કેલી – આર્થર

January, 2008

કેલી, આર્થર (જ. 16 ઑગસ્ટ 1821, રિચમંડ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 26 જાન્યુઆરી 1895, કેમ્બ્રિજ) : અંગ્રેજ ગણિતશાસ્ત્રી અને બૅરિસ્ટર. તેમના પિતા રશિયામાં. તેમની માતા મારિયા ઍન્ટોનિયા રશિયન કુળ(origin)ની હતી. કેલી ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા. આર્થરે લંડનની કિંગ્ઝ કૉલેજમાં અભ્યાસ કર્યો. તેમને મોટી મોટી સંખ્યાઓની ગણતરીમાં ખૂબ મજા પડતી. શરૂઆતમાં ઉચ્ચ ગણિતનો અભ્યાસ કરવા દેવામાં પિતાએ વિરોધ કર્યો; પરંતુ પછીથી શાળાના આચાર્યની સમજાવટથી તેમણે સંમતિ આપી અને આશીર્વાદ સાથે આર્થિક સગવડ પણ કરી આપી. કેલીને કેમ્બ્રિજ મોકલ્યા. તે 17 વર્ષની વયે ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા. કેમ્બ્રિજના ત્રીજા વર્ષ દરમિયાન કેલી તેમના સહાધ્યાયીઓ કરતાં અભ્યાસમાં ઘણા આગળ હતા.

આર્થર કેલી

1842માં 21 વર્ષની ઉંમરે આર્થર કેલી ગણિત-ટ્રાયપૉસમાં સિનિયર રૅંગ્લર થયા અને ‘સ્મિથ-પારિતોષિક-કસોટી’માં પણ પ્રથમ સ્થાન મેળવ્યું. ત્રણ વર્ષના ગાળા માટે ટ્રિનિટીમાં ફેલો અને મદદનીશ ટ્યૂટર તરીકે પસંદ થયા. લાગ્રાન્જ અને લાપ્લાસના કાર્યના ઊંડા અધ્યયન પછી 1841માં તેમનું પ્રથમ સંશોધનપત્ર પ્રસિદ્ધ થયું. તેમણે પ્રથમ વર્ષમાં આઠ, બીજા વર્ષમાં ચાર અને ત્રીજા વર્ષમાં તેર સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં. n-પરિમાણી ભૂમિતિ, નિશ્ચર(invariant)નો સિદ્ધાંત, સમતલ વક્રોની ભૂમિતિ અને ઉપવલયી (elliptic) વિધેયના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો.

કેમ્બ્રિજના વસવાટ દરમિયાન ગણિતમાં કોઈ રોજગારી ન મળવાથી કેમ્બ્રિજ છોડ્યું અને કાયદા પ્રત્યે આકર્ષાયા અને ‘લિંકન ઇન’માંથી બૅરિસ્ટર થયા. બૅરિસ્ટર થયા પછી 14 વર્ષ સુધી વકીલાત કરીને પછીનાં વર્ષોમાં ગણિતમાં સંશોધનકાર્ય કરી શકાય તે માટે પૂરતું ધન કમાયા. આ સમય દરમિયાન પણ તેમણે બસોથી વધુ સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં. કેલી તેમના સંશોધનકાર્યમાં શુદ્ધ ગણિતના લગભગ બધા જ વિષયોને સ્પર્શ્યા છે. 1863 સુધી વકીલાત કર્યા પછી કેમ્બ્રિજમાં શુદ્ધ ગણિતમાં પ્રોફેસર તરીકે ‘સાલ્ડેરિયન ચૅર’ માટે પસંદ થયા.

કેલીએ શ્રેણિક-બીજગણિત(matrix algebra)ને વિકસાવ્યું. 1881-82માં તેમણે બાલ્ટીમોરમાં જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાં એબેલિયન વિધેય પર વ્યાખ્યાનો આપ્યાં અને વિદ્યાકીય પ્રતિષ્ઠા મેળવી. કેટલીક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ઉપાધિઓથી સન્માન્યા અને 1883માં રૉયલ સોસાયટીનો કોપ્લે સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો. જુદા જુદા સમયે લંડન મૅથેમૅટિકલ સોસાયટી અને રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના તે પ્રમુખ પણ થયા હતા.

શિવપ્રસાદ મ. જાની