કેસિયા પ્રજાતિ : વર્ગ દ્વિદળીની શ્રેણી કેલીસીફ્લોરીના કુળ સીઝાલપીનીની એક પ્રજાતિ.
Gassi fistula (ગરમાળો) ગુજરાતમાં સર્વત્ર જોવા મળે છે. તેનાં પાન મોટાં હોય છે, પાન શિયાળામાં ગરી જાય છે, પછી આખું ઝાડ પીળાં લટકતાં ફૂલથી છવાઈ જાય છે. ફૂલ પછી લાંબી પાઇપ જેવી શિંગો આવે છે. આ શિંગોનો ગર ગરમાળાના ગોળ તરીકે જાણીતી આયુર્વેદિક દવા તરીકે વપરાય છે. એનાં ઝાડ મધ્યમ કદનાં થાય છે.
ગુજરાતમાં કૅસિયાની 20 જાતો મળે છે. તેની વિવિધ જાતોમાં આયુર્વેદિક ઔષધિમાં વપરાતી ચિમેડ (C. absus L), આવળ (C. auriculata L), ઉત્તર ગુજરાતની કેશણી આગળ મળતો હોલિયો (C. holosericea Fresen), મીંઢીઆવળ (C. angusti folia Vahl. માણસા-પિલવાઈ પાસે મળતો ઢોલિયો (C. Kleinii W & A), આહવા-ડાંગમાં ફાલતો લાજિયો (C. leschanaultiana Wall), સાબીર અને માલેગાંવનાં જંગલોમાં મળતો ધોળિયો (C. mimosoides L), જૂનાગઢ અને બરડા પર મળતી મોટી આવળ (C. montana Heyne), પુંવાડિયો (C. obtusifolia L), કાસુંદરી કે સુંદરો (C. occidentalis L), બેડી ચિમેડ (C. pumila Lam.) અને કુંવાડિયો (C. tora L.) અને સોનામુખી (C. angustifolia Vahl) પ્રખ્યાત છે.
બગીચામાં ઉગાડાતાં ઝૂમખાંમાં પીળાં ફૂલો આવતાં C. grandis L., ગુલાબી રંગનાં C. javanica L., સફેદ રંગનાં પણ ગુલાબી ઝાંયવાળાં C. nodosa–Ham, આખી ડાળી ઉપર ગુલાબી ફૂલો આવતાં C. renigera Wall, નારંગી લાલ ફૂલોવાળો C. roxburghii, ઝડપથી વધતું વૃક્ષ તે C. siamea-Lamk, પીળા અને આછા પીળા રંગોનાં ફૂલો ધરાવતા C. alata અને C. tomentosa. શોભાનાં વૃક્ષો રસ્તા પર છાંયો આપે છે. તેમાં C. siamea લીલુંછમ, ઘટાદાર બારે માસ ફૂલો ધરાવતું શોભે છે. C. marginata Roxbનાં ઘેરાં લાલ ફૂલોવાળાં વૃક્ષો અમદાવાદના દિલ્હી દરવાજા બહાર ધ્યાન ખેંચે છે. પીળા રતાશ પડતા સફેદ લીટીઓવાળા C. glauca સુંદર લાગે છે.
મ. ઝ. શાહ