કૉર્ડાઇટેલ્સ : અનાવૃતબીજધારી વનસ્પતિઓના કોનિફરોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રનો ઉદભવ સંભવત: ઉપરિ ડેવોનિયન ભૂસ્તરીય યુગમાં થયો હતો તે પર્મોકાર્બનિફેરસ ભૂસ્તરીય યુગ (Permrocarboniferous) અને મધ્યજીવી (Mesozoic) કલ્પ(era)માં પ્રભાવી હતું અને તે ગાળા દરમિયાન આ ગોત્રે વિશ્વનાં સૌપ્રથમ વિશાળકાય જંગલોનું સર્જન કર્યું હતું. આ ગોત્ર જુરાસિક ભૂસ્તરીય યુગમાં વિલુપ્ત થયું હતું. આ ગોત્રનું નામ અશ્મીવિજ્ઞાની કોર્ડા પરથી પાડવામાં આવ્યું છે. તેને ત્રણ કુળ – (1) પિટિયેસી, (2) કૉર્ડાઇટેસી અને (3) પોરોઝાયલેસીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
પિટિયેસી : આ કુળ ડેવોનિયન અને અધ:કાર્બનિફેરસ ભૂસ્તરીય યુગમાં થતું હતું અને કૉર્ડાઇટેલ્સ ગોત્રનું સૌથી પ્રાચીન કુળ છે. આ કુળ માત્ર કાષ્ઠના અને બહુ ઓછા વાનસ્પતિક પ્રરોહો દ્વારા જાણીતું છે.
તેના થડના અશ્મીઓનો ઘેરાવો ખૂબ મોટો હતો; જે તેમનું વૃક્ષ-સ્વરૂપ સૂચવે છે. થડના મધ્ય ભાગમાં વિપુલ પ્રમાણમાં ગર હતો, જેની ફરતે મધ્યારંભી (mesarch) પ્રાથમિક જલવાહક પેશીની પટ્ટીઓ આવેલી હતી. આ પેશીની કેટલીક પટ્ટીઓ દ્વિતીય જલવાહક પેશીના સંપર્કમાં હતી અને કેટલીક પટ્ટીઓ ગરમાં ખૂંપેલી હતી. ગર મૃદુતકીય હતો; પરંતુ ઘણી વાર વીખરાયેલી જલવાહિનીકીઓ (tracheides) કે મધ્યારંભી પટ્ટીઓ સાથે મિશ્રિત જોવા મળતો હતો. પર્ણગત અંશો (leaf traces) પ્રાથમિક સંવહન પટ્ટીઓમાંથી પર્ણાવકાશવિહીન શાખાઓ સ્વરૂપે નીકળતા હતા. દ્વિતીય કાષ્ઠ સઘન નળાકાર સ્વરૂપે જોવા મળતું હતું. તેમાં કાષ્ઠ-મૃદુતક (wood panchyma) ગેરહાજર હતા. સામાન્યત: શંકુવૃક્ષો(coniferg)માં જોવા મળે છે તેમ દ્વિતીય કાષ્ઠમાં પરિવેશિત ગર્તાકાર (bordered pitted) જલવાહિનીકીઓનાં સાંકડાં કિરણો અને મજ્જાકિરણો (medullary rays) એકાંતરિક અને અરીય રીતે ગોઠવાયેલાં હતાં. કેટલાંક સ્વરૂપો કૅલેમોપિટિસની તદ્દન નજીક હતાં. કાષ્ઠમાં કેટલાંક ઑરોકેરીય લક્ષણો પણ હતાં. આ કુળમાં ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે : (1) કેલિઝાયલોન અને (2) આર્કિયોપ્ટેરિસ ઉપરિ ડેવોનિયન અને પિટિકા અધ: કાર્બનિફેરસમાં મળી આવે છે.
