કૉમિન્ટર્ન (કૉમિન્ફૉર્મ) : રશિયાના સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળ ઊભું કરવામાં આવેલું વિશ્વના સામ્યવાદી પક્ષોનું સંગઠન. આખું નામ કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ. વિશ્વભરનાં ક્રાંતિકારી પરિબળોને સંગઠિત કરવાં તથા યુરોપમાં ચાલતી ક્રાંતિકારી ચળવળને માર્ગદર્શન પૂરું પાડવું એ તેના મુખ્ય ઉદ્દેશ હતા. તેથી યુરોપના ક્રાંતિકારીઓને આંતરરાષ્ટ્રીય ટેકો તથા માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે તે વિચારથી કૉમિન્ટર્નની રચના થઈ હતી. 1924-29ના ગાળામાં જુદા જુદા દેશોનાં સામ્યવાદી જૂથો વચ્ચે ચાલતા સંઘર્ષમાં આ સંગઠન સક્રિય રહ્યું હતું, જેને પરિણામે વિશ્વની સામ્યવાદી ચળવળનું રશિયાના સામ્યવાદી પક્ષ પરનું અવલંબન વધુ ને વધુ ગાઢ ને ચોક્કસ બનતું ગયું. 1929 પછીના ગાળામાં વિશ્વ-સામ્યવાદી ચળવળ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવવાના ઇરાદાથી રશિયાએ આ સંગઠનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો.
દરેક દેશના સામ્યવાદી પક્ષમાં આંતરિક શિસ્તનાં ધોરણો જાળવવાં, તેમની નાણા-જરૂરિયાતો પર દેખરેખ રાખવી, તેમની મારફત સામ્યવાદી રાજકીય વિચારસરણીનો પ્રચાર કરવો, સામ્યવાદપરસ્ત સંગઠનો તથા મજૂરમંડળો ઊભાં કરવાં વગેરે પ્રવૃત્તિઓ કૉમિન્ટર્ને હાથ ધરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાષ્ટ્રો તથા રશિયા બંનેએ નાઝીવિરોધી સંયુક્ત મોરચો માંડ્યો તે પછી આ સંગઠન મે 1943માં વિખેરી નાખવામાં આવ્યું.
1947માં યુરોપના નવ સામ્યવાદી દેશોએ નવા સ્વરૂપે ‘કૉમિન્ફૉર્મ’ (કૉમ્યુનિસ્ટ ઇન્ફર્મેશન) નામથી નવું સંગઠન રચ્યું હતું, 1948માં કૉમિન્ફૉર્મમાંથી યુગોસ્લાવિયાની હકાલપટ્ટી કરવામાં આવી હતી. પશ્ચિમના દેશો સાથે સહઅસ્તિત્વ તથા યુગોસ્લાવિયા પ્રત્યે સમાધાનની નિકિતા ક્રુશ્ચેવની નીતિના સંદર્ભમાં 1956માં કૉમિન્ફૉર્મ સંગઠન વિખેરી નાખવામાં આવ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે