કૉન્સેપ્ચ્યુઆલિઝમ

કૉન્સેપ્ચ્યુઆલિઝમ : અમેરિકામાં 1963માં અસ્તિત્વમાં આવેલું આધુનિક કલાનું આંદોલન (movement). બીજા વિશ્વયુદ્ધ પછી અલ્પતમવાદી (minimalist) અને અમૂર્ત (abstract) આંદોલનોના સીધા પ્રત્યાઘાતરૂપે કૉન્સેપ્ચ્યુઆલિઝમનો જન્મ થયો. અલ્પતમવાદી અને અમૂર્ત આંદોલનોએ કલાને વાસ્તવિક જગતથી દૂર લઈ જવાનું કામ કરેલું, કારણ કે તેમાં વાસ્તવિક જગતની કોઈ જ આકૃતિ કે ઘાટઘૂટનું પ્રતિબિંબ સ્વીકૃત નહોતું. કૅલિફૉર્નિયાના ચિત્રકાર એડ્વર્ડ કેઇનહોલ્ઝે સૌપ્રથમ વાર ‘કૉન્સેપ્ચ્યુઆલિઝમ’ શબ્દ વાપરીને વાસ્તવિક જગતમાંથી મળી આવતી જણસોને જ પોતાની મૌલિક કલાકૃતિઓમાં અંતર્ગત ભાગ રૂપે વણી લીધી. એ પછી 1969માં ન્યૂયૉર્ક નગરના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં ચિત્રકાર જૉસેફ કોસુથે ‘ઇન્ફર્મૅશન’ શીર્ષક હેઠળ એક પ્રદર્શન યોજ્યું અને તેમાં ખુરશી, ટેબલ, હથોડી, કપરકાબી જેવી તૈયાર જણસોને તે જ જણસોના ફોટોગ્રાફોની બાજુમાં પ્રદર્શિત કરી. અલ્પતમવાદી શિલ્પી સોલ લેવિટે 1967માં ‘કૉન્સેપ્ચ્યુઆલિઝમ’ની સમજ આપતાં કહેલું : ‘કૉન્સેપ્ચ્યુઅલ કલામાં વિચાર કે ખ્યાલ સૌથી વધુ અગત્યનું પાસું છે. કૉન્સેપ્ચ્યુઅલ કલામાં અગાઉથી જ બધી પૂર્વતૈયારી, આયોજન કરવામાં આવે છે, નિર્ણય કરવામાં આવે છે. કલાકૃતિની રચના તો માત્ર ઔપચારિક હોય છે. એમાં તો વિચાર જ કલાનું સર્જન કરનાર યંત્ર બની રહે છે.’’

અમિતાભ મડિયા