કૉંગ્રીવ, વિલિયમ (જ. 24 જાન્યુઆરી 1670, બાર્ડસી, યૉર્કશાયર; અ. 19 જાન્યુઆરી 1729, લંડન) : અંગ્રેજીમાં ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ના પ્રવર્તક અને નવપ્રશિષ્ટ (neoclassical) આંગ્લ નાટ્યકાર. 1681માં ક્લિકેનીની શાળામાં અને એપ્રિલ, 1686માં ડબ્લિન ખાતે ટ્રિનિટી કૉલેજમાં જોડાયા. ત્યાંથી 1696માં એમ.એ.ની ઉપાધિ મેળવી. આ બંને સ્થળે જૉનાથન સ્વિફ્ટ તેમના સહાધ્યાયી હતા. બંને આજીવન મિત્રો બની રહ્યા. 1691માં મિડલ ટેમ્પલ ખાતે કાયદાના અભ્યાસ માટે જોડાયા. પણ અંતે કાયદાનો અભ્યાસ છોડી સાહિત્યની કારકિર્દી અપનાવી. 1692માં ‘ક્લીઓફિલ’ના ઉપનામથી સભ્ય સમાજના પ્રણયવ્યવહાર અંગે ‘ઇન્કૉગ્નિટો’ નામની પૅરડી પ્રકારની નવલકથા પ્રગટ કરી. એ કદાચ 17 વર્ષની વયે લખાઈ હતી. તેનાથી સાહિત્યિક વર્તુળોમાં તેમને સહસા નામના મળી. એ જ વર્ષે થોડી કવિતા પણ પ્રગટ થઈ. તે જ ગાળામાં તે જ્હૉન ડ્રાયડનના આશ્રિત બની રહ્યા; ડ્રાયડને જુવેનલ તથા પરસિયસનાં કટાક્ષકાવ્યોનું ભાષાંતર પ્રગટ કર્યું (1693) તેમાં પણ કૉંગ્રીવનો મુખ્ય સહયોગ રહ્યો.
તેમની યશસ્વી સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો માર્ચ, 1693માં થિયેટર રૉયલમાં ‘ધ ઓલ્ડ બેચલર’ના નિર્માણથી. તેમના કહેવા પ્રમાણે આ કૉમેડી 1690માં લખાઈ હતી અને તેમની આ પ્રથમ નાટ્યકૃતિ તે વખતે અભૂતપૂર્વ કહેવાય એ રીતે લગાતાર પખવાડિયા સુધી ભજવાતી રહી અને ભારે સફળતા પામી. તે પછીની કૃતિ ‘ધ ડબલ ડીલર’ (1694) 1693ના નવેમ્બર-ડિસેમ્બરમાં ભજવાઈ. તેમની સૌથી વિશેષ અભિનેય કૃતિ ‘લવ ફૉર લવ’(1695)માં તેમને પુષ્કળ યશ સાંપડ્યો. આ નાટક એપ્રિલ, 1695માં ભજવાયું અને તેની સાથે નવી રંગભૂમિનો પ્રારંભ થયો. જૂના થિયેટર રૉયલમાં અભિનેતાઓ વચ્ચે વિખવાદ થવાથી લૉર્ડ ચેમ્બરલેઈને રંગભૂમિના સમાંતર પ્રવાહને પ્રોત્સાહન આપવા નવું લાઇસન્સ આપ્યું હતું; આથી લિંકન્સ ઇન ફીલ્ડ ખાતે જે નવી રંગભૂમિનો પ્રારંભ થયો તેનું પ્રથમ નિર્માણ હતું આ ‘લવ ફૉર લવ’. એ રંગભૂમિ પર ‘ધ મૉર્નિંગ બ્રાઇડ’ (1697) નામની પોતાની કરુણ નાટ્યરચના ભજવવાની પરવાનગી આપી. આ ટ્રૅજેડીથી તેમની પ્રતિષ્ઠામાં ઘણો વધારો થયો અને આ કૃતિ તેમની સૌથી ખ્યાતનામ રચના બની રહી. માર્ચ, 1700માં તેમની સર્વશ્રેષ્ઠ રચના ‘ધ વે ઑવ્ ધ વર્લ્ડ’ નામાંકિત કલાકારોએ રંગભૂમિ પર રજૂ કરી. નાટ્યકાર કૉંગ્રીવની સ્મૃતિ આજે પણ તખ્તા પર જળવાઈ રહી હોય તો તે આ ‘વે ઑવ્ ધ વર્લ્ડ’ની પ્રસંગોપાત્ત ભજવણી દ્વારા. તેમણે બે ઑપેરા માટે લખાણ તૈયાર કર્યું અને 1704માં મોલિયેરના નાટકના અનુવાદમાં સહયોગ આપ્યો તથા 1705માં નાટ્યકાર સ્થપતિ સર જ્હૉન વાનબર્ગ સાથે થોડો વખત સંકળાયેલા રહ્યા.
ભાવિ પેઢી કૉંગ્રીવને રેસ્ટોરેશન કૉમેડી જેવા નવતર નાટ્યપ્રકારના સમર્થ સર્જક તરીકે નિરંતર યાદ કરશે. રેસ્ટોરેશન કૉમેડી સમાલોચક કે વિવેચનાત્મક સ્વરૂપની હાસ્યરચનાઓ હતી; તેનો ઉદ્દેશ પોતાના યુગના સ્વૈરવિહારી આચરણ અને માન્યતા તેમજ અહંકાર અને અતિરેક પરત્વે વ્યવહારબુદ્ધિ અને શાણપણનું અસ્ત્ર ઉગામીને સામાજિક દુર્ગુણોનું તથા અનિષ્ટોનું નિવારણ કરવાનો હતો.
મહેશ ચોકસી