કેશોદ : જૂનાગઢ જિલ્લાનો તાલુકો અને તેનું મુખ્ય મથક. સાબલી નદીની શાખા તિલોરી નદીના તટે તે 21o 18′ ઉ. અ. અને 70o 15′ પૂ. રે. વચ્ચે આવેલ છે. તાલુકાનું ક્ષેત્રફળ 556.6 ચોકિમી. છે. તે અમદાવાદથી 363 કિમી. દૂર છે.
તેની આબોહવા ખુશનુમા રહે છે. ચોમાસામાં સરેરાશ 750 મિમી. વરસાદ પડે છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન 12oથી 38o સે. રહે છે. જૂનાગઢ જિલ્લામાં હવામાન સંબંધી કુલ ત્રણ કેન્દ્રો છે, જેમાંનું એક કેન્દ્ર કેશોદ છે. તાલુકાની જમીન ફળદ્રુપ કાંપવાળી છે તેથી ઘઉં અને બાજરી જેવા ખાદ્ય પાક તથા મગફળી અને કપાસ જેવા રોકડિયા પાક ખૂબ થાય છે. ફળફળાદિમાં કેરી, કેળાં અને ચીકુ મોટા પ્રમાણમાં થાય છે. તેથી તે ઘઉં, મગફળી અને કપાસનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર છે.
ઔદ્યોગિક ર્દષ્ટિએ તેનો વિકાસ થયો નથી. ત્યાં યંત્રસાળો ઉપરાંત ઑઇલ એન્જિનનાં કારખાનાં, તેલમિલો અને લાકડાની લાતીઓ છે. તેલમિલો ઉપરાંત જિન અને પ્રેસ તેમજ સિમેન્ટનાં ટાઇલ્સ અને પાઇપો બનાવવાની ફૅક્ટરી પણ છે.
તે તમામ પ્રકારના વાહનવ્યવહારનું મુખ્ય મથક છે. પશ્ચિમ વિભાગનું રાજકોટ-વેરાવળ મીટરગેજ લાઇનનું તે સ્ટેશન છે. જૂનાગઢ-વેરાવળ સાથે તે ધોરી રાજ્યમાર્ગથી જોડાયેલ છે. અહીંથી 31, 96 અને 97 નંબરના રાજ્યધોરી માર્ગ પસાર થાય છે. હવાઈ વાહનવ્યવહાર દ્વારા તે મુંબઈ, અમદાવાદ અને પોરબંદર સાથે જોડાયેલ છે.
તાલુકાનું મુખ્ય મથક હોઈ મામલતદાર ઑફિસ, પોસ્ટ ઑફિસ, ટેલિફોન એક્સ્ચેંજ, પોલીસ સ્ટેશન, નગરપંચાયતની કચેરી અને તાલુકા પંચાયતની કચેરી વગેરે સરકારી કચેરીઓ અહીં આવેલી છે. તે એક મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે. આર્ટ્સ-કૉમર્સ કૉલેજ, આરોગ્ય-વિષયક પ્રાથમિક આરોગ્યકેન્દ્ર અને પ્રસૂતિગૃહ તેમજ તાલુકાથી 3 કિમી. દૂર 100 પથારીઓવાળી ક્ષયરોગ માટેની હૉસ્પિટલ છે. ધાર્મિક ર્દષ્ટિએ પણ તેની અગત્ય વધુ છે. ત્યાં નીલકંઠ મહાદેવ અને વાઘેશ્વરી માતાનાં મંદિરો આવેલાં છે. જૈન, સોની અને બ્રાહ્મણોમાં સારસ્વત અને અબોટી બ્રાહ્મણો વસે છે. જિલ્લાની કુલ શહેરી વસ્તીના 4.03% લોકો ત્યાં વસવાટ કરે છે. 2011 મુજબ તાલુકાની વસ્તી 2.25 લાખ જેટલી છે. શહેરની વસ્તી 76,000 જેટલી છે. તાલુકામાં ગામોની સંખ્યા 54 છે. અહીં બૅંકોની સુવિધા ઉપલબ્ધ છે.
હેમા ઢાલગરા