કૅલેમાઇન બ્રાસ (પિત્તળ)

કૅલેમાઇન બ્રાસ (પિત્તળ) : તાંબાના ટુકડાઓને કોલસા તથા ઝિંક અયસ્ક (કૅલેમાઇન અથવા સ્મિથસોનાઇટ) સાથે બંધ મૂસમાં લાલચોળ થાય તેટલા ગરમ કરતાં બનતી મિશ્ર ધાતુ.

આ ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન અયસ્કનું ઝિંક બાષ્પમાં પરિવર્તન થઈને તે તાંબામાં પ્રસારિત (diffuse) થાય છે. એશિયા માઇનોરમાં આ વિધિ શોધાઈ હોવાનું મનાય છે. પિત્તળના ઉત્પાદનની આ રીત આશરે 2200 વર્ષ જૂની મનાય છે. રોમનોના સમયમાં આ વિધિ મુજબ પિત્તળ ઉદ્યોગ સ્થપાયો હતો. અઢારમી સદી સુધી તેનો ઉપયોગ થતો રહ્યો, કારણ કે તાંબા અને ઝિંકને ભેગાં કરીને પિગાળવાથી બનતા પિત્તળ કરતાં કૅલેમાઇન બ્રાસ વધુ ઉપયોગમાં લેવાતું હતું.

જ. પો. ત્રિવેદી