કૉરપેન, વ્લાદિમિર પેતર (જ. 25 સપ્ટેમ્બર 1846, લેનિનગ્રાડ, રશિયા; અ. 22 જૂન 1940, ગ્રાઝ, ઓસ્ટ્રિયા) : વિશ્વ આબોહવા વિસ્તારોના વર્ગીકરણ તેમજ તેના નકશાઓ માટે પ્રસિદ્ધિ પામેલ, જર્મન આબોહવાશાસ્ત્રી (climatologist) તથા વાયુશાસ્ત્રી (meteorologist). ક્રીમિયાના એક નવયુવાન વિદ્યાર્થી તરીકે કૉરપેનને, વનસ્પતિ ઉપર આબોહવાની અસરોમાં રસ પડવા લાગ્યો હતો. 1875થી 1919 સુધી હૅમ્બર્ગની જર્મન નેવલ ઑબ્ઝર્વેટરીમાં હવામાન સેવાઓ(meteorological services)ના નિયામક હતા; તેમણે હવામાન અંગેની ચેતવણીઓ તેમજ ઉપલા સ્તરની હવાના નિરીક્ષણકાર્યને તંત્રબદ્ધ કર્યું. 1884માં ઉષ્મા-વિસ્તારોનો નકશો પ્રગટ કર્યો અને વનસ્પતિ-આધારિત આબોહવા વર્ગીકરણનો, તેમનો પ્રથમ અહેવાલ, 1900માં રજૂ કર્યો. ઊંચા તાપમાને વનસ્પતિને વધુ ભેજની આવશ્યકતા છે તેમ સ્વીકારીને તેમણે આબોહવાના પાંચ મુખ્ય વિભાગ માટે સંખ્યાની મર્યાદા નક્કી કરી. ઉપરાંત તાપમાન પ્રમાણે બદલાતા ભેજના મહિનાવાર આંક ઉપરથી, તેના પેટાવિભાગ પણ પાડ્યા. 1926થી મૃત્યુ પર્યંત, રૂડૉલ્ફ ગાઇગરની સાથે ‘હૅન્ડબુક ઑવ્ ક્લાઇમેટૉલૉજી’ના પાંચ ગ્રંથનું તેમણે સંપાદન કર્યું હતું.

એરચ. મા. બલસારા