કૉટન, હેન્રી (સર) (જ. 13 સપ્ટેમ્બર 1845, કુંભાકોણમ્; અ. 22 ઑક્ટોબર 1915) : ભારતપ્રેમી બ્રિટિશ અમલદાર. બ્રિટિશ હોવા છતાં એમના પૂર્વજોને ત્રણ પેઢીથી હિંદુસ્તાન સાથે સંબંધ હતો. તેઓ 1867માં બંગાળ સરકારની નોકરીમાં દાખલ થયા. વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા પછી 1896માં આસામના મુખ્ય કમિશનર બન્યા. એ પદ ઉપરથી 1902માં નિવૃત્ત થયા. 1885માં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં એ. ઓ. હ્યૂમ અને વિલિયમ વેડરબર્નની માફક સર હેન્રી કૉટનનો પણ મહત્ત્વનો ફાળો હતો. 1904માં મુંબઈમાં યોજાયેલ હિંદી રાષ્ટ્રીય મહાસભાના વીસમા અધિવેશનના પ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી. 1915માં ફિરોજશાહ મહેતા અને ગોપાળ કૃષ્ણ ગોખલેના અવસાનની સાથે તેમના અવસાનનો શોક પણ મનાવવામાં આવ્યો હતો. તેઓ ઇંગ્લૅન્ડમાં નિવૃત્ત જીવન ગાળતા હતા ત્યારે પણ હિંદના હિતની ચિંતા કરતા હતા. એમણે હિંદની રાજકીય સ્થિતિનું વિશ્લેષણ કરતું ‘ન્યૂ ઇન્ડિયા ઑર ઇન્ડિયા ઇન ટ્રાન્ઝિશન’ નામનું પુસ્તક લખ્યું હતું.

મુગટલાલ  પોપટલાલ બાવીસી