કેટેલ રેમન્ડ બર્નાર્ડ

January, 2008

કેટેલ, રેમન્ડ બર્નાર્ડ (જ. 20 માર્ચ 1905, સ્ટૅફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1998) : મનોવિજ્ઞાનના વિષયમાં વ્યક્તિત્વ વિશે સંશોધન કરી તેમાં મહત્ત્વનું પ્રદાન કરનાર આંગ્લ મનોવિજ્ઞાની. તેમના સંશોધનકાર્યમાં તેમણે સંખ્યાત્મક પદ્ધતિ (quantitative methods) તેમજ ઘટક વિશ્લેષણ(factor analysis)નો ઉપયોગ કર્યો છે.

લંડન યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. મેળવીને 1929માં તેમણે મનોવિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવી. 1928થી 1937 સુધી પ્રથમ એક્સિટર તથા પછી લેસ્ટર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું.

વ્યક્તિત્વ વિશેના મૌલિક પ્રદાન બદલ લંડન યુનિવર્સિટી તરફથી તેમને 1937માં ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવી એનાયત કરવામાં આવી. ત્યારબાદ તેમણે અમેરિકાની કોલંબિયા તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય આગળ ધપાવ્યું.

રેમન્ડ બર્નાર્ડ કેટેલ

1944માં તે ઇલિનૉય યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તેમજ તે સાથે વ્યક્તિત્વ અને સામૂહિક વર્તન સંશોધન પ્રયોગશાળાના અધ્યક્ષસ્થાને રહ્યા. ઉપરાંત 1973 સુધી તે હવાઈ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1953માં તેમને ન્યૂયૉર્ક એકૅડેમી ઑવ્ સાયન્સ તરફથી સંશોધકના મનોવિજ્ઞાન ઉપરના કાર્ય (work on psychology of researcher) માટે વેનર ગ્રેન પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. 1960માં સોસાયટી ફૉર મલ્ટિવેરિયેટ ઍક્સપેરિમેન્ટલ સાઇકૉલૉજીની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો તેમજ તેના પ્રથમ પ્રમુખ તરીકે કામગીરી બજાવી.

તેમણે વ્યક્તિત્વના ક્ષેત્રે કરેલા કાર્યને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ તેમણે ‘ડિસ્ક્રિપ્શન ઍન્ડ મેઝરમેન્ટ ઑવ્ પર્સનાલિટી’ (1946) લખ્યું. એમાં તેમણે વ્યક્તિત્વનું વર્ણનાત્મક ર્દષ્ટિબિંદુ દર્શાવ્યું. બીજા તબક્કામાં ‘પર્સનાલિટી – એ સિસ્ટમૅટિક થિયૉરેટિકલ ઍન્ડ ફૅક્ચ્યુઅલ સ્ટડી’ (1950) લખ્યું. આગળ જે લખ્યું હતું તેને એકત્રિત કરીને આ પુસ્તકમાં વ્યક્તિત્વ અંગેની મહત્વની બાબતોનો નિર્દેશ કર્યો. ત્રીજા તબક્કામાં તેમણે ‘પર્સનાલિટી ઍન્ડ મોટિવેશન સ્ટ્રક્ચર ઍન્ડ મેઝરમેન્ટ’(1957)માં વ્યક્તિત્વ અંગેના પોતાના સિદ્ધાંતોનું સંપૂર્ણ અને વિગતે આલેખન કર્યું. તેમણે સ્પિયરમૅને શરૂ કરેલા કાર્યનો અને થર્સ્ટને વિકસાવેલી પદ્ધતિનો સઘન ઉપયોગ કર્યો. આ સંદર્ભમાં તેમણે ‘ટ્રેટ થિયરી ઑવ્ પર્સનાલિટી’ના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેમના મંતવ્ય પ્રમાણે વ્યક્તિત્વનો અભ્યાસ સમષ્ટિવાદી ર્દષ્ટિબિંદુથી નહિ પણ અણુવાદી ર્દષ્ટિબિંદુથી કરવો જોઈએ.

તેમની પોતાની 40 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે આશ્ચર્ય ઉપજાવે એટલાં પુસ્તકો, વ્યાપ્તિલેખો (monographs) અને લેખો લખ્યાં છે. તે સર્વે આજે પણ વ્યક્તિત્વસંશોધન અને મનોમાપનના ક્ષેત્રે અગત્ય ધરાવે છે. એટલું જ નહિ પણ પ્રાયોગિક મનોવિજ્ઞાનના રૂઢિગત ક્ષેત્રે, સમાજલક્ષી મનોવિજ્ઞાન અને માનવજનીનશાસ્ત્ર-(human genetics)ના અગત્યના પ્રશ્નો(topics)ને સ્પર્શે છે. આ ઉપરાંત તેમણે બુદ્ધિમત્તા (intelligence), વ્યક્તિત્વ અને ચિકિત્સા (clinical) અંગે ડઝન જેટલી કસોટીઓની રચના કરી છે, જે જુદી જુદી ભાષામાં રૂપાંતર પામીને બહોળા ઉપયોગમાં લેવાય છે.

કેટેલના કાર્યક્ષેત્ર અને રસનો વિકાસલક્ષી ખ્યાલ ‘પર્સનાલિટી ઍન્ડ સોશિયલ સાઇકૉલૉજી’ (1964) નામના પુસ્તકમાં રજૂ થયો છે.

હરકાન્ત બદામી