કૉન્ટ્રૅક્ટર, મેહેરબહેન (જ. 23 એપ્રિલ, 1918, પંચગની, મહારાષ્ટ્ર; અ. 26 સપ્ટેમ્બર 1992, અમદાવાદ) : ભારતનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કઠપૂતળી કલાકાર-દિગ્દર્શક. પ્રારંભિક તાલીમ – લંડનની રૉયલ ચિલ્ડ્રન એકૅડેમીમાં; ત્યાં ત્રણ વર્ષનો અભ્યાસ એક વર્ષમાં પૂરો કર્યો; અને પછી ત્યાં જ ‘વ્યક્તિચિત્રો અને પુસ્તકસુશોભન’ માટે શિક્ષિકા તરીકે તાલીમ લીધી; ચિત્રકામ માટે અનેક પારિતોષિક મેળવ્યાં. કલાકાર માટેની તાલીમ પ્રાગ-(ચેકોસ્લોવાકિયા)માં (1957) લીધી; અને એની વિશ્વસંસ્થાનાં સભ્ય બન્યાં. 1964માં દિલ્હીના ભારતીય નાટ્ય સંઘમાં પરિયોજનાના નિયામક બન્યાં.
એ પછી અમદાવાદમાં દર્પણ સંસ્થાના આ વિભાગમાં તાલીમ અને પ્રયોગો આરંભ્યાં. તેમણે 5 હજારથી વધુ શિક્ષકો તથા સામાજિક કાર્યકરોને કઠપૂતળીકલાની તાલીમ આપી હતી. તેમણે ‘ઉનિમા’ નામની કઠપૂતળી માટેની વિશ્ર્વસંસ્થાના અધ્યક્ષ તરીકે પણ અનેક વર્ષો સુધી સેવા આપી હતી. દુનિયાના અનેક દેશોમાં પપેટના પ્રયોગો કર્યા અને તેની તાલીમ પણ આપી. ‘ક્રિયેટિવ ડ્રામા ઍન્ડ પપેટ્રી ઇન ઇન્ડિયા’ (1983) તથા ‘શૅડો પપેટ ઑવ્ ઇન્ડિયા’ (1985) પુસ્તકો લખ્યાં છે.
હસમુખ બારાડી