કૈલાસ (પર્વત) : હિમાલયની હારમાળામાં આવેલું પર્વત-શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31o 05′ ઉ. અ. અને 81o 20′ પૂ. રે.. તે લદ્દાખ પર્વતશ્રેણીથી 80 કિમી.ને અંતરે સિંધુ નદીના ઉત્તર કાંઠા નજીક આવેલું છે. આ પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે, કૈલાસ પર્વત-શિખરના ઉત્તર તરફના ભાગમાં સ્તરાનુક્રમના સંદર્ભમાં જોતાં કૉંગ્લોમરેટ ‘કૈલાસ ગ્રૅનાઇટ’ની ઉપર જમાવટ પામેલો છે. કૈલાસ ગ્રૅનાઇટ હૉર્નબ્લેન્ડ સમૃદ્ધ હોઈ તે હૉર્નબ્લેન્ડ ગ્રૅનાઇટ પ્રકારનો છે. કૉંગ્લોમરેટ-રેતીખડક ક્રિટેશિયસ વયના છે, તે હિમાલયના ઉત્થાન વખતે ગેડમાં ફેરવાયેલા છે. અહીં ઇયોસીન કાળના ખડકો જોવા મળતા નથી. આ પર્વતશ્રેણી પૈકીનું સર્વોચ્ચ શિખર 7,665 મીટરની ઊંચાઈ ધરાવે છે.
હિન્દુઓ માટે પવિત્ર ગણાતું આ સ્થળ ભૌગોલિક ર્દષ્ટિએ હિમાલયના તિબેટ (ચીન) વિસ્તારમાં આવેલું છે. પ્રાચીન ગ્રંથો મુજબ તે ‘મેરુ’, ‘હેમકૂટ’, ‘હિરણ્યશૃંગ’, ‘શંકરગિરિ’, ‘કુબેરશૈલ’, ‘ગણ’, ‘રજતાદ્રિ’, ‘વૈદ્યુત’ જેવાં નામોથી પણ ઓળખાય છે. 6714 મીટરની ઊંચાઈ ધરાવતું કૈલાસ શિખર બારેય માસ હિમાચ્છાદિત રહે છે. માનસરોવર તેની નજીકમાં આવેલું છે. તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. કૈલાસ અને માનસરોવરના વિસ્તારને માનસખંડ કહે છે. તેની પૂર્વ તરફ ગૌરી કુંડ આવેલો છે. સતલજ અને બ્રહ્મપુત્ર નદીઓ તેની દક્ષિણેથી તથા સિંધુ તેની ઉત્તરેથી નીકળે છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર કૈલાસ શિખર શિવ-પાર્વતીનું નિવાસસ્થાન મનાય છે. શિવ, બ્રહ્મા, મરીચ, રાવણ, ભસ્માસુર વગેરેએ અહીં તપ કરેલાં હોવાનું કહેવાય છે. પાંડવોના દિગ્વિજય દરમિયાન અર્જુને આ પ્રદેશ પર વિજય મેળવેલો. યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞમાં અહીંના રાજાએ અશ્વો, સુવર્ણ, રત્નો, યાક-પુચ્છના વાળમાંથી બનાવેલી ચામરો ભેટ ધરેલી. વ્યાસ, કૃષ્ણ, ભીમ, દત્તાત્રેય વગેરેએ આ પ્રદેશની યાત્રા કરેલી. એવી માન્યતા પણ પ્રવર્તે છે કે આદિ શંકરાચાર્યે અહીં દેહત્યાગ કરેલો. જૈન ધર્મમાં પણ આ સ્થળનું વિશેષ મહત્વ છે; તેઓ કૈલાસની નજીક આવેલા પર્વતને અષ્ટાપદ તરીકે ઓળખે છે. એમ પણ કહેવાય છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ અહીં નિર્વાણ પામેલા. એ પછી તેમના પુત્ર રાજા ભરતે અહીં તેમની સ્મૃતિમાં રત્નમય સિંહ નિષિધા પ્રાસાદ કરાવ્યો હતો. બૌદ્ધ સાહિત્યમાં માનસરોવરનો ઉલ્લેખ ‘અનવતપ્ત’ તરીકે કરેલો છે. કૈલાસને પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહે છે. બૌદ્ધ અનુશ્રુતિ મુજબ કૈલાસનું સ્થાન પૃથ્વી પર મધ્ય ભાગમાં આવેલું હોવાનું કહેવાય છે. અહીંના અધિષ્ઠાતા દેવ ધર્મપાલ (ડેમચોક) છે, તે વ્યાઘ્રચર્મ ધારણ કરે છે, મુંડમાળા પહેરે છે, તેમના હાથમાં ડમરુ અને ત્રિશૂળ હોય છે તથા વજ્ર તેમની શક્તિ ગણાય છે. અગિયારમી સદીમાં સિદ્ધ મિલેરેપા અહીં અનેક વર્ષો સુધી રહેલા. વિક્રમશીલાના પ્રમુખ આચાર્ય દીપશંકર શ્રીજ્ઞાન (982-1054) તિબેટ-નરેશના આમંત્રણથી બૌદ્ધ ધર્મના પ્રચારાર્થે અહીં આવેલા.
કૈલાસ પર્વતશ્રેણી કાશ્મીરથી ભુતાન સુધી વિસ્તરેલી છે. તેમાં આવેલાં લ્હા ચૂ અને ઝોંગ ચૂ વચ્ચે કૈલાસ પર્વત સ્થિત છે. અહીં જોડાજોડ બે શિખરો આવેલાં છે, તે પૈકીનું ઉત્તર તરફનું શિખર કૈલાસ તરીકે ઓળખાય છે. આ શિખરનો આકાર વિરાટ શિવલિંગ જેવો દેખાય છે; એટલું જ નહિ, તે સોળ પાંખડીવાળા કમળ વચ્ચે ગોઠવાયેલું હોય એવું ભાસે છે. હિન્દુ ધર્મમાં તેની પ્રદક્ષિણા કરવાનું ઘણું મહત્વ છે, પ્રદક્ષિણા-પથ 52 કિમી. જેટલો છે. તિબેટના ભોટિયા લોકો ત્રણ અથવા તેર પરિકમ્મા કરવી જોઈએ એવી માન્યતા ધરાવે છે. કેટલાક યાત્રીઓ દંડવત્ પ્રણામ કરતા કરતા પ્રદક્ષિણા પૂરી કરે છે. તેઓ એવું માને છે કે એક પ્રદક્ષિણાથી એક જન્મનાં, જ્યારે દસ પ્રદક્ષિણાથી અનેક અવતારનાં પાપ નાશ પામે છે. જે 108 પ્રદક્ષિણા પૂરી કરે તેને જન્મ-મરણમાંથી મુક્તિ મળી જાય છે.
કૈલાસ-માનસરોવર જવા માટે જુદા જુદા ઘણા માર્ગ છે, તે પૈકી ઉત્તરાખંડના અલમોડાથી અસ્કોટ, ખેલ, ગર્વિશૃંગ, લિપુલેહ-ખિંડ, તકલાકોટ થઈને જવાનો માર્ગ વધુ સરળ છે, તે 386 કિમી. લાંબો છે, તેમાં ઘણા ચઢાવ-ઉતાર આવે છે. જતી વખતે સરલકોટ સુધી 70 કિમી. સુધી ચઢાવ અને તે પછીથી 74 કિમી. જેટલું ઉતરાણ આવે છે. માર્ગમાં ઠેકઠેકાણે ધર્મશાળાઓ તથા આશ્રમોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. ભારત સરકારે અહીંની હિમાલય-સરહદનું રક્ષણ કરવા માટે લિપુલેહ સુધી પાકો રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો છે, તેથી કૈલાસ-માનસરોવરના યાત્રાળુઓને હવે ચઢાવ-ઉતારવાળા કષ્ટમય માર્ગ પર લિપુલેહ સુધી ચલાવવામાંથી મુક્તિ મળશે. ગર્વિશૃંગ પછીની યાત્રા યાક, ખચ્ચર તેમજ માનવ-મદદથી થાય છે. તકલાકોટ તિબેટમાં આવેલું પહેલું ગામ છે, જ્યાં દર વર્ષે જેઠ માસથી કાર્તિક માસ સુધી બજાર ભરાય છે. તકલાકોટથી દારચેન જવાના માર્ગમાં માનસરોવર આવે છે. કૈલાસની પ્રદક્ષિણા દારચેનથી શરૂ થઈ દારચેન આગળ પૂર્ણ થાય છે. તકલાકોટથી 40 કિમી.ના અંતરે માંધાતા પર્વત-સ્થિત 4860 મીટર ઊંચાઈ પર ઘાટ આવેલો છે. તેની વચ્ચે પહેલાં ડાબી બાજુએ માનસરોવર અને પછી જમણી બાજુએ રાક્ષસતાલ આવેલાં છે. ત્યાંથી થોડે દૂર ઉત્તર તરફ કૈલાસ પર્વતનું હિમાચ્છાદિત શિખર દેખાય છે. તે પછીના તીર્થપુરી સ્થળ ખાતે ચૂનાની ટેકરીઓમાં ગરમ પાણીના કુંડ આવેલા છે. કહેવાય છે કે ભસ્માસુરે અહીં તપ કર્યું હતું અને અહીં જ તે મૃત્યુ પામ્યો હતો. અહીંથી આગળ જતાં ડોલમાલા અને દેવીખિંડના ઊંચા પર્વતો (5580 મીટર) આવેલા છે. તેની નજીકમાં ગૌરીકુંડ છે. આ માર્ગ ઉપર ઠેર ઠેર તિબેટી લામાઓના મઠ આવેલા છે.
અગાઉ કૈલાસ-યાત્રામાં આશરે બે માસ થતા હતા; હવે માત્ર 16 દિવસ થાય છે. વરસાદ શરૂ થાય તે પહેલાં અલમોડા ખાતે પરત આવી જવાનું હોય છે. કૈલાસની આજુબાજુ ‘કૈલાસધૂપ’ નામની સુગંધિત વનસ્પતિ થાય છે, યાત્રીઓ તેને પ્રસાદ તરીકે લાવે છે. કૈલાસ-માનસરોવરની યાત્રામાં અત્યંત ઠંડી અને અવારનવાર પડતા વરસાદથી બચવા માટે તથા પહાડી પ્રદેશનું પાણી પીવાથી પાચનતંત્ર પર પડતી વિપરીત અસરથી બચવા માટે ગરમ કપડાં, રેઇનકોટ, બૅટરી, ડૉક્ટરની આગોતરી સલાહ મુજબની દવાઓ સાથે રાખવાં આવશ્યક છે. વળી અહીં ભોજનરુચિ ઘટી જતી હોવાથી સૂકો મેવો/હળવો નાસ્તો પણ સાથે રાખવાં હિતાવહ ગણાય છે. ભારત સરકાર તરફથી હિમાચલ પ્રદેશ અને ચીનની સીમાએથા કૈલાસ દર્શન થઈ શકે તે આયોજન થઈ રહ્યું છે. આ શિખર ચીનની સીમામા આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી