કેરલવર્મા – વાલિયા કોઇલ તમ્પુરન

January, 2008

કેરલવર્મા, વાલિયા કોઇલ તમ્પુરન (જ. 19 ફેબ્રુઆરી 1845, ચંગનચેરી, જિ. કોટ્ટ્યમ્, કેરળ; અ. 22 સપ્ટેમ્બર 1914) : મલયાળમ લેખક અને કવિ. મલયાળમ અને સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 10 વર્ષની વયે તેઓ ત્રિવેન્દ્રમ્ ગયા. ત્યાં તેમણે તેમના કાકા રાજરાજા વર્મા અને ઇલતૂર રામસ્વામી શાસ્ત્રીગલ જેવા પ્રખર સંસ્કૃત પંડિતો પાસેથી અનૌપચારિક રીતે સમગ્ર શિક્ષણ મેળવ્યું. તેમના કાકા અને ત્રાવણકોરના મહારાજાના દરબારી ડૉક્ટર બેરિંગ પાસેથી તેઓ અંગ્રેજી શીખ્યા. તેમણે હિન્દુસ્તાની અને તમિળ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. વળી તેલુગુ અને મરાઠીની પણ જાણકારી મેળવી. તેઓ સંગીત, ખેલકૂદ, ઘોડેસવારી, શિકાર, વ્યાયામ-કુસ્તીમાં પણ રસ ધરાવતા હતા.

14 વર્ષની વયે ત્રાવણકોરના શાહી પરિવારની કુંવરી લક્ષ્મીબાઈ સાથે તેમનાં લગ્ન થયાં, તેથી તેઓ વાલિયા કોઇલ તમ્પુરન તરીકે જાણીતા થયા. રાજાએ મલયાળમ શાળાશિક્ષણનું ધોરણ સુધારવાના ઉદ્દેશથી તેમને 1867માં રાજ્યમાં પ્રથમ વખત રચાયેલ પુસ્તક સમિતિમાં પ્રથમ સભ્યપદે અને પછી 1868માં તેના અધ્યક્ષ નીમ્યા. તેઓ ‘દ્વિતીયાક્ષર પ્રાસ’ના પ્રયોજક, સંસ્કૃત અને મલયાળમના શ્રેષ્ઠ કવિ અને અનુવાદક હતા. ત્રાવણકોરમાં વૈધાનિક હેતુઓ માટે રચાયેલ પ્રથમ સમિતિના સભ્ય રહ્યા. 1890માં શરૂ કરેલ માસિક ‘વિદ્યાવિનોદિની’ તેમજ દૈનિક ‘મલાયલા મનોરમા’ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા હતા. 1890માં ત્રિવેન્દ્રમમાં સ્થપાયેલ સંસ્કૃત કૉલેજના વહીવટ અને દેખરેખનો હવાલો તેમને સોંપાયો હતો.

તેમણે 50થી વધુ કાવ્યસંગ્રહો આપ્યા છે; તેમાં 30 તો સંસ્કૃતમાં છે. તેમાં ‘ક્ષમાપનાસહસ્ર’ (1878-80); ‘યમ-પ્રણામ-શતક’ (1880) અને ‘શ્રી-વિશાખા-વિજય’ (1880) – આ ત્રણેય સંસ્કૃતમાં અનન્ય છે. મલયાળમ 6 કૃતિઓમાં ‘અટ્ટક્કાતાસ’, ‘મણિપ્રવાલશાકુન્તલમ્’ (1882), ‘અમરુકશતકમ્’ (1883), ‘અન્યોપદેશશતકમ્’ (1902) સંસ્કૃતમાંથી અનૂદિત કરેલી કૃતિઓ છે. તેમની મૂળ અતિ શ્રેષ્ઠ કાવ્યકૃતિ છે : ‘મયૂરસંદેશ’ (1864), જે કાલિદાસના ‘મેઘદૂત’ જેવી પ્રશિષ્ટ રચના છે અને તેમાં કવિ પોતે તેમનાથી દૂર ત્રિવેન્દ્રમમાં રહેલી તેમની પત્નીને સંદેશો મોકલે છે. ‘દૈવયોગમ્’ પણ ઉલ્લેખનીય કાવ્યકૃતિ છે.

તેમની મલયાળમ ગદ્યકૃતિઓમાં ‘સન્માર્ગસંગ્રહમ્’ (1868), ‘વિજ્ઞાનમંજરી’ (1868), ‘સન્માર્ગવિવરણમ્’ અને વિષયવાર પાઠ્યપુસ્તકો ખાસ ઉલ્લેખનીય છે. ‘મહાચરિત્રસંગ્રહમ્’ (1895) નામક મહાન ચરિત્રસંગ્રહમાં 107 જીવનચરિત્રો છે તે પૈકી 40 ચરિત્રોનું પ્રદાન તેમનું છે. પૂરા કદની તેમની નવલકથા ‘અકબર’ (1894) અંગ્રેજી દ્વારા ડચ મૂળમાંથી કરેલ અનુવાદ છે. આમ મલયાળમ સાહિત્યને બીજી કોઈ ભારતીય ભાષાની હરોળમાં મૂકવામાં તેમનું પ્રદાન અજોડ ગણાય છે. તેથી તેઓ યોગ્ય રીતે અદ્યતન ‘મલયાળમ ગદ્યના પિતા’ ગણાયા.

તેમના જીવન દરમિયાન તેમને અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ અને મલયાળમ સાહિત્યના સમર્થક તરીકે તેમણે અભૂતપૂર્વ ખ્યાતિ મેળવી. 1883માં તેઓ મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીના ફેલો બન્યા અને 1895માં સી.એ.આઈ. ખિતાબ તેમને એનાયત કરવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા