કૈલાસનાથ મંદિર, કાંચી : પલ્લવશૈલીનું જાણીતું મંદિર. આ મંદિરનું અન્ય નામ ‘રાજસિંહેશ્ર્વગૃહમ્’ છે. પલ્લવ રાજા રાજસિંહે 700માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને તેના પુત્ર મહેન્દ્રવર્મા ત્રીજાએ પૂરું કરાવ્યું હતું. મુખ્ય મંદિર અને પ્રાકાર (કોટ) રાજસિંહે બંધાવેલાં; બાકીનો ભાગ તથા પ્રાંગણની આગળ આવેલું ગજપૃષ્ઠમંદિર મહેન્દ્રવર્માએ બંધાવેલાં. પલ્લવ શૈલીનાં સર્વ લક્ષણો (જેવાં કે, શંકુઘાટનું શિખર, સ્તંભાવલિ વડે વિભૂષિત મંડપ, શૃંગારચોકી અને મંદિરને આવૃત કાંગરા સહિતનો કોટ વગેરે) આ મંદિરમાં જોવા મળે છે. મંદિર પ્રાંગણની મધ્યમાં આવેલું છે. પ્રાંગણની દીવાલોની અંદરના ભાગમાં અનેક કક્ષોની રચના છે. કોટના કાંગરામાં કલશ(cupola)ના ઘાટનું વારંવાર પુનરાવર્તન જણાય છે; તેથી તેનો દેખાવ મનોહર લાગે છે. શિખરની ઊંચાઈ ક્રમશ: વધતી જણાય છે. ગોપુરમ્ અહીં પ્રાથમિક સ્વરૂપે જોવા મળે છે. પ્રદક્ષિણાપથમાં ચોમેર શિવ-પાર્વતીના ઊર્ધ્વ નૃત્યની જુદા જુદા મરોડવાળી મૂર્તિઓની હારમાળા આવેલી છે. મંદિરની સામેના પ્રાંગણમાં ભવ્ય નંદી પધરાવેલા છે. મંદિરના બાંધકામમાં ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરનો ઉપયોગ થયો છે.
થૉમસ પરમાર