કૉન્ફ્યૂશિયસ ધર્મ

કૉન્ફ્યૂશિયસ ધર્મ : ચીનમાં પ્રચલિત ધર્મ. ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ લાવનાર શતાબ્દી તરીકે પ્રસિદ્ધ છે. આ સમય દરમિયાન ચીનમાં લાઓત્સે અને કૉન્ફ્યૂશિયસ થયા, ગ્રીસમાં પાર્મેનિડીઝ અને એમ્પીડોક્લીઝ થયા, ઈરાનમાં અષો જરથુષ્ટ્ર થયા અને ભારતવર્ષમાં ભગવાન બુદ્ધ અને મહાવીર થયા. અંતરના આ અક્ષય અને અમૂલ્ય ભંડારને તેમણે લોકો સમક્ષ ઉદાર ભાવે ખુલ્લો મૂકી દીધો. એમની આર્ષવાણી અને વચનામૃતો દીવાદાંડીની જેમ હમેશાં પથપ્રદર્શક બની રહેલાં છે.

મહાત્મા કૉન્ફ્યૂશિયસ પણ આ મહાન પુરુષોમાંના એક હતા. ચીનના જે ત્રણ પ્રાચીન ધર્મો ગણાય છે તેમાં કૉન્ફ્યૂશિયસ, તાઓ અને બૌદ્ધનો સમાવેશ કરવામાં આવે છે. કૉન્ફ્યૂશિયસને ચીની સંસ્કૃતિના પિતાનું બિરુદ મળેલું છે અને કૉન્ફ્યૂશિયસ ધર્મને સામાજિક શિષ્ટાચારનો ધર્મ કહેવામાં આવે છે. કૉન્ફ્યૂશિયસના સમયમાં ચીનની ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ બહુ સંતોષકારક ન હતી. એ વખતની રાજકીય સ્થિતિ ડામાડોળ હતી. ચાઉ વંશની સામંતશાહીનું બળ ઓછું થયું હતું અને સત્તા માટેની ખેંચતાણ ચાલુ હતી. સામાજિક ક્ષેત્રમાં આચારવિચાર પરત્વે તીવ્ર મતભેદો ફેલાયેલા હતા; પરંતુ કૉન્ફ્યૂશિયસ જેવા મહાનુભાવો નૈતિક આદર્શો, નૂતન શિક્ષણ અને પ્રાચીન સંસ્કૃતિનો પક્ષપાત કરતા અને માર્ગ ભૂલેલી પ્રજાને જીવનનો સાચો રાહ બતાવવા ચીની સંસ્કૃતિને ફરી જીવંત બનાવી તેમાં નવો પ્રાણ પૂરવા અહર્નિશ પ્રયત્ન કરતા.

શાસ્ત્રગ્રંથો : (સંપાદન) કૉન્ફ્યૂશિયસે પોતાના મૂલ્યવાન વિચારોના પ્રચાર તેમજ પ્રસાર માટે પ્રાચીન શિષ્ટ ગ્રંથોનું મહામહેનતે સંપાદન કર્યું; અને તેને (1) 6 પ્રશિષ્ટ (classics) ગ્રંથો અને (2) 4 પુસ્તકો એમ બે વિભાગમાં વહેંચી નાખ્યા. આ ગ્રંથોમાં ચીનની ઐતિહાસિક માહિતી ઉપરાંત જૂની પરંપરાથી ચાલી આવતી વિચારધારાનું યોગ્ય સંકલન કરેલું છે.

[1] 6 પ્રશિષ્ટ ગ્રંથો : (1) ઈ-કિંગ : પરિવર્તનને લગતો ગ્રંથ. (2) શુકિંગ : ચીનના ઇતિહાસ અંગેનો ગ્રંથ. (3) શિ-કિંગ (4) લિ-કિંગ : આ ગ્રંથમાં વિવિધ વિધિવિધાનોનો સમાવેશ છે. ધાર્મિક ક્રિયાવિધિની યોગ્યાયોગ્યતાના નિર્ણય માટે તે જરૂરી ગણાય છે. (5) ચીન-ચિઉ : ઋતુઓનો ઇતિહાસ આપતો તેનો આ ગ્રંથ મહત્વનો છે. (6) ઇહ-સિઆઓ- કિંગ : આ ગ્રંથમાં મનુષ્યનાં કર્તવ્યોની યાદી આપેલી છે.

