કૉટ્સ્કી, કાર્લ યોહાન (જ. 16 ઑક્ટોબર 1854, પ્રાગ; અ. 17 ઑક્ટોબર 1938, ઍમસ્ટરડૅમ) : જર્મન સમાજવાદી વિચારક, તથા જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના અગ્રણી. વિયેના યુનિવર્સિટીમાં શિક્ષણ દરમિયાન ઑસ્ટ્રિયન સોશિયલ ડેમોક્રૅટ્સ જૂથમાં જોડાયા. શરૂઆતના તબક્કામાં વિખ્યાત રાજ્યશાસ્ત્રી એડવર્ડ બર્નસ્ટાઈન(1850-1932)ના વિચારોથી પ્રભાવિત થયા, પરંતુ 1880માં ઝુરિકની મુલાકાત દરમિયાન માર્ક્સવાદનો અંગીકાર કર્યો. 1883માં તેમણે ‘Die neue Zeit’ નામનું સામયિક શરૂ કર્યું. તે ઝુરિક, લંડન, બર્લિન તથા વિયેનાથી એકસાથે પ્રકાશિત કરવામાં આવતું. 1917 સુધી કૉટ્સ્કીએ આ સામયિકનું સંપાદન કર્યું. લંડન ખાતે તે ફ્રેડરિક ઍન્જલ્સના સંપર્કમાં આવ્યા. આ બંનેની મિત્રતા ઍન્જલ્સના મૃત્યુ (1895) સુધી ચાલુ રહી. 1891માં તૈયાર કરેલ ‘Erfurt programme’ના તે એક મુખ્ય ઘડવૈયા હતા. આ કાર્યક્રમ હેઠળ જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પક્ષે ઉત્ક્રાંતિવાદી માર્કસવાદનો સ્વીકાર કર્યો હતો, જેની બર્નસ્ટાઈન તથા લેનિન બંનેએ સખત ટીકા કરી હતી. પાછળથી કૉટ્સ્કી એડવર્ડ બર્નસ્ટાઈનના માર્કસવાદની પુનર્વિચારણા અંગેના સિદ્ધાંતોના સખત વિરોધી બન્યા હતા.
1917ની રશિયન ક્રાંતિ લોકશાહી વિરોધી છે તથા ક્રાંતિ પછી ત્યાં લઘુમતી સમાજવાદીઓની સરમુખત્યારશાહી દાખલ કરવામાં આવી છે એમ કહીને કૉટ્સ્કીએ બૉલ્શેવિક ક્રાંતિને વખોડી કાઢી હતી. 1918 પછી તેમણે જર્મનીના વિદેશ ખાતા હેઠળનાં રાષ્ટ્રીય સંગ્રહાલયોમાંના દસ્તાવેજોનું સંપાદન કરી પ્રથમ વિશ્વયુદ્ધનાં કારણો પર પ્રકાશ પાડતા ખાનગી દસ્તાવેજો પ્રકાશિત કર્યા હતા. 1924-38 દરમિયાન તેમણે વિયેના ખાતે સાહિત્યિક પ્રવૃત્તિ હાથ ધરી હતી. કબજો જમાવી બેઠેલાં જર્મન દળોના પ્રાયોજિત હુમલાની શક્યતાને કારણે 1938માં તેમને વિયેનાથી નાસભાગ કરવી પડી હતી. માર્ક્સવાદી વિચારસરણી પર તેમણે જર્મન ભાષામાં ગ્રંથો તથા લેખો લખ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે