કેરેટિન : પ્રાણીઓનાં શરીરનાં ચામડી, વાળ, નખ, પંજા, પીંછાં, ખરી, શિંગડાં વગેરે ભાગોમાં રહેલ સખત તંતુયુક્ત પ્રોટીન પદાર્થ. વાળ અને નખ પૂરેપૂરાં તેનાં બનેલાં હોય છે, તેને લીધે સસ્તન પ્રાણીઓની ચામડી જલરોધી (waterproof) ગુણધર્મ ધરાવે છે. તે પડને stratum corneum કહેવામાં આવે છે. કેરેટિનનો અણુ અનમ્ય (rigid) નળાકાર કુંડલિની (cylindrical helix) આકૃતિ ધરાવે છે.
તેની પૉલિપેપ્ટાઇડ શૃંખલાઓ હાઇડ્રોજન બંધને લીધે સમાંતર ગોઠવાયેલી હોય છે. તેના એમિનો ઍસિડમાં 24 % સિસ્ટિન હોય છે. સિસ્ટિનમાંના ડાયસલ્ફાઇડ બંધ તેને સારી સ્થિરતા બક્ષે છે. તે ગરમ તેમજ ઠંડા પાણીમાં અદ્રાવ્ય હોય છે. અને પ્રોટીન અપઘટકીય (protolytic) ઉત્સેચકો (enzymes) (પેપ્સિન અને ટ્રિપ્સિન) વડે તેનું વિઘટન થતું નથી. કેરેટિન તંતુની લંબાઈ તેમાંના પાણી પર આધાર રાખે છે.
પ્રવીણસાગર સત્યપંથી