કેરેથિયોડોરી, કૉન્સ્ટન્ટિન (જ. 13 સપ્ટેમ્બર 1873, બર્લિન; અ. 2 ફેબ્રુઆરી 1950, મ્યૂનિક) : અર્વાચીન યુગના પ્રસિદ્ધ ગ્રીક ગણિતશાસ્ત્રી. ચલનનું કલન, બિંદુ સમુચ્ચય માપન તથા વાસ્તવિક વિધેયો પરના સિદ્ધાંત પરત્વે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. બે વર્ષ ઇજિપ્તમાં બ્રિટિશ ડૅમ પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે કામ કર્યા પછી કેરેથિયોડોરીએ 1900માં બર્લિન યુનિવર્સિટીમાં ગણિતનો અભ્યાસ શરૂ કર્યો. 1902માં તેમણે ગટિન્જન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને જર્મન ગણિતશાસ્ત્રી હર્મન મિન્કોવ્સ્કીના માર્ગદર્શન નીચે 1904માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1909માં હેનોવર યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. 1910-13માં બ્રેસલાઉમાં, 1913થી 1918માં ગટિન્જન યુનિવર્સિટીમાં અને 1918-20માં બર્લિન યુનિવર્સિટીમાં અધ્યાપન અને સંશોધનકાર્ય કર્યું. 1922માં તુર્કોએ સ્મર્ના યુનિવર્સિટીનો નાશ કર્યો ત્યારે કેરેથિયોડોરીએ યુનિવર્સિટી લાઇબ્રેરીને ઍથેન્સ યુનિવર્સિટીમાં ખસેડી બચાવી લીધી હતી. તે પછી મ્યૂનિક યુનિવર્સિટીમાં તેમની પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. પ્રથમ કક્ષાના આંશિક વિકલ સમીકરણ અને વિચરણ કલન વચ્ચેનાં અગત્યનાં પરિણામો ઉપરાંત તેમણે બહુચલ રાશિવાળા વિધેયમાં પણ અગત્યનાં પરિણામો તારવી આપ્યાં હતાં.
શિવપ્રસાદ મ. જાની