કૉન્સલ : આંતરરાષ્ટ્રીય રાજ્યવ્યવહારના અંગરૂપે દેશનાં હિતોનું રક્ષણ કરવા તથા વ્યાપારી સંબંધો વિકસાવવા માટે વિદેશમાં નિમાયેલ ઉચ્ચ કક્ષાનો સનદી અધિકારી. આ પ્રથા મધ્યયુગમાં શરૂ કરવામાં આવી હતી. તે પહેલાં (પ્રાચીન રોમમાં) ઈ.પૂર્વે 510માં રોમ પ્રજાસત્તાક બન્યું ત્યારે કોમીશિયા સેન્ચુરિયાટા નામની કમિટી દ્વારા બે વ્યક્તિઓને એક વર્ષના ગાળા માટે કૉન્સલ તરીકે ચૂંટવામાં આવતી. રોમ સામ્રાજ્ય બન્યા પછી તેમની સત્તા માત્ર નામની જ રહી હતી. અઢારમી સદીમાં તેને વ્યાવસાયિક દરજ્જો પ્રાપ્ત થયો તથા ઓગણીસમી સદીની શરૂઆતથી આ પ્રથા દરેક દેશમાં સાર્વત્રિક બની. તેથી કેટલાક કિસ્સાઓમાં કૉન્સલ તે જ દેશના નાગરિક હોય છે. વ્યાપાર અંગેનાં હિતોનું રક્ષણ કરવા ઉપરાંત પાસપોર્ટ તથા પ્રવેશ અનુજ્ઞાપત્ર (visa) આપવાનું કાર્ય પણ તે સંભાળે છે.
કેટલીક વાર દેશના પાટનગરમાં પૂર્ણ રાજદ્વારી પ્રતિનિધિની એલચી કચેરી (embassy) ઉપરાંત તે દેશના વાણિજ્ય-વ્યાપારની ર્દષ્ટિએ મહત્વનાં નગરોમાં કૉન્સલ નીમવામાં આવે છે. જેમ કે, ભારતમાં મુંબઈ, કોલકાતા તથા ચેન્નાઈમાં ઘણા દેશોએ પોતાના ટ્રેડ કૉન્સલ નીમ્યા છે. તેવી જ રીતે ભારતે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં તથા ચીનના શાંઘાઈ નગરમાં પોતાના ટ્રેડ કૉન્સલની નિમણૂક કરેલ છે. કેટલીક વાર કોઈ દેશ સાથે રાજદ્વારી સંબંધો સ્થપાયા ન હોય છતાં તે દેશમાં તે દેશની સરકારની સંમતિથી કૉન્સલ નીમવામાં આવે છે. દા.ત., ભારતે ઇઝરાયલને રાજદ્વારી માન્યતા આપી તે પહેલાં મુંબઈમાં ઇઝરાયલના કૉન્સલ જનરલ તથા કૉન્સલની કચેરીઓ કામ કરતી હતી. આવી સંમતિ ગમે ત્યારે પાછી ખેંચી લેવાનો જે તે દેશની સરકારને અધિકાર હોય છે. ફરજ દરમિયાન તેમણે કરેલા ગુનાઇત કૃત્ય સામે લેવાતા પગલામાંથી તેમને અંશત: મુક્તિ (immunity) આપવામાં આવે છે, પણ જે સુરક્ષિતતા અને અધિકાર પૂર્ણ રાજદ્વારી પ્રતિનિધિને મળે તે કૉન્સલને મળતાં હોતાં નથી. કૉન્સલ દ્વારા થતો સમગ્ર વ્યવહાર ગોપનીય ગણવામાં આવે છે. કૉન્સલને મળનાર મોભો, અધિકારો તથા મુક્તિઓ અંગે સંબંધિત સરકારો દ્વિપક્ષી અથવા બહુપક્ષી કરારો કરે છે જેને ‘કૉન્સ્યુલર કન્વેન્શન્સ’ કહેવામાં આવે છે.
અમેરિકામાં કૉન્સલનું પદ વિદેશી સેવાનો ભાગ ગણવામાં આવે છે. સેનેટની મંજૂરીની અપેક્ષાએ તેમની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે.
1963ની વિયેના પરિષદમાં ‘કન્વેન્શન ઑન કૉન્સ્યુલર રિલેશન્સ’ તરીકે તેની સંહિતા નિયત કરવામાં આવી હતી. ભારતે આ સંહિતાને માન્ય રાખેલ છે.
દેવવ્રત પાઠક
બાળકૃષ્ણ માધવરાવ મૂળે