કેશવદાસ (જ. ઈ. સ. 1561; અ. 1617) : હિંદી સાહિત્યના ભક્તિકાલના પ્રમુખ આચાર્ય. કેશવદાસકૃત કવિપ્રિયા, રામચંદ્રિકા અને વિજ્ઞાનગીતામાં પોતાના વંશ અને પરિવારનો વિગતવાર પરિચય આપ્યો છે. એમાં એમના વંશના મૂળ પુરુષનું નામ વેદ- વ્યાસ જણાવેલું છે. તેમનો પારિવારિક વ્યવસાય પુરાણીનો હતો. તેઓ ભારદ્વાજ ગોત્રની માર્દની શાખાના યજુર્વેદી બ્રાહ્મણ હતા. સાંપ્રદાયિક રીતે તેઓ નિંબાર્ક સંપ્રદાયમાં દીક્ષિત હતા. ઓરછાના મહારાજ ઇંદ્રજિતસિંહ તેમના મુખ્ય આશ્રયદાતા હતા અને આ ઓરછાનરેશે તેમને 21 ગામો દાન કર્યાં હતાં. વીરસિંહદેવનો આશ્રય પણ તેમને પ્રાપ્ત થયો હતો. તત્કાલીન જે-જે વિશિષ્ટ વ્યક્તિઓનો એમને ઘનિષ્ઠ પરિચય હતો તેમાં શહેનશાહ અકબર, બીરબલ, ટોડરમલ અને ઉદયપુરના રાણા અમરસિંહ મુખ્ય હતા. તુલસીદાસજી સાથે એમનો મેળાપ મહારાજા ઇંદ્રજિત સાથે કાશીની યાત્રા દરમિયાન થયો હતો. પોતે ઉચ્ચકોટિના રસિક જીવ હતા છતાં ધર્મકાર્યોમાં પૂર્ણપણે આસ્તિક પણ હતા. તેઓ વાણીવ્યવહારમાં કુશળ, ચતુર અને વિનોદી વૃત્તિના હતા.
પોતાના પાંડિત્ય પર ગર્વ ‘ધરાવતા આચાર્ય નીતિ-નિપુણ, નિર્ભીક અને સ્પષ્ટવાદી હોઈને તેમની પ્રતિભા સર્વતોમુખી પ્રસરેલી હતી. સાહિત્ય અને સંગીત, ધર્મશાસ્ત્ર અને રાજનીતિ, જ્યોતિષ અને વૈદક – આ બધા વિષયોમાં એમની ગતિ તલસ્પર્શી રહી હતી.
કેશવદાસની પ્રાપ્ય કૃતિઓમાં રસિકપ્રિયા(1591)માં નાયિકાભેદ અને રસનું નિરૂપણ છે. એમાં ‘પ્રિયજૂ’ અને ‘પ્રિયાજૂ’ની પ્રશસ્તિ વર્ણિત છે. ‘કવિપ્રિયા’ (1601) એ કવિ-શિક્ષણનો ગ્રંથ છે. એમાં શાસ્ત્રપ્રવાહ, જનપ્રવાહ અને વિદેશી સાહિત્ય – આ ત્રણેય પ્રવાહોનો સંગમ થયો છે. રામચંદ્રિકા(1601)માં રામકથા વર્ણિત છે, જ્યારે વીરચરિત્ર(1606)માં ઓરધાનરેશ વીરસિંહદેવનું ચરિત અપાયું છે. વિજ્ઞાનગીતા (1610) સંસ્કૃત નાટક ‘પ્રબોધ ચંદ્રોદય’ને આધારે લખાયેલ કૃતિ છે.
જહાંગીરજસચંદ્રિકા(1612)માં જહાંગીરના દરબારનું વર્ણન મુખ્ય છે. કેશવદાસની આ ઉપરાંત રતનબાવની અને છંદમાલા નામની બે રચનાઓ પણ મળે છે.
કેશવદાસે લક્ષણ અને લક્ષ્ય એમ બંને પ્રકારની રચનાઓ કરી છે. ‘રસિકપ્રિયા’, ‘કવિપ્રિયા’ અને ‘છંદમાલા’ એ ત્રણ લક્ષણ-ગ્રંથો પ્રખ્યાત છે. આ કૃતિઓ સંસ્કૃતના બહુપ્રચલિત ગ્રંથોની છાયા ધરાવે છે, પરંતુ એમાં એની સાથે કામતંત્રની કેટલીક બાબતો જોડી દીધી છે. કવિપ્રિયામાં કાવ્યની શોભા વધારવા અંગેની સામગ્રી પણ ઉમેરાઈ છે. છંદમાલા તો અક્ષરમેળ અને માત્રામેળના બે ભાગ ધરાવતો પિંગળ ગ્રંથ જ છે. એમના લક્ષ્ય-ગ્રંથોમાં ખાસ એકાગ્રતા વરતાતી નથી. ભાષા પરત્વે બુંદેલી બોલીની પ્રભાવવાળી વ્રજભાષા પ્રયોજાઈ છે. સંસ્કૃત શબ્દોના બાહુલ્યને લઈને ભાષા ભારેખમ બની છે. અલબત્ત ‘રસિકપ્રિયા’ની ભાષા અપવાદરૂપ છે. એમાં પ્રયોજાયેલી હિંદી સશક્ત, સમર્થ અને પ્રાંજલ સ્વરૂપની છે. સંસ્કૃતની શાસ્ત્રીય પદ્ધતિને હિંદીમાં પ્રચલિત કરવાને લઈને કેશવદાસ ઉત્તરકાલીન લગભગ બધા કવિઓ માટે માર્ગદર્શક ગણાયા છે.
પ્રવીણચંદ્ર પરીખ