બેકે (1960) કૅલિઝાયલોનનું પ્રકાંડ આર્કિયોપ્ટેરિસના પર્ણો સાથે શોધ્યું; જે તેને ત્રિઅંગીય આર્કિયોપ્ટેરિડેલ્સ સાથે સ્પષ્ટપણે સાંકળે છે; છતાં કૅલિઝાયલોન હેઠળ મૂકેલાં બધાં પ્રકાંડ ત્રિઅંગીય છે તેમ કહી શકાતું નથી. આ સંશોધન દર્શાવે છે કે પિટિયેસીના ઘણા સભ્યો ખરેખર તો ત્રિઅંગી હોઈ શકે છે. તેથી વિષમબીજાણુક (hetero-sporous) ત્રિઅંગી સમૂહ માટે ‘આદ્ય અનાવૃતબીજધારી (progymnosperm) વર્ગક (taxon) સૂચવવામાં આવ્યો છે, જેમાંથી અનાવૃત બીજધારીઓની ઉત્પત્તિ થઈ છે.
પિટિસ તેના કાષ્ઠ (કેટલીક વાર અસ્પષ્ટ વાર્ષિક વલયોવાળું) અને પર્ણયુક્ત પ્રરોહ (pitys dayi) વડે જાણીતું છે. તેનું થડ 15મી. લાંબું અને 3મી.નો વ્યાસ ધરાવતું હતું. પર્ણો નળાકાર, માંસલ, 5 સેમી. લાંબાં અને 0.4 સેમી.થી 0.6 સેમી. વ્યાસવાળાં પર્ણદલવિહીન અને પર્ણાભપર્વ (cladode) જેવાં દેખાતાં હતાં. અધિસ્તરમાં રોમ અને નિમગ્ન રંધ્રો જોવા મળતાં હતાં. આ પ્રકારનાં પર્ણો કૉર્ડાઇટેસી કરતાં ઓરોકેરિયેસી સાથે વધારે સમીપતા દર્શાવતાં હતાં.
પોરોઝાયલેસી : આ કુળ એક જ પ્રજાતિ-પોરોઝાયલોનનું બનેલું છે. તેનાં અશ્મીઓ થડ અને પ્રરોહ-સ્વરૂપે પર્મો-કાર્બનિફેરસ ભૂસ્તરીય યુગમાં ફ્રાન્સમાંથી પ્રાપ્ત થયાં છે. તેની ઉત્પત્તિ મોડી થઈ હોવા છતાં પોરોઝાયલોનના પ્રકાંડની રચના વધારે આદ્ય છે. પ્રાથમિક જલવાહક પેશી બહિરારંભી (exarch) હોય છે. દ્વિતીય કાષ્ઠ મોટા કોષોનું બનેલું અને પહોળાં કિરણોવાળું હોય છે. આ લક્ષણ કૉર્ડાઇટેલ્સ કરતાં સાયકેડોફિલિકેલ્સ સાથે વધારે સામ્ય દર્શાવે છે. જોકે પર્ણ-ગત અંશ અને પર્ણો કોર્ડેઇટીય હતાં. કેટલાંક કૉર્ડેઇટીય બીજ (દા.ત., રહેબ્ડોકાર્પસ) આ થડ અને પર્ણો સાથે જોવા મળે છે. પોરોઝાયલોનથી મેસોઝાયલોન અને અંતે કૉર્ડાઇટિસની ક્રમિકતા સૂચવવામાં આવી છે.
કૉર્ડાઇટેસી : કૉર્ડાઇટિસ આ કુળની મુખ્ય પ્રજાતિ છે અને ઘણી વાર એક જ પ્રજાતિ તરીકે ગણવામાં આવે છે અને અન્ય પ્રજાતીય (generic) નામો તેના વિવિધ ભાગો પરથી આપવામાં આવ્યાં છે. પહેલાં કૉર્ડાઇટિસ નામ પર્ણોનાં અશ્મીઓ માટે જ વપરાતું હતું, પરંતુ આ નામ હવે સમગ્ર વનસ્પતિ માટે વર્ણવવામાં આવે છે. કૉર્ડાઇટિસના કાષ્ઠને ‘કૉર્ડાઇઝાયલોન’, ‘ડેડોઝાયલોન’, નોગરે થિયોપ્સિસ’ અને ‘મેસોઝાયલોન’ તરીકે ઓળખાવાયાં છે. મેસોઝાયલોનની આંતરિક રચના તદ્દન જુદી જ હોવાથી તેને કૉર્ડાઇટિસથી અલગ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. મધ્યજીવી (Mesozoic) ઑરોકેરિયોઝાયલોનનો કેટલીક વાર કૉર્ડાઇટિસીમાં સમાવેશ કરવામાં આવે છે; છતાં તેનો ઑરોકેરિયેસી સાથેનો સંબંધ વધારે નિકટનો છે. મૂળને એમાયેલોન કહે છે અને તે મેસોઝાયલોન સાથે સામાન્યત: મળી આવે છે. પુષ્પવિન્યાસ અને શંકુઓને કૉર્ડાઇન્થસ તરીકે; વિપત્રિત (defoliated) પર્ણદંડ સંપીડનો(compressions)ને કૉર્ડાઇક્લેડસ; મજ્જાનાં બીબાંઓ(casts)ને આર્ટિસિયા(= સ્ટર્નબર્જીઆ); બીજને કૉર્ડાઇકાર્પસ, કાર્ડિયોકાર્પસ, માઇક્રોસ્પર્મમ અને સમારોપ્સિસ તરીકે ઓળખાવવામાં આવે છે. ભારતીય અધ: ગોંડવાનાનાં મુખ્ય કૉર્ડાઇટીય અશ્મીઓ આ પ્રમાણે છે. ઉપરિ-કાર્બનિફેરસમાંથી નોગરથિયોપ્સિસ હિસ્લોપી, સમારોપ્સિસ અને કૉર્ડાઇકાર્પસ સાહની; પર્મિયનમાંથી નૉ. હિસ્લોપી, નૉ. સ્ટોલિક્ઝકાના નૉ. વ્હાઇટિયાના, ડેડોઝાયલોન ઇન્ડિકમ, સમારોપ્સિસ રાનીગંજે સિસ, એસ. મિલેરી એન કૉર્ડાઇકાર્પસ ઇન્ડિકમ. ઉપરિ ગોંડવાના અને અધ: ગોંડવાનાની વચ્ચે આવેલ ‘પાન્ચેટ-પાર્સોરા’ શ્રેણીમાં નૉ. હિસ્લોપીનું અસ્તિત્વ હતું અને સંભવત: અધ: ટ્રાયેસિક સુધી તેનો વિસ્તાર થયેલો હતો.
કૉર્ડાઇટિસ દ્વારા કાર્બનિફેરસ અને પર્સિયન ભૂસ્તરીય યુગ દરમિયાન પ્રભાવી વનોનું નિર્માણ થયું હતું. આ યુગ પછી આ પ્રજાતિ વિલુપ્ત થઈ હતી. જોકે ભારતમાં કેટલાંક સ્વરૂપો (નોગરેથિયોપ્સિસ) અધ: ટ્રાયેસિક સુધી અસ્તિત્વ ધરાવતાં હતાં. તેઓ ઊંચાં વૃક્ષો હતાં અને ઘણી વાર તેમની ઊંચાઈ 30મી. સુધીની અને વ્યાસ 0.9મી. સુધીનો જોવા મળતો હતો. થડ તેની ટોચેથી શાખાઓ ધરાવતું હતું અને તેમની અંતિમ શાખાઓ કુંતલાકારે ગોઠવાયેલાં પર્ણોનો ખીચોખીચ ગુચ્છ બનાવતી હતી, તેથી વૃક્ષો અતિ ગાઢ છાયા આપતાં હતાં.
કૉર્ડાઇટિસનાં પર્ણોનું સૌથી સારું પરિરક્ષણ થયેલું છે. સાયકેડોફાઇટીય સંયુક્ત પર્ણોની વિરુદ્ધ તેનાં પર્ણો સાદાં હતાં. તેઓ ચર્મિલ, અખંડિત, યુગ્મશાખી (dichtomous) શિરાવિન્યાસવાળાં હતાં અને મરૂદભિદીય (Xerophytic) લક્ષણો ધરાવતાં હતાં. પર્ણતલથી ઉપરની તરફ શિરાનું દ્વિભાજન ખૂબ ઓછું થયેલું હતું; તેથી નાની શિરાઓ સમાંતરે ગોઠવાયેલી લાગતી હતી અને પર્ણો એકદળી પર્ણો જેવાં દેખાતાં હતાં. જોકે, તેથી તેનો એકદળી સાથેનો સંબંધ સ્થાપિત થતો નથી. પર્ણના આડા છેદમાં ક્યુટિનમય જાડી દીવાલવાળું અધિસ્તર અને જાડી દીવાલવાળા કોષોનું બનેલું, વાહીપુલ પાસે વધારે વિસ્તૃત અને તેને સ્પર્શતું તેમજ આધાર આપતું અધ:સ્તર જોવા મળતું હતું. કેટલાંક પર્ણોની મધ્યપર્ણપેશીમાં લંબોતક (palisade) અને શિથિલોતક(spongy tissue)નું વિભેદન સ્પષ્ટપણે જોવા મળતું હતું, જ્યારે અન્ય પર્ણોમાં મધ્યપર્ણ પેશી એકસમાન હતી. હેપ્લોકાઇલિક (haplocheilic) રંધ્રો અધ:અધિસ્તરમાં ઊભી હરોળોમાં કે અનિયમિત રીતે ગોઠવાયેલાં હતાં. રંધ્રો 4-6 સહાયક કોષો ધરાવતાં હતાં. શિરાઓમાં વાહીપુલો મધ્યારંભી કે કેટલીક વાર બહિરારંભી હતાં. શિરાઓ આધુનિક સાયકસની જેમ આડા ગોઠવાયેલા લાંબા કોષો વડે એકબીજા સાથે સંપર્કમાં હતી.
ગ્રાન્ડ’યુરીએ કૉર્ડાઇટિસનાં પર્ણોને સ્વરૂપને આધારે – યુ – કૉર્ડાઇટિસ (પહોળાં પર્ણો), ડોરી-કૉર્ડાઇટિસ (ભાલાકાર પર્ણો) અને પોઆ-કૉર્ડાઇટિસ(રેખીય પર્ણો)માં વર્ગીકૃત કર્યાં છે. પર્ણો 2 સેમી.થી 1 મી. લાંબાં અને 20 સેમી. સુધી પહોળાં હતાં.
કૉર્ડાઇટિસના પ્રકાંડને બે વિભાગોમાં વર્ણવવામાં આવે છે : (1) મેસોઝાયલોન અને (2) કૉર્ડાઇટિસ વિશેષ (proper) (જેમાં ડેડોઝાયલોનનો સમાવેશ કરવામાં આવ્યો છે.)
કાર્બનિફેરસ કૉર્ડાઇટેલ્સમાં મેસોઝાયલોનનાં પ્રકાંડ સૌથી વધારે પ્રમાણમાં પ્રાપ્ત થયેલાં છે. પ્રકાંડનાં અંત:સ્થ રચનાકીય લક્ષણો કૉર્ડાઇટિસ કરતાં ઘણાં જુદાં હોવાથી તેને અલગ પ્રજાતિ ગણવામાં આવે છે. તેના પ્રકાંડની રચના કૉર્ડાઇટિસ કરતાં આદ્ય અને પોરોઝાયલોન અને કૉર્ડાઇટેલ્સ વચ્ચે મધ્યવર્તી (intermediate) છે. તેનું બાહ્યક સાયકેડોફિલિકેલ્સની જેમ બે સ્તરોમાં વિભેદન પામેલું હતું. બાહ્યવલ્ક (periderm) અને કાષ્ઠ બિંબાકાર મોટા ગર સહિત જોવા મળતું હતું. પર્ણ-ગત અંશ પોરોઝાયલોનની જેમ મધ્યારંભી હતા અને પ્રારંભમાં બેવડા અને પછી પર્ણમાં પ્રવેશતાં આઠમાં વિભાજાતા હતા.
