કેન્દ્રીય બૅન્કિંગ (Central Banking) : રાષ્ટ્રનાં નાણાં તથા શાખના પુરવઠાનું નિયમન કરીને બૅન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની વ્યાવસાયિક કામગીરીઓ ઉપર, ધારાધોરણો, બજારવ્યવહારો અથવા સમજાવટ દ્વારા, પ્રભાવશાળી અસરો ઊભી કરતી સંસ્થા. પ્રત્યેક દેશમાં આવી એક સંસ્થા હોય છે. ઇંગ્લૅન્ડમાં 1694માં સ્થપાયેલી બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડ અને ભારતમાં 1935માં સ્થપાયેલી રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા આ પ્રવૃત્તિઓ સંભાળે છે.
આધુનિક યુગમાં કેન્દ્રીય બૅન્ક ખૂબ મહત્વ ધરાવે છે. કેન્દ્રસ્થાનેથી આયોજિત અને સંચાલિત એવાં સામ્યવાદી સ્વરૂપનાં અર્થતંત્રોમાં કેન્દ્રીય બૅન્કિંગની પ્રવૃત્તિઓ માટે અલ્પ અવકાશ છે. વિકસતાં જતાં અર્થતંત્રોમાં આર્થિક વિકાસને વેગવાન બનાવવા માટેના વહીવટી વ્યવસ્થાતંત્રના એક અગત્યના અંગરૂપે કેન્દ્રીય બૅન્કનું મહત્વ સ્વીકારાયું છે.
રોજિંદા વ્યવહારોમાંથી ઉપસ્થિત થતી સમસ્યાઓના ઉકેલ શોધવાના બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડના પ્રયાસોમાંથી કેન્દ્રીય બૅન્કિંગની વિભાવના ઉદભવી હતી. શરૂઆતનાં વર્ષોમાં કેન્દ્રીય બૅન્ક પણ વ્યાપારી બૅન્ક જેવી હતી. અન્ય વ્યાપારી બૅન્કો તેમનાં ફાજલ અનામત રોકડ ભંડોળો કેન્દ્રીય બૅન્કમાં જમા રાખતી. તેમાંથી તે બૅન્કોના બૅન્કર (bankers’ bank) તરીકે ઊપસી આવી; વિત્ત તથા શાખ વ્યવસ્થાઓને જાળવી રાખવાના ઉદ્દેશથી અન્ય નાણાકીય તથા બૅન્કિંગ સંસ્થાઓને સહાયરૂપ થવાની સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને જરૂરિયાતવાળી વ્યાપારી બૅન્કોને ધિરાણો આપવાના વ્યવહારો અપનાવીને તે વખત જતાં નાણાં અને શાખના અંતિમ સ્રોત(lender of the last resort)રૂપે સ્થાપિત થઈ. યુદ્ધને સમયે સરકારની નાણાકીય જરૂરિયાતો સંતોષવાના બદલામાં બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડે સરકારના બૅન્કર (Banker to the Government) તથા રાજકોષીય અભિકર્તા(agent)રૂપે વિશેષાધિકારો અને સામર્થ્ય પ્રાપ્ત કર્યાં હતાં. પછી જાહેર જનતા સાથેનો કેન્દ્રીય બૅન્કનો સંપર્ક ઉત્તરોત્તર ઓછો થતો ગયો અને સરકાર તથા અન્ય બૅન્કિંગ-નાણાકીય સંસ્થાઓ સાથે તેનો સંપર્ક વધતો ગયો. બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડની ચલણી નોટોની પ્રતિષ્ઠાએ અન્ય બૅન્કોની ચલણી નોટોનો છેદ ઉડાડી દીધો; તેમાંથી તે ચલણી નોટો બહાર પાડવાનો એકાધિકાર (monopoly of note issue) ધરાવનાર સંસ્થારૂપે સ્થાપિત થઈ. ચલણી નોટો બહાર પાડવી, સરકાર તથા અન્ય બૅન્કોના બૅન્કર તરીકેનાં કર્તવ્યો બજાવવાં, નાણાં અને શાખના અંતિમ સ્રોત તરીકેની કામગીરી સંભાળવી અને નાણાં તથા શાખના પુરવઠાનું નિયમન કરવું, એ કેન્દ્રીય બૅન્કિંગની પ્રણાલિકાગત મુખ્ય પ્રવૃત્તિઓ છે.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી સુવર્ણ ધોરણ ઉપર આધારિત અગાઉની આંતરરાષ્ટ્રીય ચલણવ્યવસ્થા ભાંગી પડી, અને હૂંડિયામણના દર પરિવર્તનશીલ બન્યા; તેને પરિણામે, વિદેશી હૂંડિયામણ સંબંધી સમસ્યાઓ બાબતમાં સરકારના સલાહકાર તરીકે, હૂંડિયામણ બજારોમાં અધિકૃત વિક્રેતા તરીકે, વિદેશી અનામતોના સંરક્ષક તરીકે, હૂંડિયામણ સંબંધી ધારાકીય અને વહીવટી નિયમનોના વ્યવસ્થાપક તરીકે તેમજ આર્થિક તેજીમંદીની ઘટમાળનું નિયમન કરનાર સંસ્થા તરીકે કેન્દ્રીય બૅન્કનું મહત્વ વધ્યું અને એ રીતે તેનું કાર્યક્ષેત્ર પણ વિસ્તર્યું. તેને કારણે દરેક દેશને કેન્દ્રીય બૅન્કની આવશ્યકતા સમજાઈ.
