કૈમુર જિલ્લો : ભારતના બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન : તે 24 54´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. અને 83 20´ પૂ. રે. થી 83 40´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી સરેરાશ 300થી 500 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તેની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્યના બકસર અને ગાઝાપુર જિલ્લા, દક્ષિણે ઝારખંડ રાજ્યનો ગરહવા જિલ્લો, પશ્ચિમે ઉત્તરપ્રદેશ રાજ્યના ચંધૈલી અને મિરજાપુર જિલ્લા જ્યારે પૂર્વમાં બિહાર રાજ્યનો રોહતાસ જિલ્લો સીમા રૂપે આવેલા છે.

ભૂપૃષ્ઠ – જળપરિવહન – વનસ્પતિ અને વન્યપ્રાણી : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ કૈમુર હારમાળાનું વિસ્તરણ છે. તે મેદાન અને ઉચ્ચપ્રદેશ જેવા બે વિભાગોમાં વહેંચાઈ જાય છે. આ કૈમુર ઉચ્ચપ્રદેશ રોહતાસ ઉચ્ચપ્રદેશ તરીકે પણ ઓળખાય છે. પશ્ચિમે આવેલા મેદાન જે કર્માન્સા અને દુર્ગાવતી નદીઓના કાંપ-માંટીના નિક્ષેપથી રચાયા છે. ઉચ્ચપ્રદેશીય વિભાગ ખડકાળ હોવાથી ઓછો ફળદ્રુપ છે.

કૈમુર ટેકરીઓમાંથી નીકળતી અને જિલ્લાની ઉત્તર અને પશ્ચિમ સરહદ રચતી કર્માન્સા અહીંની મુખ્ય નદી છે જે ઉત્તરપ્રદેશ અને બિહાર વચ્ચે સીમા રચે છે. આ નદી ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી વહે છે. કર્માન્સાની સહાયક નદી ગુરવાટ પણ કૈમુર ટેકરીઓમાંથી નીકળે છે. તે પ્રમાણમાં ઊંડી હોવા છતાં બારેમાસ પાણી રહેતું નથી. ધોબા નદી કૈમુરના ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે અને સસારામ નજીક તે બે શાખાઓમાં વહેંચાઈ જાય છે. જિલ્લાના પૂર્વભાગમાંથી વહેતી કુન્દ્રા નદી જે કર્માન્સાને મળે છે. આ નદી કૈમુર અને રોહતાસ જિલ્લામાંથી વહે છે. કૈમુરની ટેકરીઓમાંથી નીકળતી અને ઉત્તર તરફ વહેતી દુર્ગાવતી નદી પણ મુખ્ય નદી તરીકે ઓળખાય છે. આ સિવાય નાની નદીઓમાં ખોઈરા અને સોરા નદીઓ પણ વહે છે, જે દુર્ગાવતીની શાખા નદીઓ ગણાય છે. દુર્ગાવતી નદીમાં પાણી બારેમાસ રહે છે. આ સિવાય ધર્માવતી નદી પણ આ જિલ્લામાંથી વહે છે.

આ જિલ્લાના પશ્ચિમ ભાગો જંગલ-આચ્છાદિત છે. આ જંગલોમાં સીસમ, જાંબુ, સાગ, સાલ, મહુડા, પલાસ, સલાઈ, ખેર, ધવ, વાંસ અને સ્થાનિક વૃક્ષો પણ જોવા મળે છે. વન્ય પ્રાણીઓમાં વાઘ, દીપડો, રીંછ, જંગલી ભૂંડ, સાબર, હરણ, ચિત્તલ, નીલગાય વગેરે જોવા મળે છે. કૈમુર જિલ્લામાં આશરે 1,06,300 હેક્ટરમાં જંગલો છવાયેલાં છે. અહીં કૈમુર વન્ય અભયારણ્ય આવેલું છે. આ જંગલમાં કારકટ અને તેલહર જળધોધ પણ આવેલા છે.

અર્થતંત્ર : આ જિલ્લો આર્થિક દૃષ્ટિએ પછાત છે. અહીં વસવાટ કરતા ગ્રામવાસીઓ અને વનવાસી લોકોની આવકનો આધાર જંગલપેદાશો ઉપર રહેલો છે. જંગલમાંથી વાંસ, બળતણ માટેનું લાકડું, ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુંનાં પાન વગેરે મેળવીને આજીવિકા મેળવે છે. આ સિવાય ઘાસ, મધ, ફૂલ, વન્ય પ્રાણીઓની ખાલ વગેરે વેચીને રોજી-રોટી મેળવે છે.

નદીઓનાં કાંપ-માટીના નિક્ષેપથી રચાયેલી ફળદ્રૂપ જમીનમાં ખેતપ્રવૃત્તિને વિકસાવી છે. તેને આધારે ખેડૂતો ડાંગર, ઘઉં, મકાઈ, જેવા ધાન્ય પાકો; ચણા, તુવેર, મગ, અડદ, મસૂર જેવા કઠોળની ખેતી કરે છે. ઉપરાંત શેરડી, બટાટાની પણ ખેતી કરે છે. આ ખેતી વરસાદ ઉપર આધારિત છે. વધુ ખેતીકીય ઉત્પાદન મેળવવા સિંચાઈ અને ટ્યૂબવેલના પાણીનો ઉપયોગ કરે છે.

ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિને પણ પ્રાધાન્ય આપ્યું છે. બળદ, ગાય, ભેંસ, ઘેટાં-બકરાં અને પાલતુ ડુક્કર જે અહીંનું મુખ્ય પશુધન ગણાય છે. પશુઓ માટે જિલ્લાના સમાજવિકાસ ઘટકો ખાતે પશુદવાખાનાંની સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ જિલ્લામાં મોટા કોઈ ઔદ્યોગિક એકમ સ્થપાયા નથી. અહીં વનસ્પતિ ઓઇલ લિ., એ.સી.સી. લિ. અને પાવર ગ્રીડ કૉર્પોરેશન એકમો જોવા મળે છે. આ જિલ્લાને કેન્દ્ર સરકારે આર્થિક પછાત જિલ્લામાં સમાવેશ કર્યો  હોવાથી ‘Regions Grant Fund Programme’ અન્વયે રાહત મળે છે.

પરિવહન : આ જિલ્લાની માર્ગ-પરિવહન વ્યવસ્થા સારી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 19 (Grand Trunk Road – GT) મોહીના શહેર, પુસૌલી અને કુન્દ્રા થઈને પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 319 જે પાટનગર પટણાને સાંકળે છે. રાજ્યના ધોરી માર્ગો પણ અહીંથી પસાર થાય છે. આ જિલ્લાના પાટનગર ભાબુઆ ખાતે રેલવેસ્ટેશન આવેલું છે. રાજ્ય પરિવહન અને ખાનગી બસોની પણ સુવિધા ઉપલબ્ધ છે. ભાબુઆની નજીક લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જે વારાણસી ખાતે આવેલું છે.

વસ્તી : આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,362 ચો.કિમી. છે. વસ્તી (2025 મુજબ) 20,07,608 જેટલી છે. પુરુષોની વસ્તી 10,45,544 જ્યારે મહિલાઓની વસ્તી 9,62,064 છે. વસ્તીગીચતાદર ચો.કિમી.એ 488 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 919 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 71.01% છે. કુલ વસ્તીના આશરે 41% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે 22.69% અને 3.57% છે. અહીં બોલાતી ભાષા ભોજપુરી (90.55%), હિન્દી (7.11%), ઉર્દૂ (2.13%) જ્યારે અન્ય ભાષાની ટકાવારી 0.21% છે. આ જિલ્લાને વહીવટી સુગમતા ખાતર ભાબુઆ અને મોહિના એમ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જેમાં ભાબુઆ વિભાગમાં અધૌરા, ભાબુઆ, ભગવાનપુર, ચેનપુર, ચાંદ અને રામપુર તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે મોહિના વિભાગમાં દુર્ગાવતી, કુન્દ્રા, મોહિના, નુઓન અને રામગઢનો સમાવેશ થાય છે. આમ કુલ 11 તાલુકાઓ બને છે. જિલ્લામાં સ્થાનિક લોકો ભોજપુરી બોલી બોલે છે. જિલ્લામાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. તાલુકાક્ષેત્રે પુસ્તકાલયો, પ્રાથમિક સારવાર કેન્દ્રો પણ આવેલાં છે.

પ્રવાસન : અઘોરા, બૈદ્યનાથ, ભગવાનપુર, ચૈનપુર, ચારગોટિયા અને રામગઢ અહીંનાં જાણીતાં પ્રવાસયોગ્ય સ્થળો ગણાય છે. વારતહેવારે જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ મેળા ભરાય છે. (1) અઘોરા : ભાબુઆથી દક્ષિણે આશરે 58 કિમી. અંતરે કૈમુરના ઉચ્ચપ્રદેશ પર 600 મીટરની ઊંચાઈ પર આ સ્થળ આવેલું છે. ટેકરીઓ અને જંગલોવાળા આ ભાગમાં લોકો વન્ય પ્રાણીઓના શિકાર માટે જાય છે. (2) બૈદ્યનાથ : તે ભાબુઆ ઉપવિભાગના રામગઢ સમાજવિકાસ ઘટકથી દક્ષિણે આશરે 9 કિમી. અંતરે આવેલું છે. પ્રતિહારોના શાસન સમયનું એક શિવમંદિર અહીં આવેલું છે. અહીં કરવામાં આવેલા ઉત્ખનનમાંથી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા પ્રાચીન સિક્કા તથા અન્ય મૂલ્યવાન ચીજો મળી આવેલી છે. (3) ભગવાનપુર : ભાબુઆથી દક્ષિણે આશરે 11 કિમી. અંતરે ભગવાનપુરનું પ્રાચીન ઐતિહાસિક ગામ આવેલું છે. તે કુમાર ચંદ્રસેન શરણસિંહની ગાદીનું મથક હોવાનું કહેવાય છે. તે તક્ષશિલાના રાજા તેમજ પોરસનો વંશજ હોવાનો દાવો કરાય છે. શેહશાહે અહીંના રાજા શાલિવાહનની હત્યા કરેલી અને તેની માલમિલકત લઈ લીધેલી, પરંતુ અકબરના શાસનકાળ દરમિયાન આ સ્થળ તેના વારસે પાછું સોંપવામાં આવેલું. (4) ચૈનપુર : ભાબુઆથી પશ્ચિમે 11 કિમી. અંતરે સમાજ-વિકાસ-ઘટક ચૈનપુર આવેલું છે. અહીં શેરશાહના વખતનો તેના જમાઈ (?) બખ્તિયારખાનનો મકબરો આવેલો છે. અહીંનો કિલ્લો અકબરના વખતમાં બંધાયેલો. હિન્દુઓનું હર્ષુ બ્રહ્મનું પવિત્ર સ્થાન અહીંનું આકર્ષણનું કેન્દ્ર ગણાય છે. એમ કહેવાય છે કે તત્કાલીન રાજા શાલિવાહને રાણીની ચઢવણીથી કાન્યકુબ્જના રાજપુરોહિતના ઘરને તોડી પડાવેલું, તેથી રાજપુરોહિતે આત્મવિલોપન કરેલું. તેના દેહને અગ્નિસંસ્કાર માટે ત્યાંથી વારાણસી લઈ જવાયેલો, પરંતુ ત્યાંના સ્મશાનઘાટનાં પગથિયાં પર રાજપુરોહિતને લાકડાની ચાખડીઓ પહેરીને ઊભેલો લોકોએ જોયેલો. રાજપુરોહિત હર્ષુના પ્રેતાત્માએ પોતે બ્રહ્મ બન્યો છે અને તેના પ્રત્યે માયાળુ એક રાજકુંવરી સિવાય રાજાના આખાય કુટુંબને મરણનો શાપ આપ્યો છે એવું જણાવ્યું હોવાનું કહેવાય છે. (5) ચારગોટિયા : અઘોરા સમાજવિકાસ-ઘટકમાં આવેલું આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભર્યું ભર્યું છે. તેની મધ્યમાં જળધોધ આવેલો છે. (6) રામગઢ : આ ગામ ભાબુઆ ઉપવિભાગના ભગવાનપુર સમાજવિકાસ-ઘટકમાં આવેલું છે. ત્યાં 180 મીટરની ઊંચાઈવાળી એક ટેકરી પર આવેલું મુંડેશ્વરીનું મંદિર જોવાલાયક છે. 635ની સાલનો એક હિન્દુ અભિલેખ પણ અહીંથી મળેલો છે.

ઇતિહાસ : મૂળ રોહતાસ જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે. ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદી અને ઈ. સ.ની પાંચમી સદી વચ્ચેના ગાળા દરમિયાન મગધના મૌર્ય વંશના, તેની અગાઉના વંશના તથા ગુપ્ત વંશના શાસકોના શાસન હેઠળ આ વિસ્તાર રહેલો. લેહદા જંગલમાં આવેલી એક ગુફામાં ‘ભીંતચિત્રો’ મળી આવ્યાં છે. આ ચિત્રોનો સમયગાળો આશરે 20,000 વર્ષ પહેલાંનો અંદાજાય છે. બૈદ્યનાથ પાસે પાલા સ્થાપત્યોની જાણકારી 2012ના જૂન માસમાં થઈ હતી.

નીતિન કોઠારી