કે, ડેની (જ. 18 જાન્યુઆરી 1911, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 3 માર્ચ 1987, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્મિયા, યુ. એસ.) : અમેરિકાનો વિખ્યાત હાસ્ય-અભિનેતા. મૂળ નામ ડૅનિયલ ડેવિડ કોમિન્સ્કી. ડૉક્ટર બનવા માગતા આ કલાકારે રંગમંચથી વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. કૅટસ્કિલ્સના પર્યટનધામ ખાતે હાસ્ય-અભિનયની તાલીમ લીધી. 1943માં ‘અપ ઇન આર્મ્સ’ ચલચિત્રમાં પ્રથમ અભિનય. 1944માં ‘વન્ડરમૅન’ ચલચિત્ર દ્વારા અભિનેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. 1946માં નિર્મિત ‘સિક્રેટ લાઇફ ઑવ્ વાલ્ટર મિટ્ટી’ ચલચિત્રને વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા મળી. તે પછી ‘ધી ઇન્સ્પેક્ટર જનરલ’ (1950), ‘હાન્સ ક્રિશ્ચન ઍન્ડરસન’ (1952), ‘નૉક ઑન વુડ’ (1954), ‘ધ કોર્ટ જેસ્ટર’ (1956), ‘મૅરી ઍન્ડ્રૂ (1958), ‘ધ ફાઇવ પેનીઝ’ (1959), ‘ધ મૅન ફ્રૉમ ધ ડાઇનર્સ ક્લબ’ (1963) અને ‘ધ મૅડવુમન ઑવ્ ચેઇલોટ’(1969)માં અભિનય કર્યો. 1955માં એમને માનદ ઑસ્કારથી નવાજવામાં આવ્યા.

ડેની કે

હાસ્ય-કલાકારની તાલીમ દરમિયાન સિલ્વિયા ફાઇન સાથે મુલાકાત થતાં તેની સાથે લગ્ન કર્યાં. તેમની કલાકાર તરીકેની કારકિર્દીમાં આ સંબંધે અગત્યનો ભાગ ભજવ્યો છે.

યુનિસેફ સંસ્થાનાં વિશ્વવ્યાપી સેવાકાર્યોમાં તે સતત સક્રિય રહ્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે