કેલ્ટ સંસ્કૃતિ

કેલ્ટ સંસ્કૃતિ : ઈસવી સન પૂર્વેની સદીઓમાં મધ્ય અને પશ્ચિમ યુરોપમાં વસેલા લોકોની સંસ્કૃતિ. પાછળથી આ લોકો ફ્રાન્સ, બ્રિટન, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ વગેરે સ્થળોએ વસ્યા હતા. પુરાવસ્તુની ર્દષ્ટિએ કેલ્ટ સંસ્કૃતિનું મૂળ પશ્ચિમી કાંસ્યયુગમાં જોઈ શકાય. કેલ્ટિક ભાષા બોલતાં લોકજૂથોનો સમૂહ તે કેલ્ટ સમાજ. કેલ્ટ લોકો ઊંચા, ભૂરી આંખોવાળા, સશક્ત, સુંદર વાળવાળા અને ગૌરવર્ણા હતા. યુદ્ધવીરોનાં આ સામાન્ય લક્ષણો હતાં.

કેલ્ટ લોકો રાજકીય એકતા સ્થાપી શક્યા ન હતા. એમની પાસે મજબૂત કેન્દ્રસ્થ સરકાર ન હતી. પરિણામે તેઓ ટ્યૂટોન અને રોમનાં આક્રમણોના ભોગ બનતા રહેલા.

કેલ્ટની સમાજવ્યવસ્થાના ત્રણ ભાગ હતા : રાજા, સૈનિક-ઉમરાવો અને સામાન્ય લોકો (ખેડૂતો). કેલ્ટ કુટુંબ પિતૃપ્રધાન હતું. જમીનની માલિકી કુટુંબની રહેતી. કુટુંબ સંયુક્ત સ્વરૂપનું હતું, સમાજમાં સ્ત્રીનું સ્થાન કૌટુંબિક મોભો અને સમૃદ્ધિ પ્રમાણે બદલાતું રહેતું. પુરુષો લેંઘો અને બટનવાળો ઝભ્ભો પહેરતા. સ્ત્રીઓ ઝભ્ભા જેવું લાંબું વસ્ત્ર પહેરતી. ગરમ અને સુતરાઉ કાપડનો ઉપયોગ થતો.

કેલ્ટિક સંસ્કૃતિના એક દેવનું શિલ્પ

કેલ્ટ સમાજનું પાયાનું અર્થતંત્ર મિશ્ર ખેતીનું હતું. સામાન્ય રીતે અશાંતિના સમય સિવાય ખેતી થતી હતી. હવામાન અને ભૂપ્રદેશની વિવિધતાને લીધે કેટલાક વિસ્તારોમાં ખેતી કરતાં પશુઉછેરનું મહત્વ વિશેષ હતું. ડુંગરી કિલ્લા કેલ્ટ લોકોનાં આશ્રયસ્થાન હતાં. જોકે યુદ્ધ તો ખુલ્લામાં થતું.

કેલ્ટ લોકોનાં વિવિધ જૂથો દ્વારા બોલાતી કેલ્ટિક ભાષાઓ પ્રાગૈતિહાસિક સમયથી આજ સુધી બોલાતી રહી છે. તે ઇન્ડો-યુરોપીય ભાષા હતી. શિષ્ટ લેખકોએ કેલ્ટિક શબ્દો સાચવ્યા છે; ખાસ કરીને વ્યક્તિવિશેષ અને સ્થળવિશેષનાં નામો સાહિત્યમાં સચવાયાં છે. સમગ્ર યુરોપમાં સિક્કા અને ગ્રીક-લૅટિન શિલાલેખોમાં પણ કેલ્ટિક ભાષા જળવાયેલી છે.

અભિવ્યક્તિનું વાહન ગદ્ય હતું. પદ્ય મુખ્યત્વે ઊર્મિકાવ્ય માટે પ્રયોજાતું. એમની કવિતામાં ઊર્મિનો અભાવ જોવા મળે છે.

હકીકતોનું નિરૂપણ એમના સાહિત્યનું આગવું લક્ષણ હતું.

કેલ્ટિક દેવળો શિક્ષણકેન્દ્રો હતાં અને તેમાં પ્રશિષ્ટ શિક્ષણ સચવાયું છે. પ્રેરણા અને વ્યવસ્થાની ર્દષ્ટિએ કેલ્ટિક ચર્ચ આશ્રમસ્વરૂપનું હતું. આઠમી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટન અને દક્ષિણ વેલ્સમાં કેલ્ટિક ચર્ચનો અંત આવ્યો પણ ઉત્તર વેલ્સમાં બારમી સદી સુધી તે હતું.

કેલ્ટ લોકો યુદ્ધપ્રેમ, ઉત્તેજના, કલ્પનાશક્તિ, આતિથ્યભાવના, મહેફિલપ્રેમ, પીણાંનો શોખ અને સર્જકતા માટે જાણીતા હતા. સંગીત પ્રત્યે તેમને ઊંડી દિલચસ્પી હતી. શિલ્પ, ધાતુકામ અને હસ્તપ્રતોની સજાવટ કેલ્ટિક ચર્ચનું મહત્વનું પ્રદાન ગણાય. એમનાં પાષાણ સ્મારકો મોટી સંખ્યામાં સચવાયાં છે. ઘણાં દેવળોનું ધાતુકામ ધ્યાનાકર્ષક છે; દા.ત., સેન્ટ પૅટ્રિક્સનો ઘંટ, મ્યૂઇરેડાકનો ક્રૉસ કલાના શ્રેષ્ઠ નમૂના છે. અલંકૃત હસ્તપ્રતોમાં કેલ્ટિક ચર્ચની કળાની સુંદર અભિવ્યક્તિ અને લાક્ષણિકતા જોવા મળે છે.

રસેશ જમીનદાર