કેરોસીન : પૅરાફિન, પૅરાફિન તેલ અથવા કોલસાના તેલ તરીકે પણ ઓળખાતું, જ્વલનશીલ, રંગહીન અથવા આછો પીળો રંગ અને લાક્ષણિક વાસ ધરાવતું તૈલી પ્રવાહી. તે ફાનસ, સ્ટવ, જેટ એન્જિનો વગેરેમાં બળતણ તરીકે અને કીટનાશકો બનાવવા માટે આધાર (base) તરીકે વપરાય છે. 1850ના અરસામાં ડામર (coal tar) અને શેલ તેલ(shale oil)માંથી તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું પણ 1859માં ઈ. એલ. ડ્રેકે અમેરિકાના પૅન્સિલવેનિયા રાજ્યમાં પ્રથમ કૂવાનું શારકામ કર્યું ત્યારપછી પેટ્રોલિયમ અથવા ક્રૂડ તેલ તેનો મુખ્ય સ્રોત ગણાય છે. ઑટોમોબાઇલ્સ ઉદ્યોગે ગૅસોલીનની અગત્ય વધારી ત્યાં સુધી કેરોસીન એ રિફાઇનરીઓની મુખ્ય પેદાશ હતી. અપરિષ્કૃત અથવા કાચા પેટ્રોલિયમમાં 10 %થી 25 % કેરોસીન હોય છે. પેટ્રોલિયમમાંથી રેતી, પાણી, ક્ષારો વગેરે દૂર કરી તેને રિફાઇનરીમાં સંસાધિત (process) કરવામાં આવતાં મળતી પ્રથમ નીપજને સીધું નિસ્યંદિત પ્રવાહી (straight run distillate) કહે છે. તેમાંથી 250o સે.થી ઓછા ઉત્કલનબિંદુવાળો ઘટક હલકા નિસ્યંદિત (light distillate) તરીકે અલગ પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ગૅસોલીન, દ્રાવક નૅફથા (solvent naphtha) અને કેરોસીન હોય છે. આમાંથી 150oથી 290o સે. ઉ.બિં.વાળો ભાગ કેરોસીનરૂપે એકઠો કરવામાં આવે છે. તેમાંથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને સલ્ફરની અશુદ્ધિઓ અનુક્રમે સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ, આલ્કલી દ્રાવણ અને પાણી વડે સાફ કરવામાં આવે છે. તે પછી સોડિયમ પ્લમ્બેટ અને સક્રિયત માટી (activated earth) વડે સાફ કેરોસીન મેળવાય છે. હાલમાં સલ્ફ્યુરિક ઍસિડને બદલે પ્રવાહી સલ્ફર ડાયૉક્સાઇડ વપરાય છે. તે 10થી 14 (કેટલીક વાર 9થી 16) કાર્બન પરમાણુઓ ધરાવતાં હાઇડ્રોકાર્બન સંયોજનોનું 140oથી 320o સે. વચ્ચે ઊકળતું મિશ્રણ છે. ટ્રૅક્ટર માટે વપરાતા કેરોસીનમાં ઍરોમૅટિક સંયોજનો વધુ હોય છે.
કેરોસીનની વિ. ઘનતા 0.8 જેટલી હોય છે. એબેલના પરીક્ષિત્ર (tester) પ્રમાણે તેનો સ્ફુરાંક (flash point) 23o સે.થી ઊંચો (ઘણુંખરું 38o) હોવો જોઈએ. દીવા માટેના કેરોસીનમાં ધુમાડો આપતાં ઍરોમૅટિક કે નૅફ્થીન સંયોજનો ન હોવાં જોઈએ. વળી દીવાની વાટમાં ઉપર ચડે માટે તેની શ્યાનતા (viscosity) 2.0 સેન્ટિપૉઇઝથી ઓછી હોવી જોઈએ. એવિયેશન ગૅસ-ટર્બાઇન કેરોસીન (Avtur અથવા ATK) દીવામાં વપરાતા કેરોસીન જેવું જ, પણ વધુ ચોકસાઈપૂર્વક સંસાધિત કરેલું હોય છે. હાલમાં વપરાતું એવિયેશન ટર્બાઇન ગૅસોલીન (Avtag અથવા JP4)માં કેરોસીન અને ગૅસોલીનનું મિશ્રણ હોય છે. તેને વાઇડ-કટ ગૅસોલીન કહે છે. એવકેટ ઊંચો સ્ફુરાંક ધરાવતું કેરોસીન છે, જે ઓછી જગ્યામાં વધુ બળતણ રાખી શકે તેવાં વિમાનોમાં વપરાય છે. તેને અકસ્માત વખતે તત્કાળ સળગી ન ઊઠે તેવી રીતે બનાવેલું હોય છે.
જ. પો. ત્રિવેદી