[2] 4 પુસ્તકો જે શિષ્યોએ સંપાદિત કરેલાં મનાય છે : (1) તાહસીહો (2) ચુંગ-યુંગ (3) લુન-યુ (4) મેંગ-ત્ઝે

કૉન્ફ્યૂશિયસ ધર્મના સિદ્ધાંતો : તેમના ચિંતનમાં માત્ર માનવજીવન કેન્દ્રસ્થાને છે અને માનવના કુટુંબ સાથેના સંબંધો અતિ મહત્વના છે. ભગવાન બુદ્ધની જેમ તે કહેતા કે પરંપરાથી મને જે સત્ય લાધ્યું છે તેને જીવનમાં ઉતારવાનો અને લોકોમાં ફેલાવવાનો જ મારો પ્રયત્ન છે. તેમના ઉપદેશમાં સદાચારનું ખૂબ મહત્વ છે. ‘લી’ની કલ્પના દ્વારા તેમણે વ્યક્તિના સમગ્ર ઘડતરની ચાવી દર્શાવી છે. સમાજ વડે ધર્મ અને ધર્મ વડે સમાજ ટકી રહે છે. આ સંબંધોને સુધારે અને પોતાને ભાગે આવતી ફરજોનું પાલન કરે તો આખો સમાજ સુખી થાય, એ એમનો ઉપદેશ હતો. આજે ચીનના લોકો આચારમાં તો કૉન્ફ્યૂશિયસની ‘સ્મૃતિ’ને જ અનુસરે છે.

જીવનમાંગલ્યનાં આ આઠ સોપાનો નીચે પ્રમાણે ગણાવી શકાય : (1) સત્યમય વાણી, (2) વિવેકપૂર્ણ ર્દષ્ટિ, (3) પ્રસન્ન મુખારવિંદ, (4) પવિત્ર આચારવિચાર અને વ્યવહાર, (5) પોતાના અજ્ઞાન વિશેની સભાનતા (અહીં ગ્રીક ફિલસૂફ સૉક્રેટિસ યાદ આવે), (6) કામક્રોધ આદિ આવેગો ઉપર વિજય, (7) હીન – તુચ્છ વૃત્તિઓનો પરિત્યાગ અને (8) જીવનનું અમૃત તે પ્રેમ અને માધુર્ય. કૉન્ફ્યૂશિયસ ઉત્તમ માનવીનાં આદર્શ લક્ષણો નીચે મુજબ ગણાવે છે : માયાળુપણું, નૈતિક સિદ્ધાંતોનું પાલન, નીતિપાલનની ચીવટ, અધ્યયન, પ્રેમ, શાંતિ, સ્વસ્થતા અને પોતાના વર્તન અંગે સદા જાગરૂકતા.

આ ધર્મમાં પણ ઉત્સવો તથા પ્રાર્થનાવિધિઓને પર્યાપ્ત સ્થાન આપેલું છે. દા.ત., રાજારાણીના જન્મદિવસ અને રાજવીઓની મૃત્યુતિથિઓ પણ ઊજવવામાં આવે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના પ્રસંગોનું પણ આ ધર્મમાં સામાજિક મૂલ્ય આંકવામાં આવેલું છે.

આમ આ એક સામાજિક ધર્મ છે અને તેનું ધ્યેય સમાજસુધારણાનું છે. (1) ઈશ્વરનો આ ધર્મમાં કોઈ સીધો ઉલ્લેખ નથી. પરમાત્માની પ્રાર્થનાનો પણ નિર્દેશ નથી, છતાં તેમાં ગૂઢ તત્ત્વોનો સ્વીકાર કરેલો છે. જોકે આ ધર્મમાં તપ, ત્યાગ કે વૈરાગ્ય-ભાવનાનો સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ સામાજિક ઐક્ય ટકાવી રાખવા માટે તેમણે કુટુંબપ્રેમને ઘણું મહત્વ આપેલું છે. તેમણે માનવતાની મહેક પ્રસરાવવા પર ભાર મૂક્યો છે. તેમનો પ્રત્યેક સિદ્ધાંત એક અમૂલ્ય મંત્ર જેવો છે; તેમના વિચારો વર્તમાન જીવનમાં પણ પ્રસ્તુત ગણાય તેવા છે. દા.ત.,

વિચાર વિનાનું વાચન માણસને અવ્યવસ્થિત મન આપે છે અને વાચન વિનાનું ચિંતન માણસને સમતુલા વિનાનો બનાવી દે છે.

શિક્ષણ કાવ્યથી શરૂ થાય છે, યોગ્ય ચારિત્ર્યથી બળવત્તર બને છે ને સંગીતથી પરિપક્વ થાય છે.

જ્ઞાનીઓ શંકાથી, સદાચરણીઓ ચિંતાથી અને વીરો ભયથી પર હોય છે.

ન્યાયીપણું, વિદ્વત્તા અને સદાચાર મનુષ્યને વિશિષ્ટ માનવી બનાવી શકે છે.

વિચાર વિના પચાવેલું જ્ઞાન નિરર્થક છે, અને જ્ઞાન વિના કેળવેલા વિચારો આપત્તિરૂપ છે.

સુખની ત્રણ ચાવી છે : (1) બૂરું જુઓ નહિ, (2) બૂરું સાંભળો નહિ, (3) બૂરું બોલો નહિ.

ચીમનલાલ વલ્લભરામ રાવળ