કેલૉગ, ફ્રૅન્ક બિલિંગ્ઝ (જ. 22 ડિસેમ્બર 1856, પોટ્સડૅમ, ન્યૂ યૉર્ક; અ. 21 ડિસેમ્બર 1937, સેન્ટ પૉલ, મિનેસોટા) : અમેરિકન રાજનીતિજ્ઞ, મુત્સદ્દી તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા (1929). મિનેસોટા રાજ્યના સેન્ટ પૉલ ખાતે કૉર્પોરેશનના વકીલ તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1904માં ટ્રસ્ટવિરોધી કાયદાઓની સુનાવણી દરમિયાન અમેરિકાની સરકારના વકીલ તરીકે કરેલા કામથી નામના મેળવી. 1917-1923 દરમિયાન અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટમાં રિપબ્લિકન પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. 1924-1925 દરમિયાન ગ્રેટ બ્રિટન ખાતે અમેરિકાના એલચી તથા 1925-1929ના ગાળામાં અમેરિકાના વિદેશ પ્રધાન રહ્યા.
યુરોપના રાજકારણના સંદર્ભમાં તેમણે અલગતાવાદી વલણ અખત્યાર કર્યું હતું. 1927માં જિનીવા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદના આયોજનમાં અગ્રણી ભૂમિકા ભજવી. પરિષદમાં નૌકાદળના શસ્ત્રીકરણને મર્યાદિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1930-1935 દરમિયાન કાયમી આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયાધીશ તરીકે તેમણે સેવા આપી હતી.
આંતરરાષ્ટ્રીય વિવાદોના નિરાકરણ માટે યુદ્ધ પર પ્રતિબંધ મૂકવા માટે 1928માં કરવામાં આવેલી બહુદેશીય સંધિ (જે કેલૉગ-બ્રિયાન્ડ પૅક્ટ તરીકે ઓળખાય છે.) શક્ય બનાવવામાં કેલૉગનો ફાળો નોંધપાત્ર ગણવામાં આવે છે. ફ્રાન્સના વિદેશપ્રધાન ઍરિસ્ટાઇડ બ્રિયાન્ડે માત્ર અમેરિકા અને ફ્રાન્સ વચ્ચે આવી દ્વિપક્ષી સંધિ થાય તેવી યોજના ઘડી હતી, પરંતુ કેલૉગના સક્રિય પ્રયાસોથી તે બહુદેશીય સંધિ બની હતી. ઑગસ્ટ 1928માં માત્ર 15 દેશોના પ્રતિનિધિઓએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ દસ્તખત પૅરિસમાં થયા હોવાથી તેને પૅક્ટ ઑવ્ પૅરિસ કહેવામાં આવે છે. પરંતુ પાછળથી 47 બીજા દેશોએ તેને સંમતિ આપી હતી અને આમ 62 દેશોએ તેનો સ્વીકાર કર્યો હતો. કેલૉગની આ મોટી રાજદ્વારી સફળતા ગણવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે