કૉમેલીના : દ્વિદલા વર્ગના કૉમેલીનેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 185 જાતિઓ ધરાવે છે, જે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિઓ છે. તે ઉષ્ણ અને અધ:ઉષ્ણ પ્રદેશમાં વિસ્તરેલી છે. ભારતમાં 20થી વધારે જાતિઓ થાય છે, તે પૈકી 6 જાતિઓ વ્યાપક વિસ્તરણ ધરાવે છે.
C. benghalensis, Linn (સં. कान्वता, હિં. कांचारा). મોટું શીશમૂળિયું. તે માંસલ શાકીય વનસ્પતિ છે અને ભેજવાળી જમીન પર પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેની ગાંઠામૂળી કાંજીયુક્ત અને ક્લેદમય હોય છે. તેનો શાકભાજી તરીકે તેમજ ઢોરોના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. પ્રકાંડ દ્વિશાખિત અને ભૂપ્રસારી હોય છે જેની શાખાઓ જમીનમાં મૂળ નાખે છે. તે કડવી વનસ્પતિ છે અને રક્તપિત્તમાં ઔષધ તરીકે વપરાય છે.
C. communis, Linnનાં પર્ણોનો શાકભાજી અને ઢોરોના ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને તેનાં બીજ અછત સમયે ખોરાક તરીકે વપરાય છે. તેની hortensis ઉપજાતિનાં વનસ્પતિ પર ઊગતાં વાદળી રંગનાં પુષ્પો ‘એવો બેના’ કાગળની બનાવટમાં વપરાય છે. પુષ્પના મુખ્ય ઘટક તરીકે ડેલ્ફિનિડિન ડાયગ્લુકોસાઇડ હોય છે. તેમજ p-ક્યુમેરિક ઍસિડ અને એવોબેનોલ ધરાવે છે.
C. nudiflora, Linn (સં. कोशपुष्पी, હિં. कन्शुरा, ગુ. શીશમૂળિયું) : તેના પર્ણનો ઉપયોગ શાકભાજી તરીકે અને ઢોરોના ખોરાક તરીકે થાય છે. ઘા કે સોજા પર તે પોટીસ તરીકે વપરાય છે. C. obliqua, Buch (હિં. कानजुना) : તેનાં મૂળ રેચક હોય છે અને પિત્તનાં દર્દોમાં ઉપયોગી છે. C. Salicifolia, Roxb.(સં. जलपिप्पलि. હિં. जलपिपरी) ઢોરોના ખોરાક તરીકે અને મરડામાં ઉપયોગી ગણાય છે.
બળદેવભાઈ પટેલ