભિગમ હતો.

ઓગણીસમી સદીના અંત પછી ઇંગ્લૅન્ડમાં મહાજન સમાજવાદ (guild socialism)ની ઢબની અન્ય ચળવળોને આ વિચારસરણી દ્વારા પ્રોત્સાહન મળ્યું હતું. ક્રાન્તિકારી સંઘવાદ (revolutionary syndicalism) તથા સમાજવાદી રાજકીય પક્ષોનો સામનો કરવાના હેતુસર ક્રિશ્ચન નવ-કૉર્પોરેટવાદીઓ(neocorporativists)એ આ વિચારસરણી પુનરુજ્જીવિત કરી હતી.

બેનિટો મુસોલિનીના શાસનકાળ(1924-43)ની શરૂઆતથી જ ઇટાલીમાં ફાસિસ્ટ સંઘો ઊભા કરવામાં આવ્યા તથા કામદારો અને માલિકોના અલાયદા મહાસંઘોના એકીકરણ માટે સરકારના સ્તરે નિગમોનું મંત્રાલય ઊભું કરવામાં આવ્યું અને તેને આ અંગેની છેવટની સત્તા આપવામાં આવી. 1926માં સંઘરાજ્ય(corporate state)નું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. 1934માં જુદાં જુદાં આર્થિક ક્ષેત્રો માટે 22 જેટલાં નિગમો સ્થાપવામાં આવ્યાં. જેમનાં કાર્યક્ષેત્ર હેઠળનાં સામાન્ય હિતોનો ઉત્કર્ષ સાધવા ઉપરાંત શ્રમિક કરારોનો વહીવટ કરવાની જવાબદારી સોંપવામાં આવી. તેમની મધ્યસ્થ સમિતિમાં કામદારો અને માલિકોના સમાન સંખ્યાના પ્રતિનિધિઓ સામેલ કરવામાં આવ્યા.

ઇટાલીમાં અભિનવ પ્રયોગ તેનાં જુદાં જુદાં આર્થિક હિતો વચ્ચે સમન્વય સાધવાને બદલે, દેશના સરમુખત્યારની મનસ્વિતાનો પડઘો પાડે એવો બન્યો હતો. આધુનિક જમાનામાં રાજ્ય અને મોટાં કૉર્પોરેટ ગૃહો તથા મજૂરમંડળો વચ્ચે સહિયારા પ્રયાસ કરવાનું વલણ વિકસતું જાય છે, જેમને કૉર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે