કે. ઓમનક્કુટ્ટિ અમ્મા ડૉ. (જ. 24 મે 1943, કેરલમ્) : ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીતનાં જાણીતા કલાકાર.
માતાનું નામ કમલાક્ષી અને પિતાનું નામ મલબાર ગોપાલન. માતા અને પિતા બંને સંગીતકાર હતાં તેથી તેમણે દીકરીને સંગીતની પ્રારંભિક તાલીમ આપી. ત્યારબાદ એમણે સમર્થ ગુરુઓ – સેમ્મનગુડી શ્રીનિવાસ અય્યર અને જી. એન. બાલાસુબ્રમણ્યમ્ પાસેથી સઘન તાલીમ પ્રાપ્ત કરી. ઓમનક્કુટિએ વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને કેરાલા યુનિવર્સિટીમાંથી ઝુઓલૉજીમાં સ્નાતક થયાં. સાંગીતિક સંસ્કારે એમને ‘ગાન પ્રવીણ’ કોર્સ કરવા પ્રેર્યાં અને તેમણે થિરૂવનંથપુરમની ‘સ્વાથિ થિરૂમલ કૉલેજ ઑફ મ્યુઝિક’માં પ્રવેશ લીધો – જ્યાં તેમને વાત્સલ્યપૂર્ણ પાયાનું સંગીતશિક્ષણ મળ્યું. કેરાલા યુનિવર્સિટી અને કાલીકટ યુનિવર્સિટીમાં ઓમનક્કુટ્ટિએ છત્રીસ વર્ષ સુધી સંગીતવિભાગમાં અધ્યાપન કાર્ય કર્યું. આ સુદીર્ઘ કારકિર્દી દરમિયાન એમણે અનેક છાત્રોને કેળવ્યા અને પ્રોત્સાહિત કર્યા. તેઓએ કેરાલા યુનિવર્સિટીમાં સંગીત વિભાગની સ્થાપના કરી હતી. તેઓ દક્ષિણ ભારતીય શાસ્ત્રીય કર્ણાટકી કંઠ્ય સંગીતનાં કલાકાર તો છેજ – સાથે સાથે સંગીત શિક્ષણ, સંગીત નિયોજન અને સંગીતપ્રસ્તુતિમાં પણ માહિર છે. તેમનો પીએચ.ડી.નો વિષય હતો ‘કેરલામાં કથક સંગીતનો ઉદભવ અને વિકાસ (ઉત્ક્રાંતિ)’ થિરૂવંથપુરમમાં તેમણે ‘સંગીત ભારતી’ નામની સંસ્થા સ્થાપી છે જેમાં સંગીતશિક્ષણ, સંશોધન, યુવાવર્ગ માટે પ્રેરણા અને કૌશલ્ય ઉપર ધ્યાન રાખવામાં આવે છે.
આ ઉપરાંત ડૉ. કે. ઓમનક્કુટ્ટિ અમ્માએ ‘સંગીત થકી સારવાર’નું બીડું ઝડપ્યું અને કેરલમના કટ્ટકડ ગામે પંકજ કસ્તૂરી આયુર્વેદિક કૉલેજમાં તેઓ મ્યુઝિક થૅરપીનો વિભાગ સુપેરે ચલાવે છે અને એક વરિષ્ઠ પ્રાધ્યાપક તરીકે તેમાં જોડાયેલાં છે. તેમનાં નોંધપાત્ર શિષ્યો – કે. એસ. ચિત્રા, બી. અરુંધતી, કે. એસ. હરિશંકર ઇત્યાદિએ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરી છે. પ્રથમ હરોળનાં આ કુશળ કલાકાર આકાશવાણીનાં પ્રથમ ‘એ ગ્રેડ’ મહિલા કલાકાર છે. કેરલમના વારસા સમાન ગીત-સંગીતને જીવંત રાખવા પ્રયત્નશીલ એવા આ સંગીતસાધક કલાકારે એક સંગીત શૃંખલા – ‘નામે ગણકૈરાલી’ને ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. એમાં મહારાજા સ્વાથિ થિરૂનલ, ઇરયિમ્મન થમ્પી, કેશવ પિલ્લઈ અને કવિ કુટ્ટમથ જેવા મલિયાળી ભાષાના કવિ-ગાયકોનાં સાહિત્યસંગ્રહને ગૌરવપૂર્ણ રીતે સાચવી તેને પુનઃજીવન બક્ષ્યું છે. તેના સતત પ્રયોગો થકી તેઓ લોકજાગૃતિ પણ લાવી શક્યા છે. આ વિરાસતને તેઓ શિષ્યો અને રસિકો વચ્ચે વહેંચીને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે. આ વિનમ્ર કલાકારને નામે ત્રણસોથી વધુ સંગીત સભાઓ (કૉન્સર્ટ) ગુંજન કરે છે. સંગીતસૂરિઓની ‘સ્વાથિ પંચરત્નમ્’ને સંગીત પ્રવીણ ત્યાગરાજની કૃતિઓ સાથે ભાવકો સરખાવે છે એટલી એ લોકપ્રિય થઈ છે.
અમ્માજી સહિત એમની ત્રણ પેઢીઓ આજે સંગીતક્ષેત્રે વ્યસ્ત છે. કર્ણાટક સંગીતની ખાસિયત સમાં વાદ્યો – મૃદંગમ્, ઘટમ્ સાથે નાદમ્, તાલમ્, પલ્લવી દ્વારા તેઓ આલાપ-તાન સાથે તિલ્લાના (તરાના) રજૂ કરે છે ત્યારે તેમના પાતળા, શુદ્ધ, પ્રભાવી અને પડઘાદાર સ્વરોનું સામ્રાજ્ય છવાઈ જાય છે. કર્ણાટકી રાગો ઉપર તેમની ગજબની પકડ છે. તેમને મળેલાં અનેક માન-સન્માનમાં સામેલ છે : કેરાલા સંગીત નાટક અકાદમીએ આપેલા બે ઍવૉર્ડ, સુબ્બુલક્ષ્મી ઍવૉર્ડ, સ્વાથિ સંગીત પુરસ્કારમ્ અને સિત્તેર વર્ષની સાધનાના આવિષ્કાર રૂપે મળેલ ભારત સરકારનો પદ્મશ્રી ઍવૉર્ડ.
સુધા ભટ્ટ
