કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન)

January, 2008

કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન) : હિમાલય ગિરિમાળાનું માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સર્વોચ્ચ (8611 મીટર) શિખર. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની ઉત્તર તરફની સરહદ પરની કારાકોરમ પર્વતમાળામાં તે આવેલું છે. શ્રીનગરની ઉત્તરે તે 260 કિમી. પર છે. કારાકોરમ પર્વતમાળાના સર્વેક્ષણ દરમિયાન ઊંચાઈના સંદર્ભમાં બીજા ક્રમે ઊંચાઈ હોવાથી કે-2 નામ આપવામાં આવ્યું છે. 1856માં ભારતીય સર્વેક્ષણ વિભાગના કર્નલ ટી. જી. મૉન્ટગોમરી દ્વારા તેની શોધ કરવામાં આવી હતી તથા ઓગણીસમી સદીના વિખ્યાત અંગ્રેજ ભૂગોળવેત્તા કર્નલ એચ. એચ. ગૉડવિન ઑસ્ટિને (1834-1923) પ્રથમવાર તેનું સર્વેક્ષણ કર્યું હતું. તેથી આ શિખરને માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન નામથી પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક પ્રાદેશિક ભાષામાં તે દાસપાંગ તથા છોગોરી નામથી પણ ઓળખાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની વાસ્તવિક અંકુશરેખાની પશ્ચિમે પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશમાં તે આવેલું હોવા છતાં હકીકતમાં તે ભારતનો જ ભાગ છે.

કે-2 શિખર

તેના પર છાવણી કે પડાવ નાખવા પૂરતા સપાટ પ્રદેશનો પણ અભાવ હોવાથી તે સર કરવું લગભગ અશક્ય ગણાતું. વિશ્વના જુદા જુદા દેશોના પર્વતારોહકોએ તેના પર ચડવાના પાંચ વાર (1902, 1909, 1938, 1939, 1953) નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. છેવટે 31 જુલાઈ 1954ના રોજ ઇટાલિયન પર્વતારોહકોની એક ખાસ ટુકડીના બે પર્વતારોહકો – આર્ચિલ કૉમ્પનૉની તથા લિનો લેસેડેલી શિખરને સર કરવામાં સફળ નીવડ્યા હતા, જોકે ટુકડીના એક ધંધાદારી ભોમિયાએ જાન ગુમાવ્યો હતો. 1909માં ડ્યૂક ઑવ્ એબ્રુઝીએ કે-2ની આજુબાજુની હિમનદીઓનું સર્વેક્ષણ કરેલું. 1929માં અહીંથી નીકળતી બાલ્ટોરો હિમનદી(લંબાઈ 57 કિમી; વિશ્વની સૌથી લાંબી હિમનદી)નો સર્વપ્રથમ નકશો તૈયાર કરાયો. આ હિમનદીની ખોજ કરવાનો યશ ગૉડવિન ઑસ્ટિનને ફાળે જાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે