કૉકેસિયન ચૉક સર્કલ

January, 2008

કૉકેસિયન ચૉક સર્કલ (ડેર કોકેસિસ્કી ક્રેડકરેઇસ; 1944) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898-1956)નું ‘એપિક’ પ્રણાલીનું ચીની લોકકથા ‘ચૉક-દોર્યા વર્તુળ’ પર આધારિત નાટક. જ્યૉર્જિયા પ્રાંતના ગવર્નર સામે સામંતોએ કરેલા બળવાની ધાંધલમાં ગવર્નરનું ખૂન થાય છે અને એની પત્ની જાન બચાવવા નાના બાળકને મૂકી નાસી છૂટે છે. ગરીબ કામવાળી ગ્રુશા બાળકને લઈ એના રક્ષણાર્થે, લશ્કરની ફરજિયાત ભરતી ટાળવા મરણપથારીએ હોવાનો ઢોંગ કરતા, એક ધનિક ખેડૂતને પરણે છે. યુદ્ધ પૂરું થતાં ગ્રુશાનો પ્રિયતમ સૈનિક સિમન પાછો આવે છે, તો એની પ્રિયતમાને પરિણીત અને બાળકની મા જોઈને આઘાત અનુભવે છે. પણ ગ્રુશા વસ્તુસ્થિતિ સમજાવે તે પહેલાં, મોટી અસ્કામતો પાછી મેળવવા જરૂરી બની રહેલ બાળક પર દાવો કરતી ગવર્નરની પત્ની કોર્ટે ચડે છે, અને સૈનિકો આ મા-દીકરાને પકડી લે છે. આ કથાને સમાંતર દારૂડિયા, ગ્રામ-ડાગલા, અઝદાકની કથા ચાલે છે. બળવાની રાતે અઝદાકે જે ભિખારીને આશ્રય આપેલો એ ખરેખર જ્યૉર્જિયાનો મહાન ડ્યૂક હતો, અને એનો જાન બચાવવાનો પોતાનો ગુનો સમજાતાં એ મહાન ડ્યૂકને કાયદાને હવાલે કરે છે. સૈનિકોને કોઈ ન્યાયાધીશ ન મળતાં તેઓ અઝદાકને જ જ્યૉર્જિયાના ન્યાયાસને બેસાડે છે. લાંચિયો, લંપટ અઝદાક, જોકે અંતે તો દલિતો અને ગરીબોની જ તરફેણ કરતો રહે છે. પરંતુ યુદ્ધને અંતે મહાન ડ્યૂક ફરી સત્તા પર આવતાં સૈનિકો અઝદાકને ન્યાયાસનેથી ઉઠાડી મૂકે છે. ત્યાં જ અઝદાક પ્રત્યેનું પોતાનું ઋણ ફેડવા મહાન ડ્યૂક પોતાનો સંદેશો મોકલી તેને ફરી ન્યાયાસન સોંપે છે. હવે આ જ અદાલતમાં ગ્રુશા અને ગવર્નરની પત્નીનો બાળક પરના દાવાનો મુકદ્દમો શરૂ થાય છે. અઝદાક પોતાની વિશિષ્ટ રીતે ચૉક-દોર્યા વર્તુળમાં બાળકને મૂકી, પાલક મા – ગ્રુશાને અને જન્મદાતા મા – ગવર્નરની પત્નીને બાળકને પોતપોતાના તરફ ખેંચવા ફરમાવે છે. જાન બચાવવા બાળકને ત્યજી ગયેલી ગવર્નરની પત્ની, હવે સત્તાનું સાધન બનેલા આ બાળકને નિર્મમતાથી વર્તુળ બહાર ખેંચે છે; અને બાળકને તકલીફ ન પડે, એ માટે ગ્રુશા બાળકનો હાથ છોડી દે છે. સ્વાભાવિક રીતે જ અઝદાક, ગવર્નરની પત્નીએ લાંચ અને ધમકી આપ્યા છતાં, બાળક તો ગ્રુશાને જ સોંપે છે. અને એ જ રીતે ગ્રુશાને ધનિક ખેડૂતથી છૂટાછેડા આપી, સિમન સાથેના સ્નેહસંબંધનો માર્ગ મોકળો કરી આપે છે. આ નાટકના પ્રારંભના અને અંતિમ શ્યમાં, જમીનના એક ટુકડા અંગેના વિવાદની વાતનો ઉકેલ પણ એ જ રીતે છે કે ઉત્પાદક ઉપયોગ કરે તેની જમીન અને પ્રેમ કરે તેનું બાળક. માત્ર કથાના અનેક સ્તરો કે એની ગૂંથણીના પ્રારંભ અને અંતના ર્દશ્યની ર્દષ્ટિએ જ નહિ, પરંતુ ‘એપિક’ અને એલિયનેશન(એસ્ટ્રેઇન્જમેન્ટ – કૌતુકીકરણ)ની નાટ્યલેખનપ્રસ્તુતિનાં તત્વોને લીધે બ્રેખ્ટનું આ ખૂબ મહત્વનું નાટક છે. ગીત, નૃત્ય, ગાયકો, ત્રીજા પુરુષમાં નાટ્યઉક્તિઓ, એને સમાંતર ચાલતું અભિનય-કાર્ય વગેરેથી આ નાટક નવ્ય-નાટ્યપ્રણાલીનો ઉત્તમ નમૂનો બને છે. વિવાદાસ્પદ માતૃપ્રેમનો ચુકાદો પુરાવાઓ કે દલીલોને આધારે નહિ, પરંતુ ગવર્નરની પત્નીના સ્વાર્થના સ્તરોને ભેદીને, ચૉક-વર્તુળની રમત જેવા નાટ્યાત્મક પ્રસંગથી ન્યાયને સરળ, છતાં બળૂકો, બનાવવા જેવી અનેક નાટ્યક્ષણો બ્રેખ્ટનું નોંધપાત્ર પ્રદાન છે. ‘કૉકેસિયન ચૉક સર્કલ’ની પ્રથમ રજૂઆત અંગ્રેજીમાં 1947માં મિનેસોટામાં થઈ હતી અને જર્મનમાં રજૂઆત 1954માં બર્લિનમાં થઈ હતી. તેમાં બ્રેખ્ટની પત્ની હેલન વાઇગલે ગવર્નરની પત્નીની ભૂમિકા ભજવી હતી. ભારતમાં ‘હિન્દુસ્તાની થિયેટરે’ હિંદીમાં, વિજયા મહેતાએ મરાઠીમાં (‘અજબ ન્યાય વર્તુળાચા’) અને બાદલ સરકારે બંગાળીમાં (‘ઘેરા’) તેની અનુકૃતિઓ રજૂ કરેલી છે. ગુજરાતીમાં એનો અનુવાદ પ્રાગજી ડોસાએ કર્યો છે.

હસમુખ બારાડી