કેશિરાજ (1260 આશરે) : કન્નડ કવિ, વ્યાકરણશાસ્ત્રી અને કન્નડ ભાષાના પ્રથમ વ્યાકરણકાર. મહાકાવ્યની રચનામાં 18 પ્રકારનાં વર્ણનોથી સભર કાવ્યસંકલન ધરાવતી જૂની કન્નડ કવિતાના આદ્ય કાવ્યસંગ્રહ ‘સુક્તિસુધાર્ણવ’ના રચયિતા યોગીપ્રવર ચિદાનંદ મલ્લિકાર્જુન તેમના પિતા હતા. કેશિરાજ ‘કેશવ’ અને ‘ચન્નકેશવ’ નામથી પણ ઓળખાતા હતા.

મલ્લિકાર્જુનને હોયસળ રાજા સોમેશ્વર(1233-1254)નો આશ્રય મળેલો અને તેમણે તેમના આશ્રિતોને પ્રકાશમાં લાવવા ‘સૂક્તિસુધાર્ણવ’ ગ્રંથની રચના કરેલી. કેશિરાજને પણ સોમેશ્વર કે તેમના વારસ નરસિંહ ત્રીજા(1254-1292)નો આશ્રય મળેલો. કેશિરાજે કન્નડ ભાષાના વ્યાકરણ પર ‘શબ્દમણિદર્પણમ્’ નામક ગ્રંથની રચના કરી. તે ગ્રંથને અંતે તેમણે ‘ચોલપાલકાચરિતમ્’; ‘ચિત્રમાલા’; ‘સુભદ્રાહરણમ્’; ‘પ્રબોધચંદ્રમ્’ અને ‘કિરાતમ્’ની રચના કર્યાનો નિર્દેશ કર્યો છે; પરંતુ તેમાંની કોઈ કૃતિ અત્યારસુધી ઉપલબ્ધ બની નથી.

કેશિરાજની કૃતિ ‘શબ્દમણિદર્પણમ્’ કન્નડ વ્યાકરણક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં તેઓ નાગવર્માની કૃતિ ‘શબ્દસ્મૃતિ’ને તેનાં સૂત્રો અને ઉદાહરણો આપવાની બાબતમાં ખૂબ ધ્યાનપૂર્વક અનુસર્યા છે. આ અનન્ય કન્નડ ગ્રંથના તાજેતરના અભ્યાસ પરથી જણાયું છે કે કેશિરાજ સંસ્કૃતમાં કાતન્ત્ર વ્યાકરણના અત્યંત ઋણી છે. તેમની આ કૃતિ આઠ પ્રકરણમાં વહેંચાયેલી છે : સંધિ, નામ, સમાસ, તદ્ધિત, ક્રિયાપદ, ધાતુ, અપભ્રંશ અને અવ્યય. પ્રથમ પ્રકરણમાં પ્રસ્તાવના અને વર્ણમાળાનો સમાવેશ કરાયો છે.

કેશિરાજ નાગવર્મા બીજાની જેમ ‘કાંડપદ્ય’માં વ્યાખ્યા (સૂત્ર) આપે છે. પછી વૃત્તિમાં સમજૂતી આપે છે અને અનેક કન્નડ ગ્રંથોમાંથી ઉદાહરણો ટાંકે છે તે કારણે તેમની શૈલી નોંધપાત્ર બને છે. આમ ‘શબ્દમણિદર્પણમ્’ કન્નડમાં વ્યાકરણ અંગે સંપૂર્ણ પ્રમાણભૂત કૃતિ ગણાય છે.

તેઓ પંડિત પરિવારના હતા. જન્મે વ્યાકરણાચાર્ય હતા. તેમણે ટાંકેલાં ઉદાહરણો એટલાં પસંદગીપૂર્વકનાં હતાં કે કોઈ પણ તેમનો નવતર આસ્વાદ અને તેમની કાવ્યોચિત સૂક્ષ્મર્દષ્ટિ માણી-પ્રમાણી શકે. તેઓ પૂર્ણ રૂપે કવિ હતા અને તે તેમણે ‘कविः केशवोडहम् !’ કહીને સ્વીકાર્યું છે. મધ્યકાલીન કન્નડના વર્ણનાત્મક વ્યાકરણ તરીકે તેનું મૂલ્ય છે. વ્યાકરણને લગતા મુદ્દાઓ સંબંધમાં તેમનાં કેટલાંક વર્ણનો અને સમજૂતીઓ ભાષાશાસ્ત્રીઓની અદ્યતન વિભાવના સાથે સામ્ય ધરાવે છે. આમ તેમનું વ્યાકરણ આજે પણ પ્રસ્તુત લાગે છે. તે કૃતિ જૂની કન્નડના વ્યાકરણની સાથોસાથ કન્નડ કવિઓની વિવિધ કૃતિઓમાંથી ચૂંટેલાં પ્રચુર અવતરણોનો સોનેરી ખજાનો પણ છે. તે રીતે તે અધ્યયન અને સંશોધનક્ષેત્રે અમૂલ્ય ગ્રંથ છે.

આ માટે તેમને ‘કર્ણાટકલક્ષણશિક્ષણાચાર્ય’ તથા ‘યાદવ કટકાચાર્ય’ની ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી.

એચ. એસ. પાર્વતી

બળદેવભાઈ કનીજિયા