કેલિક્રટીઝ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સનો ઈ. પૂ. પાંચમી સદીનો સ્થપતિ. એણે ઇક્ટાઇનસ નામના સ્થપતિ સાથે ગ્રીસનું સૌથી મોટું અને પ્રસિદ્ધ પાર્થિનૉનનું દેવળ બાંધ્યું હતું. એ દેવળનું બાંધકામ ઈ. પૂ. 447માં શરૂ થઈ ઈ. પૂ. 438માં પૂરું થયું હતું. એ પછી એણે ઍથેન્સની એક્રૉપોલિસ નામની ટેકરી ઉપર સ્વતંત્રપણે દેવી અથીના નાઇકીનું દેવળ બાંધ્યું, તેના સ્તંભો પર પ્લેટિયાના મેદાનમાં થયેલા, ઈરાન પરના ગ્રીક વિજયનું આલેખન કર્યું હતું. એ દેવળ આરસનું હતું અને ઈ. પૂ. 424માં પૂરું થયું હતું. ઍથેન્સમાં ઇલિસૉસ નદીના કિનારે આવેલું આયોનિક દેવળ અને ડીલૉસ ટાપુમાંનું એપૉલોનું દેવળ પણ તેણે બાંધ્યું હોવાનું માનવામાં આવે છે. આધુનિક સંશોધન એમ સૂચવે છે કે સુનિયનમાં આવેલું પૉસાઇડનનું દેવળ અને અકાર્નીમાં આવેલું એરીઝનું દેવળ પણ કેલિક્રટીઝે બાંધ્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી
મહેશચંદ્ર પંડ્યા