કે.જી.બી. : ભૂતપૂર્વ સોવિયેટ સંઘની રાષ્ટ્રીય સુરક્ષાસમિતિ. રશિયન ભાષામાં તેનું પૂર્ણરૂપ ‘Komitet Gosudarstvennoy Bezopasnosti’ છે. અંગ્રેજી ભાષામાં તેનો અર્થ ‘કમિટી ઑવ્ સ્ટેટ સિક્યુરિટી’ થાય છે. સ્થાપના 1954. સોવિયેટ સંઘના NKVD તથા MGB જેવાં અન્ય પોલીસ-સંગઠનોની સરખામણીમાં તે વધુ લાંબા સમય સુધી ટકી શક્યું. સોવિયેટ સંઘના સત્તામાળખાના શ્રેણીબદ્ધ શાસનતંત્રમાં લશ્કર પછી તેનો જ ક્રમ હતો એવું કેટલાક રાજકીય નિરીક્ષકોનું માનવું છે. તેના કાર્યક્ષેત્રમાં આંતરિક સુરક્ષાવ્યવસ્થા ઉપરાંત જાસૂસી અને પ્રતિજાસૂસી, સરહદ પરની લશ્કરી ટુકડીઓનું પર્યવેક્ષણ, દેશના રાજકીય નેતાઓનો સુરક્ષાપ્રબંધ, સુરક્ષાના નિયમોનો અમલ વગેરે આવરી લેવાતાં હતાં.
સ્ટાલિનના શાસનકાળ (1927-53) દરમિયાન આંતરિક સુરક્ષાપ્રબંધ આ સંગઠનનું મુખ્ય કાર્ય હતું, પરંતુ તે પછી જાસૂસી અને પ્રતિજાસૂસી પર વધુ ભાર મૂકવામાં આવ્યો. દેશના તથા વિદેશના મહત્વના નેતાઓ અને અન્ય લોકો વિશે માહિતીદર્શક દસ્તાવેજો (dossiers) કે.જી.બી. તૈયાર કરતું એમ કહેવાય છે. રાજકીય રીતે લોકોને ભયભીત કરવામાં તથા કેટલાક કિસ્સામાં તેમને ખતમ કરવામાં કે.જી.બી.એ મહત્વની ભૂમિકા ભજવી છે. દેશના સત્તાસ્થાને બિરાજેલી મોટામાં મોટી વ્યક્તિઓ પણ તેનાથી ગભરાતી હતી.
1964 પછી આ સંગઠને તેના એજન્ટોની સિદ્ધિઓને જાહેરમાં સ્વીકારવાની પ્રણાલિકા શરૂ કરી. દા.ત., બીજા વિશ્વયુદ્ધ (1934-45) દરમિયાન જાપાનના લશ્કરી શાસકોએ જેને ફાંસીના માંચડે ચડાવ્યો તે રિખાર્ટ ઝોર્જ આ સંગઠનનો સૌથી કુશળ જાસૂસ હતો. સોવિયેટ શાસકોએ તેને ‘હીરો ઑવ્ ધ સોવિયેટ યુનિયન’નો મરણોત્તર ખિતાબ એનાયત કર્યો હતો. તે પહેલાં વિદેશમાં જાસૂસી કરવાની વાત સદંતર નકારી કાઢવામાં આવતી હતી.
1991માં સોવિયેટ સંઘમાં જે રાજકીય ઊથલપાથલ થઈ તેના પરિણામરૂપે આ સંગઠન વિખેરી નાખવામાં આવ્યું છે. દેશની આમ- જનતામાં આ સંગઠન અત્યંત ઘૃણાસ્પદ બન્યું હતું અને તેથી જ સોવિયેટ સંઘના વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ તેના થોડાક કલાકોમાં જ લોકોએ આ સંગઠનના સ્થાપક ડિર્ઝેન્સ્કીના મૉસ્કો ખાતેના બાવલાને તોડી નાખ્યું હતું.
હસમુખ પટેલ
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે