કૉખ, જૉસેફ ઍન્ટોન (Koch, Josef Anton), (જ. 27 જુલાઈ 1768, ટાયરોલ ઑસ્ટ્રિયા; અ. 12 જાન્યુઆરી 1839, રોમ, ઇટાલી) : રંગદર્શી જર્મન નિસર્ગ-ચિત્રકાર. જર્મનીમાં તાલીમ લઈ તેઓ 1793માં રોમ આવી વસેલા. તેમનાં નિસર્ગચિત્રો નિસર્ગની વિરાટતા અને ભવ્યતા પ્રગટ કરવામાં સફળ ગણાયાં છે. વિશાળ ભેખડો, પર્વતો, કોતરો, તેમાં વહેતાં ઝરણાં નદી અને ધોધ, ગીચ જંગલો અને માથે ઝળૂંબતાં વાદળાંની ગોઠવણી કૉખ એમનાં ચિત્રોમાં એવી રીતે કરે છે કે દર્શક તે જોઈ દિઙમૂઢ બની જાય. આ શૈલીમાં આલેખિત તેમનાં ચિત્રોમાં જર્મન આલ્પ્સ પર્વતો અને બ્લૅક ફૉરેસ્ટ વારંવાર નજરે પડે છે. વિરાટ અને શક્તિશાળી પ્રકૃતિ સમક્ષ માનવી વામન અને તુચ્છ છે એવી પ્રતીતિ એમનાં ચિત્રોને જોઈને થયા વિના રહેતી નથી; પરંતુ જીવનના ઉત્તરાર્ધમાં તેમની કલાનું જોમ ઢીલું પડી ગયું હતું.
અમિતાભ મડિયા