કેલ્વિન ચક્ર : પ્રકાશસંશ્લેષણ દરમિયાન અંગારવાયુનું કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર કરતી શ્રેણીબદ્ધ પ્રતિક્રિયાઓ. પ્રકાશસંશ્લેષણ બે પ્રકારની ક્રિયાઓ દ્વારા થાય છે. પહેલી ક્રિયામાં પ્રકાશની જરૂર પડે છે, જેને હિલની પ્રતિક્રિયા (Hill’s reaction) કહે છે. બીજીમાં પ્રકાશની જરૂર પડતી નથી; આથી તેને અંધારી (dark) પ્રતિક્રિયા કહે છે. પ્રકાશ-સંશ્લેષણની અંધારી પ્રતિક્રિયા દરમિયાન અંગારવાયુનું કાર્બોહાઇડ્રેટમાં રૂપાંતર જે શ્રેણીબદ્ધ પ્રતિક્રિયાઓ દ્વારા થાય છે તેને કેલ્વિન ચક્ર કહે છે. કેલ્વિન અને તેના સહકાર્યકરોએ 1950ના દશકામાં, અંગારવાયુમાંથી જટિલ ક્રિયાઓ દ્વારા ગ્લુકોઝમાં છ કાર્બન પરમાણુઓનું સંયોજન થાય છે તે સાબિત કર્યું. તેમાં કાર્બન ડાયૉક્સાઇડનો એક અણુ રિબ્યુલોઝ – 1, 5-ડાયફૉસ્ફેટ (RuDP) સાથે જોડાઈ 3-ફૉસ્ફોગ્લિસેરેટના બે અણુઓ ઉત્પન્ન કરે છે. ચક્રની બાકીની પ્રતિક્રિયાઓ દ્વારા RuDP પાછો ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયૉક્સાઇડના પ્રત્યેક અણુના સ્થાયીકરણ (fixation) માટે ATP(ઍડિનોસિન ટ્રાયફૉસ્ફેટ)ના 3 અને NADPH(નિકોટિન ઍમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફૉસ્ફેટ)ના 2 અણુઓની જરૂર પડે છે.
પ્રતિક્રિયામાં જોઈતા ATP અને NADPH પ્રકાશની હાજરીમાં થતી હિલની ક્રિયા દ્વારા મળી રહે છે.
ગોવિંદ પટેલ