કૉન્ક્રીટ પોએટ્રી : આકારલક્ષી કવિતા(L. carmen figuratum, shaped poetry)ની પેટા નીપજરૂપ કાવ્યલેખનનો આધુનિક પ્રવાહ. આધુનિક ચિત્રકલા અને આધુનિક સંગીતને સમાંતર રહી કવિતાના જે પ્રયોગો થયા એમાં કવિતાને સાંભળવા ઉપરાંત જોવાય એવો ઉદ્યમ પણ થયો. વ્યવહારમાં ભાષાનાં અર્થ સિવાયનાં ઉપેક્ષિત પાસાંનો આધુનિક કવિતામાં જે વિનિયોગ થયો એમાં ભાષાના મુદ્રણપાસાનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. અનુવર્તી કાલગત પરિમાણ (dimension of time) ધરાવતી ભાષાની કલાને સહવર્તી સ્થલગત પરિમાણ- (dimension of space)માં એકસાથે ઉપસાવતા પ્રયોગોએ કવિતાને શ્રાવ્ય સાથે ર્દશ્ય પણ બનાવી અને કવિતાને ભિન્ન ભિન્ન મુદ્રણઆકારોમાં રજૂ કરી. પાના પર રજૂ થયેલા પદાર્થરૂપે અહીં કવિતાને જોવાનું બને છે. ઘણીવાર ‘શ્ય કવિતા’ વાંચવા માટેનું ચિત્ર છે કે જોવા માટેની કવિતા છે એની મૂંઝવણમાં મૂકી દે છે.
વાસ્તવદર્શી મૂર્ત કવિતાની વિભાવના અમૂર્ત ફિલસૂફીવિષયક વિચારસરણીઓ કે વૈશ્વિક ચૈતન્યપરક તાત્વિક સિદ્ધાંતોના સામા છેડાની છે. કવિતા પ્રત્યક્ષીકરણની કળા છે. ઉપરાંત તે પદાર્થનિર્ભર ઇન્દ્રિયગમ્ય કળા છે, જેની દ્વારા સાર્વત્રિક માનવભાવોનું સંવહન થાય છે. પ્રસ્તુત વિભાવનાના પુરસ્કર્તાઓ કવિતાનો ઉલ્લેખ એક જીવંત તંત્ર (organic whole) તરીકે કરે છે, જે મહદંશે બુદ્ધિથી પ્રમાણી શકાય. ફિલિપ સિડનીએ ‘ધ ડિફેન્સ ઑવ્ પોએસી’ નામના સાહિત્યિક નિબંધમાં કવિતાની મીમાંસા કરતાં તેનું મૂલ્ય એ મુદ્દા પર આંક્યું છે કે તેમાં મૂર્તતાનું પ્રમાણ ફિલસૂફી કરતાં અધિક છે. વર્ડ્ઝવર્થ અને કોલરિજે પણ અમૂર્ત સજીવારોપણની સામે કલ્પનોત્થ વાસ્તવમૂલક મૂર્ત કાવ્યસંવેદનોનું મૂલ્ય વિશેષ આંક્યું છે. જ્હૉન ક્રોરેનસમ, વિમસેટ આદિ વિવેચકોએ મૂર્ત સાકાર વિશ્વના અનુસંધાનમાં મૂર્ત કવિતાની સંરચનાનાં ઉપકરણોનું વિશ્લેષણ કર્યું છે. નિરાકાર તાત્વિક વિચાર અને ઇન્દ્રિયગમ્ય હૃદયભાવોનું રસાયણ કાવ્યમાં સિદ્ધ થવું જોઈએ, પણ કવિતાની ભાષા વિશિષ્ટ રીતે પ્રયોજાઈ હોય ત્યારે આ શક્ય બને; એટલે કે પ્રતિરૂપ, પ્રતીક કે રૂપક દ્વારા કવિતામાં મૂર્તતા સધાઈ હોવી જોઈએ.
અપોલિનેરના ‘કૅલિગ્રામ્ઝ’(1918)માં, સ્વિસ કવિ યુજેન કોમ્ટિન્જરના ‘કૉન્સ્ટિલેશન્સ’(1953)માં, ઑસ્ટ્રિયન કવિ અર્ન્સ્ટ જેન્ડલની રચનાઓમાં તેમજ સાઇમન કટ્સ, સ્ટુઅર્ટ મિલ્સ, ડોમ સિલ્વેસ્ટર અને ઇયાન હેમિલ્ટન ફિન્લે જેવા બ્રિટિશ કવિઓની રચનાઓમાં શ્યકવિતાના મહત્વના પ્રયોગો મળે છે. પ્રતીકવાદી કવિ માલાર્મેના ‘પાસાફેંક’ (A Throw of Dice Will Never Eliminate Chance) કાવ્યમાં આ ર્દશ્ય કવિતાનો પ્રયોગ પહેલો નોંધાયેલો (1897).
ચન્દ્રકાન્ત ટોપીવાળા
નલિન રાવળ