કૉંગો નદી : આફ્રિકાની નાઈલ પછીની બીજા નંબરની નદી. પાણીના જથ્થાની ર્દષ્ટિએ આ નદી આફ્રિકાની સૌથી મોટી નદી ગણી શકાય. તે દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં આવેલા ઝામ્બિયાના બેંગ્વેલૂ સરોવરમાંથી નીકળીને પૂર્વ તરફ ઝાઇર દેશમાં થઈ મટાડી બંદર પાસે આટલાંટિક મહાસાગરને મળે છે. દુનિયામાં ધનુષ્યાકારે વહેતી આ એકમાત્ર નદી છે જે ઉત્તર તેમજ દક્ષિણ બંને ગોળાર્ધમાં વહે છે. આશરે 4670 કિમી. લાંબી આ નદી કૉંગો, ઝાઇર, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કેમેરુન, અંગોલા તેમજ ઉત્તર ઝામ્બિયા જેવા દેશોને પાણીનો પુરવઠો પહોંચાડે છે.

કૉંગો નદીને વહનમાર્ગમાં ઉત્તર ભાગમાંથી આવતી ઉબાંગી અને દક્ષિણ ભાગમાંથી આવતી કસાઈ નદી મળે છે. તેના પ્રવાહમાર્ગ દરમિયાન સ્ટેન્લી અને લિવિંગ્સ્ટન બે જળધોધ પ્રખ્યાત છે. કિન્શાસાથી સ્ટેન્લીપુલ સુધી આશરે 1600 કિમી.નો તેનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. કિન્શાસા પાસે આ નદી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. મુખ પાસે આ નદીનો પટવિસ્તાર 16 કિમી. જેટલો પહોળો બને છે. કૉંગો નદી તેના મુખ પાસે વેગીલા જળપ્રવાહને કારણે મુખત્રિકોણપ્રદેશ બનાવતી નથી. મટાડી બંદર પાસે તે આટલાંટિક મહાસાગરને મળે છે.

કૉંગો નદીના મધ્ય જળપ્રવાહમાં ઉષ્ણકટિબંધનાં બારે માસ લીલાં ગીચ જંગલો આવેલાં છે જ્યારે ઉત્તર અને દક્ષિણમાં ઘાસભૂમિનાં મેદાનો સાથે છૂટાંછવાયાં વૃક્ષો આવેલાં છે. અનેક જળચર પ્રાણીઓ ધરાવતી આ નદીમાં હિપોપૉટેમસ અને મગરની વસ્તી વિશેષ છે.

ઝાઇરમાં આ નદી ઉપર ઇન્ગા શહેર નજીક જળવિદ્યુતમથક સ્થાપવામાં આવેલું છે. કૉંગો નદી વિશ્વની નદીઓના કુલ જળજથ્થામાંથી 18 % જેટલો જળરાશિ ધરાવે છે.

મહેશ મ. ત્રિવેદી