1948માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ તથા વિશ્વબૅન્કની સ્થાપના થયા પછી વિશ્વની તમામ કેન્દ્રીય બૅન્કો સાથે સતત સંપર્ક જાળવી રાખવાની કામગીરી વધતી ગઈ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્રાજ્યવાદી રાજ્ય-વ્યવસ્થાઓના અંતને પરિણામે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરનાર ભારત જેવા એશિયા-આફ્રિકાના દેશોમાં સરકારની આર્થિક નીતિઓ સાથે સુસંગત રહીને આર્થિક વિકાસને વેગીલો અને ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે વિત્ત-વ્યવસ્થાના સંચાલન-નિયમનનું મુખ્ય કર્તવ્ય બજાવનાર જાહેર સંસ્થા રૂપે કેન્દ્રીય બૅન્કો ઊપસી આવી.
વિકસતાં અને વિકસિત અર્થતંત્રોમાં સતત વિસ્તરતી જતી વિધેયાત્મક અને સંકુલ આર્થિક નીતિઓએ કેન્દ્રીય બૅન્કિંગના ઉદ્દેશોને વિસ્તૃત કર્યા છે અને એની પ્રવૃત્તિઓને સંકુલ બનાવી છે; તમામ પ્રકારની નાણાકીય સંસ્થાઓની પ્રવૃત્તિઓનું નિયમન તથા માર્ગદર્શન, બેરોજગારીનું નિવારણ, ઝડપી સંગીન આર્થિક પ્રગતિ, ભાવસ્થિરતા, હૂંડિયામણ-સ્થિરતા ઇત્યાદિ સમસ્યાઓએ કેન્દ્રીય બૅન્કિંગના કાર્યક્ષેત્રને વધુ વિસ્તાર્યું છે. પ્રત્યેક દેશની સામાન્ય આર્થિક અને રાજકોષીય નીતિ પ્રમાણે ત્યાંની કેન્દ્રીય બૅન્કનાં ઉદ્દેશો અને કર્તવ્યો ભિન્ન ભિન્ન હોય છે.
શરૂઆતનાં વર્ષોમાં કેન્દ્રીય બૅન્કો ખાનગી માલિકી હેઠળ સરકારથી સ્વતંત્ર રીતે પોતાનાં કર્તવ્યો બજાવતી હતી; પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બૅન્કો રાષ્ટ્રીયકૃત બની છે. કેન્દ્રીય બૅન્કોની નાણાકીય નીતિઓ અને સરકારની આર્થિક નીતિઓ લગભગ સમાન બનેલી છે. કેન્દ્રીય બૅન્કના કાર્યક્ષેત્રની સંકુલતા તથા તેની પ્રવૃત્તિઓની વિવિધતા ઉપરાંત સરકારની આર્થિક નીતિઓની સતત વધતી જતી અસરકારકતાના સંદર્ભમાં સરકારના એક અંગભૂત અને સહાયક તંત્રરૂપે કેન્દ્રીય બૅન્ક દેશના અર્થકારણ પર પ્રભુત્વ ધરાવે છે.
ધીરુભાઈ વેલવન