કૉન્વોલ્વ્યૂલેસી

કૉન્વોલ્વ્યૂલેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. આ કુળમાં 56 પ્રજાતિ અને 1820 જાતિઓનો સમાવેશ થયેલો છે, જે મુખ્યત્વે ઉષ્ણ અને અધ:-ઉષ્ણ પ્રદેશોમાં વિસ્તરણ પામેલ છે. તે રંગીન નિવાપાકાર સુંદર પુષ્પો માટે શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

શાકીય, ઘણીખરી આરોહી, કેટલીક ટટ્ટાર જાતિઓ, ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ; પર્ણો સાદાં કે સંયુક્ત, એકાંતરિક, અનુપપર્ણીય, પાણિવત્ કે પક્ષવત્ છેદન પામેલાં, ફુસ્ફુટામાં પર્ણો નાનાં, અલ્પવિકસિત, શલ્કી; પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત કે કેટલીક વાર એકાકી; પુષ્પ નિયમિત, દ્વિલિંગી, પંચાવયવી, અધોજાયી, નિપત્રી; વજ્રપત્રો 5, ઇમ્બ્રિકેટ, દીર્ઘાયુ; દલપત્રો 5, ઘંટાકાર કે નિવાપાકાર, વ્યાવૃત; પુંકેસરો 5, દલલગ્ન, દલપત્રો સાથે એકાંતરિક, અસમાન; પરાગાશય લંબગોળાકાર, દ્વિખંડી અંતર્ભૂત; આયામ સ્ફોટન; દ્વિયુક્તસ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ બીજાશય, દ્વિકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ, પ્રત્યેક કોટરમાં બે કે તેથી વધારે અંડકો, પરાગવાહિની સાદી, પરાગાસન સમુંડ કે દ્વિખંડી કે દ્વિશાખિત; ફળ પ્રાવર; બીજ લીસાં કે રોમયુક્ત, અભ્રૂણપોષી અથવા અલ્પ ભ્રૂણપોષી, ભ્રૂણ સામાન્યત: મોટો.

Ipomoea batatas, Lamk (શક્કરિયું) ખોરાક તરીકે તેમજ સ્ટાર્ચ પેક્ટિન, શર્કરા અને ઔદ્યોગિક આલ્કોહૉલના ઉત્પાદન માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. Ipomoea, Porona અને Argyreia વગેરેની વિવિધ જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Ipomoea aquatica, Forsk (નારવેલ) તેના વિકસતા પ્રરોહ, પર્ણો શાકભાજી તરીકે તેમજ ઢોરો માટે અત્યંત પોષણમય, તેનો રસ અફીણ અને આર્સેનિકની વિષયુક્ત અસર વખતે દર્દીને ઊલટી કરાવવામાં ઉપયોગી છે.

બળદેવભાઈ પટેલ