કૉફર : ઇમારતની છતના બાંધકામમાં કૉંક્રીટની બે દિશાની ઊંડી પાટડીઓ વચ્ચેની દબાયેલી જગ્યા. લાકડામાંથી બનાવાતી છતની જેમ જ કૉંક્રીટમાં બનાવાતી મોટા ગાળાની છત પણ ઊંડી પાટડી દ્વારા બનતી હોય છે. બંને દિશાની ઊંડી પાટડીઓ વચ્ચે કૉફર આવે છે. સામાન્ય રીતે આ પાટડીઓની ઊંડાઈ વધારે હોય છે અને તેની વચ્ચે પાતળો ભાગ હોય છે. બહારની બાજુથી તે સપાટ હોય છે. આમ મકાનની અંદરની બાજુએ છતમાં આડા અને ઊભા પટ્ટા પડે છે જેને આકર્ષક બનાવી તેમાં ચિત્રકામ કરીને સજાવવામાં આવે છે.

ગુંબજમાં દેખાતા કૉફર

ધાબાં, ગુંબજ અથવા કમાનવાળી છતમાં મોટા ગાળામાં કૉફર પ્રકારની બાંધણીનો પ્રયોગ થાય છે. રોમન સમયમાં બંધાયેલા રોમના પૅન્થિયનમાં કૉફરનો ઉત્કૃષ્ટ ઉપયોગ થયો છે. આ ગુંબજમાં કૉફરની પાંચ હરોળ છે અને દરેક કૉફરનાં માપ નીચેથી સરખાં દેખાય તેવી રીતે ગોઠવાયેલાં હોય છે. કૉફરને લીધે આ ખૂબ જ મોટી છત આકર્ષક સજાવટવાળી લાગે છે. ઉપરાંત છતનું વજન પણ ઓછું થાય છે.

મીનાક્ષી જૈન