કેર્યોટા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની ઊંચા તાડ ધરાવતી એક પ્રજાતિ. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે. તે પૈકી C. urens (શિવજટા, ભૈરવતાડ) આર્થિક મહત્વ ધરાવે છે.
Caryota mitis Lour 3.6 મી.થી 12.0 મી. ઊંચા અને 10 સેમી.થી 17.5 સેમી. વ્યાસ ધરાવતા તાડની સુંદર જાતિ છે. ભારતમાં આ તાડ સામાન્ય નથી, છતાં આંદામાનના ટાપુઓમાં તેનું બહોળું વિતરણ થયેલું છે.
C. urens Linn (હિં. મારી; ગુ. શંકરજટા; શિવજટા; ભૈરવતાડ; મ. બેરલી, બેરલીમદ, ભેરવ, સુરમદી; અં. કિટ્ટુલ, સૅગો, ટોડી, ફિશટેલ પામ). સુંદર, લીસા, નળાકાર, વલયિત (annulate), 12 મી.થી 18 મી. ઊંચા અને 45 સેમી. વ્યાસ ધરાવતા પ્રકાંડવાળી તાડની જાતિ છે. તેનાં પર્ણો ખૂબ મોટાં 5.4 મી.થી 6.0 મી. લાંબા અને 3.0 મી.થી 3.6 મી. પહોળાં, દ્વિપિચ્છાકાર સંયુક્ત હોય છે. તેઓ અન્ય તાડની જેમ પર્ણમુકુટ બનાવતા નથી; છતાં ટોચની નીચેથી પ્રકાંડ પર અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે. તેની પર્ણિકાઓ માછલીની પુચ્છ – મીનપક્ષ જેવી હોય છે. તાડ 10-15 વર્ષમાં પૂરી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને તે પછી પુષ્પનિર્માણ શરૂ કરે છે. તે એકગૃહી (monoecious) હોય છે. પુષ્પો 3 મી.થી 6 મી. લાંબાં, લટકતાં માંસલ શૂકી (spadix) પુષ્પવિન્યાસ પર ઉત્પન્ન થાય છે. પુષ્પનિર્માણ તાડની 20થી 25 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે.
આ તાડ ભારત, શ્રીલંકા અને મલાયાનું સ્થાનિક અને પશ્ચિમ તથા પૂર્વ દરિયાકિનારાનાં ભેજવાળાં જંગલોમાં; છોટાનાગપુર, ઓરિસા, ઉત્તર બંગાળ અને આસામમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી ઠંડી આબોહવામાં થાય છે. તેને ઉદ્યાનોમાં પણ ઉછેરવામાં આવે છે.
પર્ણ આવરકો, પર્ણદંડ અને પુષ્પદંડોના તલપ્રદેશે રહેલા ખુલ્લા રેસામય વાહીપુલોમાંથી ‘કિટ્ટુલ’ તરીકે જાણીતો મજબૂત અને કીમતી રેસો શ્રીલંકા અને ઓરિસા(સલોપા)માં મેળવવામાં આવે છે. પર્ણદંડમાંથી રેસો સહેલાઈથી છૂટો પાડી શકાય છે. રેસો તેના ગઠનમાં વૈવિધ્ય ધરાવે છે. તે અતિસૂક્ષ્મ રોમમય તંતુગુચ્છ(strand)થી ભારે તંતુગુચ્છનો બનેલો હોય છે અને 0.31 સેમી. વ્યાસ ધરાવે છે. વ્યાપારિક રેસો લીસો, મજબૂત, ચળકતો, સ્થિતિસ્થાપક, ઘેરા બદામીથી કાળા રંગનો અને 0.6 મી.થી 0.75 મી. લાંબો હોય છે. તે દેખાવમાં ઘોડાના વાળા જેવો લાગે છે અને તેનો ઉપયોગ ફર્નિચર મઢવામાં અને મજબૂત તથા ટકાઉ દોરડાં બનાવવામાં થાય છે. તે વહાણ લાંગરવા માટેનાં દોરડાં, માછલી પકડવાની જાળ, બ્રશ અને સાવરણા બનાવવામાં ઉપયોગી છે. શ્રીલંકા દ્વારા સાવરણી અને બ્રશ બનાવવા માટે મોટા જથ્થામાં રેસાની નિકાસ થાય છે. ભારતમાં બ્રશનાં કેટલાંક કારખાનાં કિટ્ટુલ રેસો વાપરે છે.
તાડ તેના પુષ્પનિર્માણના સમયથી મૃત્યુ પામે ત્યાં સુધી (47 વર્ષનો ગાળો) મધુર અને સ્વાદિષ્ટ તાડીનો પુષ્કળ પુરવઠો પૂરો પાડે છે. માંસલ શૂકી (spadix) પૂરેપૂરી વિકાસ પામે તે પહેલાં છેદીને રસ ખેંચવામાં આવે છે. એક તાડ પ્રતિ વર્ષ લગભગ 820 લિટર તાડી ઉત્પન્ન કરે છે.
તાજી તાડી મીઠી, પારદર્શક અને 24 કલાકમાં સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ આથવણ થતાં ઝાંખી કે ધૂંધળી, ખાટી અને કેફી મદ્યાર્કમાં પરિણમે છે. તાજો રસ 13.6 % સુક્રોઝ અને અતિઅલ્પ રિડ્યુસિંગ શર્કરા ધરાવે છે; જ્યારે કિણ્વિત (fermented) રસ કે તાડી 1 % રિડ્યુસિંગ શર્કરા, 3-4.5 % આલ્કોહૉલ અને 0.3 % ઍસેટિક ઍસિડ ધરાવે છે. કિણ્વનરહિત મીઠી તાડી મેળવવા પાત્રોને ચૂનો લગાડવામાં આવે છે. કેટલીક વાર Vateria acuminataની છાલનું ચૂર્ણ કે Acronychia laurifolia syn. Cyminosma pedunculataનાં પર્ણો કિણ્વનની ક્રિયા અટકાવવા રસ સાથે ઉમેરવામાં આવે છે. મીઠી તાડીનો ગોળ બનાવવામાં ઉપયોગ થાય છે. એક ગેલન તાજા રસમાંથી લગભગ 0.5 કિગ્રા. ગોળ બને છે. આ ગોળનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : સુક્રોઝ 76.6 % – 83.5 %, રિડ્યુસિંગ શર્કરા 0.9 % – 0.76, ભસ્મ 1.98 % – 1.65 %, પ્રોટીન 1.79 % – 1.27 % અને પૅક્ટિન, ગુંદર વગેરે 8.34 % – 6.6 %.
કિણ્વિત મીઠી તાડી ગોળ બનાવવા માટે યોગ્ય હોતી નથી. આવું દ્રવ્ય ઉકાળીને જાડા શરબત જેવું બનાવવામાં આવે છે અને સોડિયમ બૅન્ઝોએટ દ્વારા પરિરક્ષિત કરવામાં આવે છે. આ ચાસણી મીઠાઈ બનાવવા માટે મૅપલ સિરપ (Acer saccharin) કરતાં સારી હોય છે. તેનું સ્ફટિકીકરણ કરીને કૅન્ડી બનાવવામાં આવે છે; જેનો જામની અવેજીમાં ઉપયોગ થાય છે. મીઠી તાડીમાંથી વિનેગાર અને યીસ્ટ મેળવવામાં આવે છે.
કિટ્ટુલ તાડના કાંજીયુક્ત મૃદુ ગરમાંથી કિટ્ટુલનો લોટ અથવા સાબુદાણા બનાવવામાં આવે છે. તેના સાબુદાણા Metroxylon sagu Rottb.માંથી મળતા સાબુદાણા જેવી જ ગુણવત્તા ધરાવે છે. કિટ્ટુલના લોટમાંથી રોટલી કે રાબ (ઘેંસ) બનાવવામાં આવે છે. રાબ શીતળ ગુણધર્મ માટે જાણીતી છે. તેની અગ્રકલિકા ગોળ સાથે કાચી ખવાય છે અથવા તેનું શાક કે અથાણું બનાવી ખવાય છે.
પ્રકાંડનું કાષ્ઠ કઠણ અને ટકાઉ (વજન, 880 કિગ્રા./ઘમી.) હોય છે. તેનો ઉપયોગ કૃષિવિદ્યાકીય હેતુઓ માટે, પાણીની નીક, તળાવની પાઇપો, ડોલ અને સાંબેલું કે મુશળ, હળ, તરાપા અને ઘર બનાવવામાં થાય છે. અંતિમ પુષ્પનિર્માણ પછી ઇમારતી કાષ્ઠ તરીકે તેનો ઉપયોગ થાય છે. તે ઊધઈના આક્રમણ સામે અવરોધ કરે છે. પ્રકાંડનો ઉપયોગ ડ્રમ બનાવવામાં થાય છે.
મૂળના કાર્બનીકરણથી મેળવેલ કોલસાનો ઉપયોગ સોનીઓ કરે છે.
ફળ 1.25 સેમી.થી 2.5 સેમી.નો વ્યાસ ધરાવે છે અને પાકે ત્યારે લાલથી માંડી કાળા રંગનાં બને છે. તેમનો ઉપયોગ કોતરકામ, ચિત્રકામ કે પૉલિશ દ્વારા બટન અને મણકાઓ બનાવવામાં થાય છે. તેનો ગર તીખો હોય છે અને ત્વચાને લગાડતાં બળે છે. તે તરસ છિપાવે છે અને થાક ઘટાડે છે. અર્ધકપાલીશૂલ(hemicrania)ના કિસ્સામાં તે માથા પર લગાડવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