કૉર્ડાઇટિસની મોટા ભાગની જાતિઓમાં ગર વિપુલ પ્રમાણમાં જોવા મળતો હતો. સાયકેડની જેમ પ્રાથમિક કાષ્ઠનો પાતળો વિભાગ અને મોટું બાહ્યક હતું; પરંતુ દ્વિતીય કાષ્ઠ સુવિકસિત, જાડું અને શંકુદ્રૂમ (coniferous) હતું. ગરનો વ્યાસ 1થી 10મી. કે તેથી વધારે હતો. તે સમગ્રપણે મૃદુતકીય હતો પરંતુ વૃદ્ધિ દરમિયાન આડી તિરાડો ઉદભવતાં અંતર્ગોળ બિંબોની થપ્પી જેવો દેખાવ જોવા મળતો હતો. આર્ટિસિયા તરીકે જાણીતાં મજ્જાનાં બીબાં અલગ પ્રાપ્ત થયેલાં છે. પ્રાથમિક કાષ્ઠ અંતરારંભી (endarch) વાહીપુલોનાં વલય બનાવતું હતું. મધ્યારંભી પ્રાથમિક વાહીપુલો મેસોઝાયલોનમાં પર્ણ-ગત અંશો બનાવતાં હતાં; તેમનો કૉર્ડાઇટિસમાં અભાવ હતો. પ્રાથમિક જલવાહિનીકીઓ વલયાકાર (annular), કુંતલાકાર (spiral), સોપાનાકાર (scalariform) અને ગર્તાકાર (pitted) સ્પૂલનો ધરાવતી હતી. તેમની ફરતે જોવા મળતો ત્રુટક વલય દ્વિતીય કાષ્ઠના જાડા સ્તરનો બનેલો હતો.
દ્વિતીય કાષ્ઠની જલવાહિનીકીઓ લાંબી અને પાતળી હતી. તેમની અરીય દીવાલો ઉપર બહુપંક્તિક (1થી 3 હરોળોમાં) પરિવેશિત ગર્તો જોવા મળતાં હતાં. પરિવેશિત ગર્તો ષટ્કોણીય કે ચપટાં અંડાકાર હતાં અને ઑરોકેરિયા સાથે સામ્ય ધરાવતાં હતાં. મજ્જાકિરણો સામાન્યત: એકપંક્તિક (uniseriate) હતાં. કિરણોમાં ઘેરા રંગનું રાળયુક્ત દ્રવ્ય જોવા મળતું હતું, પરંતુ રાળનલિકાઓ અને કાષ્ઠમૃદુતક ગેરહાજર હતાં. કાર્બનિફેરસ કૉર્ડાઇટિસમાં વાર્ષિક વલયો નહોતાં, પરંતુ પર્મિયનના નમૂનાઓમાં તેમની હાજરી આબોહવામાં થયેલા પરિવર્તનની સૂચક હતી. ડેડોઝાયલોન બંને પ્રકારો દર્શાવતી પ્રજાતિ હતી. બાહ્યક ગુંદર નલિકાઓયુક્ત અને મૃદુતકીય હતું. દ્વિતીય વૃદ્ધિ દરમિયાન બાહ્યવલ્કનો વિકાસ થતો જોવા મળતો હતો.
કાષ્ઠ, ખાસ કરીને ગર્તો ઑરોકેરીય હતાં; અને તેથી તેને મધ્યજીવીય અશ્મી પ્રકાંડ, ઑરોકેરિયોઝાલોન સાથે વિલીન કરી હવે ઑરોકેરિયેસીમાં મૂકવામાં આવ્યું છે.
કૉર્ડાઇટીય મૂળ-અશ્મીને ઍમાયેલોન કહે છે. તે મેસોઝાયલોનનું હોવાની ધારણા છે; પરંતુ તે બંને સંકળાયેલાં હોય તેવું જોવા મળ્યું નથી. તે મધ્યમાં ત્રિકોણીય આદિમધ્યરંભ (protostele) ધરાવતું હતું. તેની દ્વિસૂત્રી(diarch)થી માંડી ચતુ:સૂત્રી (tetrarch) જલવાહક પેશીને ફરતે જાડું દ્વિતીય કાષ્ઠ જોવા મળતું હતું. બાહ્યકની બહારની તરફ બાહ્યવલ્ક આવેલું હતું.
કૉર્ડાઇટિસ એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) હોવા છતાં તેનાં ફળાઉ અંગો હંમેશાં એકલિંગી હતાં. ફળાઉ અંગો 10 સેમી. કે તેથી વધારે લાંબાં હતાં અને શિથિલ પુષ્પવિન્યાસ સ્વરૂપે જોવા મળતાં હતાં. તેઓ પ્રકાંડ પરથી (પર્ણની કક્ષમાંથી હંમેશાં નહિ.) ઉદભવતાં હતાં. પ્રત્યેક પુષ્પવિન્યાસ-અક્ષ પાતળો દંડ અને ઉપર ર્દઢ નિપત્રો (bracts) ધરાવતો હતો. પ્રત્યેક નિપત્રની કક્ષમાંથી ટૂંકો કલિકા જેવો શંકુ ઉત્પન્ન થતો હતો. પુષ્પવિન્યાસ અને શંકુઓને ‘કૉર્ડાઇન્થસ’ પ્રજાતિ હેઠળ મૂકવામાં આવ્યાં છે. શંકુઓ સામાન્યત: કુંતલાકારે બે હરોળોમાં કે કેટલીક વાર ચાર હરોળોમાં ગોઠવાયેલા જોવા મળતા હતા. પ્રત્યેક શંકુ કાષ્ઠમય ટૂંકો અક્ષ ધરાવતો હતો, જેના ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં કાષ્ઠમય ઉપાંગો જોવા મળતાં હતાં. આ ઉપાંગોમાં કેટલાંક વંધ્ય નિપત્રો અને બાકીનાં બીજાણુપર્ણો (sporophylls) હતાં. પુંશંકુ એકથી છ કે તેથી વધારે લઘુબીજાણુપર્ણો (microsporophylls) કે પુંકેસરોનો બનેલો હતો. પ્રત્યેક લઘુબીજાણુપર્ણ 1-6 અગ્રસ્થ લઘુબીજાણુધાનીઓ કે એકકોટરીય પરાગાશયો ધરાવતું હતું. માદા શંકુ 1-4 (megasporophylls) કે સ્ત્રીકેસરો ધરાવતો હતો; જે પ્રત્યેકની ટોચ ઉપર એક અગ્રસ્થ મહાબીજાણુધાની (mega sporangium) કે અંડક આવેલું હતું. કેટલીક વાર મહાબીજાણુ પર્ણ દ્વિભાજિત થતું હતું, જેના પર બે અગ્રસ્થ અંડકો જોવા મળતાં હતાં. મહાબીજાણુધાની કે અંદરમાં લાંબી અંડાકાર પ્રદેહપેશી આવેલી હતી. આ પ્રદેહપેશી અંડાવરણથી મુક્ત હતી અને ટોચ તરફ લંબાઈને અંડછિદ્રીય (micropylar) નલિકા બનાવતી હતી. કેટલાક નમૂનાઓમાં લંબાયેલ માદા જન્યુજનકને સ્થાને અવકાશ જોવા મળતો હતો.
કેટલાંક પરિપક્વ અંડકોમાં પ્રદેહ-ચાંચ અંડકછિદ્રમાં લંબાયેલી હતી. આ ચાંચમાં આવેલા પરાગવેશ્મ(Pollen chamber)માં પરાગરજો સ્થાપિત થયેલી હતી. આ પરાગવેશ્મ જાડું બાહ્યપડ અને પાતળું અંત:પડ ધરાવતી હતી. બાહ્યપડ મોટું વાયુપુટ ધરાવતું હોવાથી પરાગરજ હવામાં સ્થળાંતર પામી શકતી હતી. પરાગરજમાં બહુકોષીય જન્યુજનક (gametoplyte) હતો. પરિઘવર્તી કિનારીએ પૂર્વદેહીય (prothallial) કોષોનું સ્તર અને મધ્યમાં કેટલાક પુંજન્યુજનનીય (spermatogenous) કોષો જોવા મળતા હતા.
બીજ પરિપક્વ બનતાં દંડ જેવાં બીજાણુપર્ણો લંબાઈમાં ખૂબ વધતાં હતાં અને બીજ નિપત્રોની દૂર હવામાં લટકતાં જોવા મળતાં હતાં. આવા બીજ-અશ્મીઓને કૉર્ડાઇકાર્પસ, કાર્ડિયોકાર્પસ, સમારોપ્સિસ કે માઇક્રોસ્પર્મમ કહે છે. બીજ ચપટું અને હૃદયાકાર હતું. પ્રદેહનો ભાગ અંડાવરણ વડે ઘેરાયેલો હતો. અંડાવરણનું બાહ્યસ્તર પાંખ જેવા ચપટા બાહ્યબીજાવરણમાં પરિણમ્યું હતું અને અંદરનું પડ ર્દઢીકૃત અંત:બીજાવરણ બનાવતું હતું. બીજના તલપ્રદેશે પ્રવેશતી શિરા બેમાં વિભાજિત થતી હતી. આ રચનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે પરાગનયન અને બીજવિકિરણ પવન દ્વારા થતું હતું.
કૉર્ડાઇટેલ્સ બીજની રચના, વિપુલ પ્રમાણમાં ગર, મેસોઝાયલોનના બેવડા પર્ણ-ગત અંશો હૅપ્લોકાઇલિક રંધ્રો, પોરોઝાયલોનની બહિરારંભી જલવાહક પેશીનાં લક્ષણોમાં સાયકેટોફિલિકેલ્સ સાથે સંબંધ દર્શાવે છે. વિપુલ પ્રમાણમાં ગર, હૅપ્લોકાઇલિક રંધ્ર સહિતની પર્ણની અંત:સ્થ રચના, મોટાં બીજ, પોરોઝાયલોનનું દ્વિતીય કાષ્ઠ અને સંભવત: ચલિત પુંજન્યુઓ બાબતે તે સાયકેડેલ્સની સમીપ છે. મોટું વૃક્ષસ્વરૂપ, શંકુઓ, કાષ્ઠની ઑરોકેરીય અંત:સ્થ રચના કૉનિફરેલ્સની યાદ આપે છે. બેવડો પર્ણ-ગત અંશ, પર્ણની રચના, કાષ્ઠ અને સંભવત: ચલિત પુંજન્યુઓ જિંકોએલ્સ સાથે સામ્ય દર્શાવે છે.
કૉર્ડાઇટેલ્સને સાયકેડોપ્સિડા અને કૉનિફરેલ્સ વચ્ચે સ્થાન આપવામાં આવે છે; પરંતુ આવા ર્દષ્ટ (apparent) સંબંધો હોવા છતાં કૉર્ડાઇટેલ્સ ઉપર્યુક્ત વનસ્પતિસમૂહો પૈકી કોઈ એકમાંથી ઉદભવ પામેલ છે, તે કહેવું મુશ્કેલ છે. કૅલિઝાયલોન અને આર્કિયોપ્ટેરિસનાં સંશોધનો કૉર્ડાઇટેલ્સનો ઉદભવ અનાવૃતબીજધારીથી નીચેની કક્ષામાંથી-સંભવત: ત્રિઅંગીઓના આદ્ય અનાવૃતબીજધારી સમૂહમાંથી થયો હોવાનું નિર્દેશ કરે છે.
બળદેવભાઈ પટેલ